બોટાદમાં મેઘરાજાની પધરામણી, 2 ઈંચ વરસાદ લોકો ખુશખુશાલ
- અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી
- ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી
બોટાદમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત હતા. બપોરે બે વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘસવારી આવી પહોંચી હતી. બપોરે ૨થી ૪ વાગ્યા દરમિયાન ૩૪ મિ.મી. અને ૪થી ૬ વાગ્યા દરમિયાન ૧૭ મિ.મી. વરસાદ વરસતા ૫૧ મિ.મી. વરસાદ પડયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૭૭ મિ.મી. નોંધાયો છે. વરસવાનું શરૂ થતા શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના વાવડ મળ્યા હતા. સારા વરસાદથી ખેડૂતો સમયસર વાવણી કરી શકશે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
બોટાદ જિલ્લાના તાલુકા મથક રાણપુરમાં બપોરે ૪થી ૬ વાગ્યા દરમિયાન ૫ મિ.મી. અને તાલુકા મથક બરવાળામાં બપોરે ૨થી ૪ વાગ્યા દરમિયાન ૨ મિ.મી. અને બપોરે ૪થી ૬ વાગ્યા દરમિયાન ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ સાથે સિઝનમાં રાણપુરમાં ૫૨ મિ.મી. અને બરવાળામાં ૨૮ મિ.મી. વરસાદ થઈ ચૂક્યો છે.