Get The App

સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં શખ્સને 20 વર્ષ સખત કેદ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
સગીરાનું અપહરણ અને બળાત્કાર કેસમાં શખ્સને 20 વર્ષ સખત કેદ 1 - image


- બોટાદ જિલ્લામાં ખેતમજૂર પરિવારની દીકરીને કુકર્મનો શિકાર બનાવી હતી

- મદદગારી કરનાર શખ્સના પિતાને પણ 3 વર્ષનો કારાવાસ, ભોગબનનારને 5 લાખ વળતર આપવા કોર્ટનો હુકમ

બોટાદ : બોટાદ જિલ્લામાં ખેતમજૂર પરિવારની એક ૧૩ વર્ષીય દીકરીનું અપહરણ કરી બળાત્કાર કરવાના ચકચારી કેસમાં કોર્ટે બળાત્કારી શખ્સને ૨૦ વર્ષ અને પુત્રના કુકર્મમાં સાથ આપનાર તેના પિતાને ત્રણ વર્ષ સખત કેદની દાખલારૂપ સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગબનનારને પાંચ લાખનું વળતર આપવાનો કોર્ટે હુકમ કર્યો છે.

બોટાદ પંથકમાં પોણા બે વર્ષ પૂર્વે નર્મદા જિલ્લામાંથી ખેતી કામ કરવા માતા-પિતા સાથે આવેલી ૧૩ વર્ષની દીકરીને ગત તા.૧૬-૧ના રોજ બાજુની ખેતીની જમીનમાં અવાર-નવાર આવતો અજય રમેશભાઈ વસાવા નામના શખ્સે પરિચય કેળવી તેણીને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો અને બાદમાં બળજબરીથી શારીરિક સબંધ બાંધતા ભોગબનનારના પિતાએ બોટાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે), ૩૭૬ (ર) (એન), ૧૧૪, ૨૧૨, પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪, ૫ (એલ), ૬, ૭, ૮, ૧૧ (૬), ૧૨ અને ૧૭ મુજબ ગુનો દાખલ કરી પીઆઈ એમ.જે. જાડેજાએ તપાસ હાથ ધરતા ભોગબનનાર અને આરોપી સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ ભોગબનનારનું નિવેદન લેતા તેણી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું તેમજ આરોપીને મદદ કરી તેના પિતા રમેશ મનોરભાઈ વસાવાએ આશરો આપ્યાનું બહાર આવતા પોલીસે રમેશ વસાવાની પણ ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સ સામે તપાસ બાદ સ્પે. પોક્સો કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ આજે બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જયેશકુમાર કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો-રજૂઆતો, ૧૧ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવા વગેરેને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ જે.કે. પ્રજાપતિએ સગીરાને હવસનો શિકાર બનાવરના શખ્સ અજય વસાવાને આઈપીસી ૩૭૬, પોક્સો અધિનિયમ-૨૦૧૨ની કલમ ૩ (એ), ૪ અન્વયે તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. તેમજ મદદગારી કરનાર શખ્સના પિતા રમેશ મનોરભાઈ વસાવાને આઈપીસી ૨૧૨ના ગુનામાં કસુરવાન ઠેરવી ત્રણ વર્ષનો કારાવાસ તેમજ દંડનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત પીડિત વળતર યોજના-૨૦૧૯, પોક્સો અધિનિયમ મુજબ ભોગબનનારને પાંચ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે. આમ, સગીરવયની બાળા સાથે રેપ કરનાર અને કાળી કરતૂતમાં સાથ દેનાર બન્ને શખ્સને ન્યાય તંત્રે સમાજમાં દાખલારૂપ સખત સજા ફટકારી અંદર જ વર્ષમાં કેસ પૂર્ણ કર્યો હતો.


Google NewsGoogle News