બોટાદ જિલ્લામાં 89 હજાર કરતા વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે
- બાકી રહેલા બાળકોને ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલીયોની રસી પીવડાવાશે
- 363 બુથ પર 727 ટીમના 1,440 આરોગ્ય કર્મીઓ તેમજ 73 સુપરવાઇઝર્સ પોલીયો રાઉન્ડની કામગીરીમાં જોડાશે
બોટાદ તાલુકામાં ૩૯,૪૨૮, ગઢડા તાલુકામાં ૨૪,૯૮૭, બરવાળા તાલુકામાં ૯,૪૨૩ અને રાણપુર તાલુકામાં ૧૬,૧૩૯ સહિત જિલ્લાનાં ૮૯,૯૭૭ બાળકોને પોલીયો રસીના બે ટીપાં પીવડાવી પોલીયો મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધરાશે. ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૪ શહેરી આરોગ્ય કેન્દ્રોના નીચે આવતા તમામ વિસ્તારને કુલ ૩૬૩ બૂથ પર ૭૨૭ ટીમના ૧,૪૪૦ આરોગ્ય કર્મચારી અને ૭૩ સુપરવાઈઝર દ્વારા આ કામગીરી કરાશે. આ કામગીરી અન્વયે તા.૧૦ ડિસે.ના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી બાળકોને નિયત કરેલ બૂથ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે તેમજ તા.૧૧ અને ૧૨ ના રોજ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને બાકી રહેલ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ ઉપરાંત જાહેર જગ્યાઓ જેવી કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મેળાઓ, હાટ બજાર, ધામક સ્થળો કે જયાં સતત લોકોની અવર-જવર રહેતી હોય ત્યાં ૧૯ ટ્રાન્ઝીસ્ટ બૂથ પર અને વાડી વિસ્તાર, દુર્ગમ વિસ્તાર, ઈંટોનાં ભઠ્ઠા, બાંધકામનાં સ્થળોએ ૨૦ મોબાઈલ ટીમ દ્વારા બાળકોને શોધી પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કામગીરીમાં ૧૦૦ ટકા સિદ્ધિ મળે તે માટે દરેક તાલુકામાં લાઈઝન અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરાશે. બોટાદ જિલ્લાના નાગરિકોને પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયો મુકત બનાવવાનાં અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.કનોરીયા દ્વારા અનુરોધ કરાયો છે.