Get The App

સમઢીયાળા-૧ ગામનો ટ્રકચાલક રસોડાનો સામાન સમજી મુંબઇથી રૂા.19 લાખનો દારૂ-બિયર ભરી લઇ આવ્યો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સમઢીયાળા-૧ ગામનો ટ્રકચાલક રસોડાનો સામાન સમજી મુંબઇથી રૂા.19 લાખનો દારૂ-બિયર ભરી લઇ આવ્યો 1 - image


- બાતમીના આધારે જીસ્ભએ પાડેલાં દરોડા બાદ ટ્રકચાલકે રજૂ કરેલી કથનીથી પોલીસ ચૌકી ઉઠી

- ટ્રકની સફાઇ દરમિયાન દારૂ-બિયર હોવાનું માલૂમ પડતાં ચાલકે વર્દી આપનાર અજાણ્યા મોબાઇલધારકને જથ્થો કોડીનાર પહોંચાડવાની ના પાડી : મસમોટો જથ્થો ભરવા બીજું વાહન આવે તે પૂર્વે પોલીસ પહોંચી ગઇ : રૂ. 34 લાખની મત્તા સાથે ટ્રકચાલકની ધરપકડ

બોટાદ : બોટાદ જિલ્લાના સમઢીયાળા-૧ માં આવેલ રહેણાકી મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડો પાડી રૂ. ૧૯.૧૫ લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ વિદેશી દારૂ, બિયર, મોબાઈલ ફોન અને આઇશર ટ્રક મળી કુલ રૂ. ૩૪.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્સ  સહિત ત્રણ વિરુદ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી કે, વિજય ગોરધનભાઈ શેખલીયા (રહે. સમઢીયાળા-૧  તા.જી. બોટાદ )એ તેની આઇસર ગાડી મારફતે બહારથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લાવી પોતાના રહેણાકી મકાનમાં ઉતાર્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમઢીયાળા-૧ માં આવેલ વિજય ગોરધનભાઈ શેખલીયાના મકાનમાં દરોડો પાડી મકાનના બે અલગ અલગ રૂમમાં રાખેલ વિદેશી દારૂ અને બિયરના ટીન નંગ- ૧૯૧૫૬  કિં. રૂ. ૧૯,૧૫,૬૦૦ આઇશર ટ્રક કિં. રૂ. ૧૫,૦૦,૦૦૦ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ. ૩૪,૨૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે વિજય ગોરધન શેખલીયાને ઝડપી લીધો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ અને બિયરના જથ્થા અંગે પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સે જણાવ્યું હતું કે તેઓ બોટાદ જિલ્લાના હડદડ ગામ ખાતેથી ફેક્ટરીમાંથી કાપડ ભરીને મુંબઈ ફેરો કરવા ગયા હતા. અને મુંબઈ ખાતે તેમના બહેનના ઘરે રાત્રે રોકાણ કર્યું હતું વળતા દિવસે એક શખ્સે મોબાઇલ ઉપર ફોન કરીને કોડીનાર ગીર સોમનાથના કોડીનાર ખાતે રસોડાનો સામાન અને પૂઠાના બોક્સ પહોંચાડવાના હોવાનું જણાવતા તેની સાથે ૩૩,૦૦૦ નું ભાડું નક્કી કર્યું હતું અને મુંબઈના મુલુંડ વિસ્તારમાંથી માલ સામાન ભરીને આઇસર ટ્રક લઈને પોતાના ગામ સમઢીયાળા આવ્યો હતો જ્યાં ગાડીની સફાઈ કરતા ટ્રકમાં રસોડાના સામાનને બદલે વિદેશી દારૂ અને બિયર હોવાનું જણાવતા તેણે વર્દી આપનાર અજાણ્યા વ્યક્તિ ને ફોન કર્યા બાદ અન્ય એક વ્યક્તિએ બીજા મોબાઈલ ઉપરથી ફોન કરી આ સામાન કોડીનાર પહોંચાડવાનો કહેતા તેમને વિદેશી દારૂ અને બીયર પહોંચાડવાની ના કહી હતી. આથી તેણે બીજી ગાડી ભરવા માટે મોકલે છે તેમ વાત કરી હતી. બીજી ગાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લેવા આવે તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂ અને બિયર સાથે ઝડપાયેલા વિજય ગોરધનભાઈ શેખલીયા (રહે.સમઢીયાળા )તેમજ અન્ય બે મોબાઈલ ફોન ધારકો વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


Google NewsGoogle News