બોટાદ એપીએમસીની ચૂંટણી જાહેર થતા રાજકીય ગતિવિધિ તેજ
- અપક્ષ ઉમેદવારો ઉભા થવાની સંભાવના વચ્ચે
- જો કોઇ સમાધાન ન થાય તો ત્રિપાંખીયો જંગ સર્જાવાના એંધાણ, ખેડૂત પેનલમાં સ્પર્ધા જામશે
વર્ષ ૨૦૧૭માં બોટાદ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ડી.એમ. પટેલની આગેવાનીમાં વિજય થયો હતો અને બાદ ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ ડી.એમ. પટેલને ચેરમેન પદેથી હટાવી દેવાયા હતાં. હવે ફરી ગુજરાતમાં ખુબ જ સમૃદ્ધ ગણાતી એવી એક બોટાદ એપીએમસીમાં ડિરેક્ટર બનવા માટે ફરી એક વખત એલાને-એ જંગના મંડાણ થઇ ગયા છે. જો કોઇ સમાધાન ન થાય તો ત્રિ-પાંખિયા જંગના એંધાણ વર્તાઇ રહ્યા છે જેમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે જંગ ખેલાશે તેવું લાગી રહ્યું છે.
બોટાદ એપીએમસી કોઇપણ ભોગે કબ્જે કરવા ભાજપે કવાયત તેજ કરી દીધી છે પરંતુ ભાજપમાં જ જો મેન્ડેટ ના મળે તો અપક્ષ ઉમેદવારો ઉભા થવાનો ભય સતાવી રહ્યો છે. અત્યાર સુધી બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સત્તા જાળવી રાખવા ભાજપ અને કોંગ્રેસ સાથે મળી કુલડીમાં ગોળ ભાંગી નાખતા હતા પરંતુ બોટાદ વિધાનસભાની ચૂંટણીમાં આપનો વિજય થતા આપ પણ પોતાના ઉમેદવારોને બોટાદ એપીએમસીની ચૂંટણીમાં ઉભા રાખશે તેવું દેખાઇ રહ્યું છે. ગત ૨૦૧૭માં યોજાયેલ બોટાદ એપીએમસીની ચૂંટણીની મુદત ૨૦૨૨માં પૂર્ણ થઇ હતી અને સરકાર દ્વારા એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુ.-૨૦૨૩માં ભાજપની અંદરો અંદરની લડાઇને કારણે રાજ્ય સરકાર દ્વારા વહિવટદારની નિયુક્તિ કરવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસે એક્સટેન્શન ચાલુ રાખવા હાઇકોર્ટમાં અરજી કરી હતી જે હાલ પેન્ડીંગ છે. હાઇકોર્ટનો નિર્ણય આવે તે પહેલા રાજ્ય સરકારે ચૂંટણી જાહેર કરી દીધી. આમ ખેડૂત વિભાગમાંથી ૧૦ ઉમેદવાર, વેપારી વિભાગમાંથી ૪ ઉમેદવાર અને ખરીદ વેચાણ મંડળીમાંથી ૨ ઉમેદવારને ચૂંટવાના રહેશે. સૌથી મોટો જંગ ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ખેલાશે. ઉમેદવારી પત્ર ભરવાની તારીખ ૨૭-૬-૨૩ અને ચકાસણીની તારીખ ૨૮-૬-૨૩ છે. જ્યારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ ૩-૭-૨૩ અને તા.૧૦-૭-૨૩ના રોજ મતદાન છે. અને ગણતરી તા.૧૧-૭-૨૩ના રોજ યોજાશે.