સુરેન્દ્રનગર ગેટ-બોટાદ વચ્ચે 110 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવી શકાશે
- ભાવનગર રેલવે ડિવિઝનમાં જીએમના ઈન્સ્પેક્શન દરમિયાન લેવાયેલી 120 કિમીની સ્પીડ ટ્રાયલને સફળતા
- પેપર પ્રોસેસ કરવા સૂચના આપતા જીએમ : સ્ટેશન, ટ્રેક, બ્રીજ, લેવલ ક્રોસિંગ, ડિસ્પેન્સરીનું નિરીક્ષણ કર્યું : અગાઉના ઈન્સ્પેક્શન બાદ કામગીરીમાં સુધાર થયાનું અને મેઈન્ટેનન્સમાં મહેનત કરી હોવાની પ્રશંસા કરતા જીએમ : સૂચિમાં સામેલ ન હોય તેવા લીમડી ફાટક, એક સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ કરી
ડિવિઝનમાં બે દિવસના ઈન્સ્પેક્શનના પ્રથમ દિવસે સાંજે જીએમ ભાવનગર રેલવે ટર્મિનસ પર આવી પહોંચ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સફળ ટ્રાયલને ધ્યાને લેતા ટ્રેન ૧૨૦ કિમીની ઝડપે ચલાવી શકાય છે પરંતુ રેલવે માટે લોકોની સલામતી સર્વોચ્ચ સ્થાને છે એટલે સુરેન્દ્રનગર ગેટ-બોટાદ વચ્ચે ૧૧૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવવા માટે પેપર પ્રોસેસ કરવાની સૂચના આપી છે. ગાડીની સ્પીડ વધશે તો મુસાફરોનો સમય બચવાથી તેમને સુવિધા થશે.
આજના આ ઈન્સ્પેક્શન વિશે તેમણે કહ્યું હતું કે, વેસ્ટર્ન રેલવેના એચ.ઓ.ડી., ભાવનગરના ડીઆરએમ અને તેમની ટીમ સાથે આજે સુરેન્દ્રનગર ગેટથી ભાવનગર ટર્મિનસ સુધીમાં સ્ટેશન, ટ્રેક, બ્રીજ, લેવલ ક્રોસિંગ, ડિસ્પેન્સરી વગેરેનું ઈન્સ્પેક્શન કર્યું હતું. જેમાં અગાઉના ઈન્સ્પેક્શન બાદ કામગીરીમાં ઘણો સુધારો થયો છે અને મેઈન્ટેનન્સમાં ઘણી મહેનત કરવામાં આવી છે. ઘણી જગ્યાએ અમૃત ભારત સ્ટેશનનું કામ થઈ રહ્યું છે. લીમડી, બોટાદમાં કામ થયું છે. સારી પ્રગતિ છે. તેમણે ભાવનગર ડિવિઝનના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
જ્યારે તેમને પૂંછવામાં આવ્યું કે, શું તેમણે સૂચિમાં ન હોય તેવું કોઈ સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કર્યું ? તો તેમનો જવાબ હતો : હા, સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કર્યું હોય તેવી ત્રણ-ચાર જગ્યા હતી. જેમાં લીમડીમાં ફાટક ચેક કર્યું, એલ.સી. ચેક કર્યું અને એક સ્ટેશન પર અચાનક ગાડી રોકીને પણ ઈન્સ્પેક્શન કર્યું હતું. જેમાં બધું યોગ્ય જણાયું હતું.
ભાવનગર જ નહીં અન્ય એક વર્કશોપના કર્મીઓને પણ ઈન્સેન્ટીવ નથી મળતું : જીએમ
ભાવનગર સ્થિત બ્રોડગેજ રેલવે વર્કશોપના કર્મચારીઓને નિયમ પ્રમાણે ઈન્સેન્ટીવ સ્કીમનો લાભ મળતો નથી. ઈન્સેટીવમાં વર્કશોપના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો હોવાની પ્રવર્તતી ફરિયાદ સંદર્ભે પૂંછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જીએમે જણાવ્યું હતું કે, પોલિસી છે બાદમાં નથી મળી રહ્યું. માત્ર અહીં નહીં અન્ય એક વર્કશોપ છે ત્યાં પણ નથી મળતું. અલબત્ત, આવતીકાલે વર્કશોપનું ઈન્સ્પેક્શન છે અને સી.એમ.ઈ. પણ સાથે છે ત્યારે તે સંદર્ભે વિગત મેળવીશું.
યુનિયનની ચૂંટણીની આચારસંહિતાના કારણે યુનિયન સાથે ચર્ચા ન કરી શકાય : જીએમ
ભાવનગર ડિવિઝનમાં કેટલાક અધિકારીઓ પોતાની મનમાની કરી સ્ટાફને પરેશાન કરતા હોવાના અને યુનિયનની ચૂંટણીના બહાના હેઠળ સ્ટાફના વિવિધ પ્રશ્નો અંગે જીએમ સાથે ચર્ચા કરવાની તક નહીં આપવામાં આવી હોવાના વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરીએ કરેલા આક્ષેપ અંગે પૂછતાં જીએમે દાવો કર્યો હતો કે, તેમણે ઈન્સ્પેક્શન દરમિયાન કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમ લોકસભા, વિધાનસભા, મ્યુનિ.ની ચૂંટણીમાં આચારસંહિતા હોય છે તે રીતે રેલવેમાં યુનિયનની ચૂંટણી ડિસેમ્બરમાં હોવાથી આચારસંહિતા છે તેથી યુનિયન સાથે સ્ટાફના પ્રશ્નો અંગે વાર્તાલાપ કરી શકાય નહીં.