ઢસાની શાળાના શિક્ષકે વિદ્યાર્થી સાથે કર્યા અડપલા, વીડિયો વાયરલ થયા બાદ થઈ કાર્યવાહી
Teacher Molested Student in Dhasa : બોટાદ જિલ્લાના ઢસા ગામની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઢસા પ્રાથમિક શાળાના હવસખોર શિક્ષક આનંદકુમાર જાનીએ વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરતો દેખાય છે. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે. બીજી તરફ વાલીએ શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારબાદ પોલીસે આ 32 વર્ષના શિક્ષકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તો વિદ્યાર્થીનીના પરિવારજનો અને અન્ય વાલીઓ દ્વારા હવસખોર શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જણાવી દઈએ કે, આનંદકુમાર જાની 2019થી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરાશે : શિક્ષણમંત્રી
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટના અંગે કહ્યું કે, આ એક શરમજનક ઘટના છે. શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરાશે. મેં એસપી સાથે વાત કરી છે.
કાર્યવાહીની માંગ સાથે લોકો આવ્યા રસ્તા પર
ઢસામાં શિક્ષકની કરતૂત બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે.