બોટાદ જિલ્લામાં રામોત્સવ, ધર્મસ્થાનોની સફાઈ કરાઈ
- વિવિધ ગામોના ધામક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
- ઝુંબેશ થકી લોકોમાં જવાબદારી-સામુદાયિક ભાવના અને નાગરિક ગૌરવને પ્રોત્સાહન મળ્યું
૨૨મીએ મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેથી પ્રધાનમંત્રીએ દેશના તમામ નાના-મોટા ધર્મસ્થાનોમાં ૧૪મીથી ૨૨મી સુધી સાર્વત્રિક સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આહવાન કર્યું હતું. જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા રાજ્યના શહેરી-ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા દેવસ્થાનકોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધર્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ ધાર્મસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત કુંડલી ગામે રામજી મંદિર સહિત્ના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે આગેવાનો અને ગ્રામજનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનની સફળતા ગ્રામજનોની સાંસ્કૃતિક અને ધામક વારસા પ્રત્યેના સમર્પણની ભાવનાની સાથોસાથ જાહેર જગ્યાઓની યોગદાનના મહત્વને પણ દર્શાવે છે. આ ઝુંબેશ થકી નાગરિકોમાં જવાબદારીની ભાવના, નાગરિક ગૌરવ અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના સરવઇ, ચકમપર ગામના ધામક સ્થાનો, આસપાસના વિસ્તારોમાં ગ્રામજનો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.