બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાં બે દિવસીય કૃષિ મહોત્સવ યોજાશે
ભાવનગર, તા. 12 જુન 2019, બુધવાર
બોટાદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં તા.૧૬-૧૭ જૂનના રોજ કૃષિ મહોત્સવનું વિશેષ આયોજન હાથ ધરાયું છે જે અંતર્ગત વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઉપયોગી કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ગ્રામ્યકક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પધ્ધતિઓ, જળ સંચય અને વિજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારનો આગવો અભિગમ રહ્યો છે.
જેમાં કૃષિલક્ષી અને ગ્રામ વિકાસને લગતા કાર્યક્રમોનું આયોજન કરી કૃષિ સહાય, વૈજ્ઞાનિક માર્ગદર્શન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવા તેમજ ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તે હેતુસર કૃષિ મહોત્સવ-19 તા.16 અને 17ના રોજ બોટાદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં યોજાશે. જેમાં એપીએમસી બોટાદ ખાતે સ્વામિનારાણ મંદિર કુંડળ-બરવાળા ખાતે અને એપીએમસી રાણપુર ખાતે તા.16ના રોજ યોજાશે. જ્યારે જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા ખાતે તા.17ના રોજ યોજાશે.
આ કૃષિ મહોત્સવમાં સેમીનાર અને કૃષિ પ્રદર્શન કમ વેચાણના કૃષિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં સેમિનારના કાર્યક્રમો સમય સવારે 9 કલાકથી બપોરના 1 કલાક સુધીનો રહેશે. જ્યારે પ્રદર્શનનો સમય સવારના 8.30 કલાકથી સાંજના 6 કલાક સુધીનો રહેશે. આ મહોત્સવમાં ખેડૂતોને ઉપયોગી કૃષિલક્ષી માર્ગદર્શન કૃષિ, બાગાયત, પશુપાલન, આત્મા, મત્સ્યપાલનના વૈજ્ઞાનિકો દ્વારા પુરૂ પાડવામાં આવશે તેમજ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને તેને લગતું સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે.