કાલથી બોટાદ જિલ્લામાં બે દી' કમોસમી વરસાદની આગાહી
- ફળ, શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા
- ધરતીપુત્રોની ચિંતા વધશે, પાકના રક્ષણ માટે ઉચીત પગલા લેવા તાકીદ
બોટાદ જિલ્લામાં તા.૮-૧ અને તા.૯-૧ના રોજ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આવા સમયે જાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને બોટાદ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા જણાવી તકેદારીના ભાગરૂપે ખેતરમાં તૈયાર થયેલ ફળ અને શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. કોઈપણ રાસાયણિક/સેન્દ્રીય ખાતરો કે હોર્મોન્સ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તાકીદ કરાઈ છે.
વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે, જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતા રહેવું અને જરૂર જણાય તો જૈવિક નિયંત્રણો અથવા કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ પાંચ ટકા અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ ચુચિયા જીવાતો કે મગિયા ઈયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવા અનુરોધ કરાયો છે. વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.