બોટાદ જિલ્લામાં શાળાકીય સ્પર્ધા માટે તૈયારીઓ શરૂ
- આજે જિલ્લાના વ્યાયામ શિક્ષકોની બેઠક મળશે
- અંડર- 14, 17 અને 19 ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં શાળાના ખેલાડીઓ ભાગ લઈ શકશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તક જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અંતર્ગત ૬૭મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (શાળાકીય સ્પર્ધા) વર્ષ ર૦ર૩-ર૪ આયોજન થનાર છે, જે અનુસંધાને સદર જિલ્લામાં અંડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં તાલુકા કક્ષાએથી શરૂ થનાર ચાર રમતો જેમ કે એથ્લેટીક્સ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ રમતોનુ આયોજન થનાર છે અને જિલ્લાકક્ષાની વિવિધ ૧૯ રમત આગામી દિવસોમાં આયોજન હાથ ધરાનાર છે, જેમાં ભાગ લેવા માંગતી શાળાઓ દ્વારા ખેલાડીઓની એન્ટ્રી આચાર્યના સહી-સિક્કા સાથે અત્રેની કચેરી તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, બોટાદ ખાતે પહોંચતી કરવાની રહેશે.
શાળાકીય સ્પર્ધાના સફળ અને સુચારૂ આયોજન માટે આવતીકાલે તા. રર ઓગષ્ટને મંગળવારે બોટાદ જિલ્લાના વ્યાયામ શિક્ષક તથા વ્યાયામ પ્રવૃત્તિ માટે જોડાયેલ શિક્ષકઓ સાથે આદર્શ વિદ્યાલય, હડદડ, બોટાદ ખાતે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં કઈ રમત કઈ શાળામાં ફાળવવી તેની ચર્ચા કરી આગામી દિવસોમાં સ્થળ અને તારીખ શાળા-સંસ્થાને જણાવવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. શાળાકીય સ્પર્ધાના પગલે ખેલાડીઓએ પ્રેક્ટીસ હાથ ધરી છે.