બોટાદ જિલ્લાના મતદાન મથકો પર સ્વચ્છતા ઝુંબેશનું આયોજન
- 'મારૂ મતદાન મથક, સ્વચ્છ મતદાન મથક' થીમ આધારિત
- બોટાદ તથા ગઢડાના ગામોના મતદાન મથકોની સફાઈ કરવામાં આવી, મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજીત થયા
લોકશાહીના પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બોટાદમાં વહીવટી તંત્ર દ્વારા 'મારૂ મતદાન મથક, સ્વચ્છ મતદાન મથક' થીમ આધારિત બૂથ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ તાલુકાના બાબરકોટ, રાજપરા, ચકમપર, ઝરીયા, પીપરડી, ભાડલા, લાખેણી, સાલૈયા, તાજપર અને પાળીયાદ સહિતનાં ગામોમા બૂથ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ તેમજ બૂથ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મતદાન મથક પર સાફસફાઈ કરીને અચુક મતદાન કરવાનો મેસેજ અન્ય નાગરીકો સુધી પહોંચાડયો હતો. તેમજ ગઢડા તાલુકાના સૂરકા, ઉગામેડી અને ખોપાળા સહિતનાં ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં ગ્રામજનો જોડાયા હતા અને મતદાન મથકને સ્વચ્છ કર્યંા હતું.