બોટાદ જિલ્લામાં 4 ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રિપુટીની ધરપકડ
- કેરિયા નં.1 ગામેથી તસ્કર ટોળકીને દબોચી લેવાઈ
- રોકડ, મોબાઈ ફોન, સોના-ચાંદીના દાગીના અને બાઈક કબજે લેવાઈ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ રૂરલ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગત તા.૨૨-૨ના રોજ બંધ મકાનના રૂમના નકુચા તોડી સોનાના દાગીના, રોકડ મળી રૂા.૨૬,૦૦૦ની તેમજ ગત તા.૨૫-૩ના રોજ ત્રણ અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાંથી દરવાજાના નકુચા તોડી કબાટ અને તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂા.૩,૧૮,૮૧૨ની માલમત્તાની ચોરી થઈ હતી. જે બનાવ અંગે બોટાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પીઆઈ વી.એલ. સાકરિયાની રાહબરી હેઠળ પોલીસની બે અલગ-અલગ ટીમ બનાવી તમામ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની માહિતી મેળવી, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સોનો ડેટાબેજ એકત્ર કર્યા બાદ આવા શખ્સોની હાલની પ્રવૃત્તિ બાબતે હ્યુમન અને ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ્ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તપાસી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાનમાં આજે મંગળવારે રૂરલ પીએસઆઈ વી.આર. રાવ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. ત્યારે ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સો કેરિયા નં.૧ ગામે હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે દોડી જઈ અજય ઉર્ફે બોડિયો જેન્તીભાઈ ઝાપડિયા (ઉ.વ.૨૦, રહે, ડાયાભાઈ પરમારના મકાનમાં, ધોળા ગામ, તા.ઉમરાળા), કરણ જેન્તીભાઈ ઝાપડિયા (ઉ.વ.૨૫, રહે, હાલ અમરોલી, કોસાડ હાઉસીંગ, સુરત, મુળ તુરખા, તા.બોટાદ) અને હીરા ઉર્ફે નાનો દલસુખભાઈ સાથળિયા (ઉ.વ.૨૨, રહે, કેરી નદીના કાંઠે, નિંગાળા ગામ, તા.ગઢડા) નામના શખ્સોને ઝડપી લઈ આગવીઢબે પૂછતાછ કરતા ત્રણેય શખ્સે બોટાદ રૂરલ ઉપરાંત ગઢડા અને પાળિયાદ પોલીસની હદમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તસ્કર ત્રિપુટી પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ રૂા.૧,૩૪,૨૦૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગ્રામ્ય વિસ્તારના બંધ મકાનની દિવસે રેકી કરતા'તા
મુળ તુરખા ગામના બે અને એક નિંગાળા ગામનો શખ્સે ચોરીના રવાડા ચડી ગેંગ બનાવી હતી. આ ત્રણેય શખ્સ બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસના સમયે જઈ બંધ મકાનોની રેકી કરતા હતા અને તાળા-નકુચા તોડવા પોતાની સાથે ડીસમીસ (સ્ક્રુ ડ્રાઈવર), એડજેસ્ટેબલ પાનું જેવા હથિયારો પણ સાથે રાખી ઘરફોડ ચોરી કરવાની એમ.ઓ. ધરાવતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.