બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઇ હાલ સુધી 4579 દિવ્યાંગોએ એસ.ટી.ની મફત મુસાફરી કરી
- 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે યોજના અમલી
- ચાલુ વર્ષે 455 દિવ્યાંગોએ બસની મુસાફરીનો લાભ લીધો : સમાજ સુરક્ષા કચેરી પર અરજી સ્વિકાર્ય
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ સુઅમલી છે. ત્યારે દિવ્યાંગોને મળવાપાત્ર એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાયનો ૫ણ લાભ મેળવી રહ્યા છે. આ યોજના અન્વયે દિવ્યાંગ નાગરિકોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી.નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં નિથશૂલ્ક મુસાફરીનો લાભ મળી શકે છે. વિવિધ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવે છે, તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. બોટાદ જિલ્લો ૨૦૧૪માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડીને હાલ સુધી કુલ ૪,૫૭૯ દિવ્યાંગ નાગરિકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મળ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો તા. ૧-૧-૨૦૨૪થી આજ દિન સુધી કુલ ૪૫૫ જેટલા દિવ્યાંગજનો આ યોજના અન્વયે લાભાન્વિત કરાયા છે. અનેક શાળા-કોલેજે જતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ સહિતના દિવ્યાંગ નાગરિકો સમગ્ર રાજ્યમાં એસ.ટી. બસ મારફતે મફત સવારી કરી રહ્યા છે. ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.