Get The App

બોટાદ જિલ્લા પંચાયતમાં બેફામ થતો ભ્રષ્ટાચાર, ગંભીર આક્ષેપોથી ખળભળાટ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
બોટાદ જિલ્લા પંચાયતમાં બેફામ થતો ભ્રષ્ટાચાર, ગંભીર આક્ષેપોથી ખળભળાટ 1 - image


- વિકાસના કામો કર્યા વગર જ બીલો ઉપાડી લેવામાં આવતા હોય છે 

- કામો કરવામાં આવે છે તે સાવ હલકી કક્ષાની ગુણવત્તાવાળા હોવાથી લોકોમાં રોષ, ગઢડાના અરજદારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી : વિજીલન્સ તપાસ કરવા માંગણી 

ગઢડા : બોટાદ જીલ્લા પંચાયતમાં ચાલી રહેલા તોતિંગ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની મીલીભગતથી ચાલી રહેલા ભયંકર ભ્રષ્ટાચાર સામે વીજીલન્સ સહિત જરૂરી તપાસની માંગણી બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) શહેરના આર.ટી.આઈ. એકટીવિસ્ટ અને યુવાન સામાજીક કાર્યકર કરી છે. આ બાબતે મુખ્યમંત્રી સહિતને લેખિતમાં રજૂઆત કરાઈ છે. 

રાજ્યમાં છાશવારે એક પછી એક નાણાંકીય ગોટાળાઓ અને ભ્રષ્ટ તંત્રની ગોલમાલના મુદ્દાઓ ચોમેર પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે બોટાદ જીલ્લા પંચાયતમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે વીજીલન્સ સહિત જરૂરી તપાસની માંગણી કરવામાં આવતા ચકચાર ફેલાઇ જવા પામી છે. આ રજૂઆત દરમિયાન જણાવવામાં આવેલા મુદ્દાઓમાં જિલ્લા પંચાયતમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ ૧૫ ટકા, વિવેકાધીનની ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ, એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટ, ધારાસભ્ય તથા સંસદ સભ્યની ગ્રાન્ટ તથા અલગ અલગ ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારના વિકાસના મંજુર થયેલા કામોમાં બીજાના નામે એગ્રીમેન્ટ કરી જિલ્લા પંચાયતના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો અને સ્થાનિક સરપંચો કામ કર્યા વગર બીલો ઉપાડી લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ જે કામો કરવામાં આવે છે તે સાવ હલકી કક્ષાની ગુણવત્તાવાળા કામો કરવામાં આવતા હોવાનુ પણ જણાવાયુ છે. 

ઉપરાંત બોટાદ જિલ્લા પંચાયતમાં ચોક્કસ પ્રકારની એક ટીમ કામ કર્યા વગરના બીલો ઉપાડી લેતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પ્રજાના પૈસા ભૌતિક તથા સ્થાનિક વિકાસમાં વાપરવાના બદલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાથી છેલ્લા સાડા ત્રણ વર્ષના બોટાદ જિલ્લા પંચાયતના મંજુર થયેલ કામોનું તથા જે કામોના બીલોનું ચુકવણું થયેલ છે તે તમામ કામોની તટસ્થ રીતે તપાસ કરી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માંગણી કરવામાં આવી છે. આ તમામ કામોની વિજીલન્સ એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ સાથે ગઢડાના અરજદાર મીતભાઈ ડાંગરે મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતને વિગતવાર રજૂઆત પત્ર આપ્યો છે. 


Google NewsGoogle News