Get The App

પુત્રએ ઘરે મોકલાવેલાં નાણાં તથા વિમાની રકમ સહિત રૂ. 5.07 લાખની મત્તા ચોરાઈ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
પુત્રએ ઘરે મોકલાવેલાં નાણાં તથા વિમાની રકમ સહિત રૂ. 5.07 લાખની મત્તા ચોરાઈ 1 - image


- નાની વાવડી ગામે તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનમાં ખાતર પાડયું 

- દંપતિ ઘરને બંધ કરી ગામની સીમમાં આવેલી વાડીએ ખેતીકામ કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ કળા અજમાવી : નાના એવા ગામમાં ધોળા દિવસે તસ્કરીને લઈ ચકચાર 

ભાવનગર : બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધેળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં થયેલી ચોરીમાં તસ્કરો પુત્રએ માતા-પિતાને મોકલાવેલાં નાણાં અને વિમા કંપનીમાંથી આવેલી રોકડ તથા દાગીના સહિત રૂ.૫.૦૭ લાખ લાખની મત્તા ચોરી નાસી ગયા હતા. નાનકડા એવા ગામમાં ધોળા દિવસે બનેલાં ચોરીના આ બનાવને લઈ ભારે ચકચાર મચી છે. 

નાનકડાં એવા નાની વાવડી સહિત સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર મચાવતાં અને પોલીસને સીધો પડકાર ફેંકતાં બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા સુરેન્દ્રસિંહ બનેસંગભાઈ ડોડીયા અને પત્ની કૈલાશબેન ગતરોજ ઘરને તાળું મારી ગામની સીમમાં આવેલ વાડીએ ખેતી કામે ગયા હતા .દરમિયાનમાં અજાણ્યા તસ્કરો ઘરના ડેલાની દિવાલ કૂદી ફળિયામાં પ્રવેશ્યા હતા.અને ઘરના દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી રૂમમાં રાખવામાં આવેલ તિજોરીના તાળા તોડી તેમાં રહેલાં વિમા કંપનીમાંથી આવેલાં રોકડા રૂ. એક લાખ અને પુત્રએ મોકલાવેલા રોકડા રૂપિયા એક લાખ તથા સોના ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂ.૫,૦૭,૦૦૦ની ચોરી નાસી ગયા હતા. જયારે, તસ્કરોએ પૂરાવાનો નાશ કરવા માટે તથા મત્તા શોધવા માટે ઘરનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.દંપતિ જયારે ખેતીકામ પતાવી ઘરે આવ્યા ત્યારે તેમને ઘરમો સામાન વેરવિખેર હાલતમાં જોતાં શંકા ગઈ હતી અને ઘરમાં તપાસ કરતાં ઘરની તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી.તો, ભેજાબાજ તસ્કરોએ તસ્કરી અંગે ગંધ ન આવે તે માટે ડેલાને અંદરથી બંધ કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયારે, તસ્કરીને લઈ સુરેન્દ્રસિંહ ડોડીયાએ અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ રાણપુર પોલીસ મથકમાં ઘરમાં પ્રવેશી તિજોરીનું તાળું તોડી તેમાં રાખેલી રોકડ તથા દાગીનાની ચોરી કરી પલાયન થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે રાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Google NewsGoogle News