લેબ. સંચાલક સહિતના પાસેથી પોતાની કંપનીમાં રૂ. 91.70 નું રોકાણ કરાવી ઠગબાજે ફલેટ ખરીદી લીધા
- બોટાદના લેબોરેટરી સંચાલક એમ.આર.ની વાતોમાં આવી ગયા અને પોતાની સાથે પરિવાર, મિત્રોને કહી જંગી રોકાણ કરાવ્યું
- માસિક છ ટકા વ્યાજ મળવાની આશાએ લેબ. સંચાલકે કરેલાં રોકાણ બાદ નાણાંની જરૂર ઉભી થતાં લાખ્ખોની રકમ પરત માંગી તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી મળી : ઠગબાજ, તેના ભાઈ, પિતા સહિત પાંચ સામે ફરિયાદ
બોટાદના ગઢડા રોડ, મંગલપરા સહજાનંદ ઓફસેટની પાછળ રહેતા અને બોટાદમાં ટાવર રોડ પર આવેલી ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરી ચલાવતા અરવિંદભાઈ કસ્તુરભાઈ જાદવને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વાલજી દેવજીભાઈ હડિયલ બોટાદમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે મુલાકાતે આવતા વારંવાર મુલાકાતના કારણે મિત્રતા થઈ હતી.દરમિયાનમાં વર્ષ-૨૦૨૩માં અરવિંદભાઇએ મેહુલ મનજીભાઈ લાખાણી ( રહે.રામ સોસાયટી,વઢવાણ ), નારણ કાનજીભાઈ વસોયા ( રહે. જૈન સ્કૂલ પાસે,જોરાવરનગર ) અને વેલજીનો ભાઈ હિતેશ દેવજીભાઈ હડીયલની ભાગીદારી સાથે ચાલતી વાલજી હડિયલની અમદાવાદમાં જોબમેન, કયુફોન લિમિટેડ નામની કંપનીમાં એપ્લિકેશન બનાવવાના કામ ઉપરાંત, લાઈફ લોંગ કલબ નામથી ટૂર્સ અનેડ ટ્રાવેલ્સ પૈકી ક્યુફોન કંપનીમાં માસિક છ ટકા જેટલું ઉંચું વળતરની આશાએ રોકાણ કર્યું હતું. તો તેમણે તેમની ઉપરાંત સાળા કલ્પેશભાઈ જીવરાજભાઈ ડુમાણિયા ( રહે.બાપુનગર, અમદાવાદ બાપુનગર )ફૂવા જીવણભાઈ કુબેરભાઈ ચૌહાણ, અરવિંદભાઈના મિત્ર અમૃતભાઈ દરજીને પણ રોકાણ કરાવ્યું હતું.
આ ઉપરાંત, અરવિંદભાઈના અન્ય એક મિત્ર કંમલેશભાઈ જાદવ સાઢુભાઈ મહેન્દ્રભાઈ ચંદુભાઇ, સસરા ડાયાભાઈ ડુમાણીયા ઉપરાંત, અરવિંદભાઈએ તેમના મિત્ર રમણભાઈ વાઘેલા, સંબંધી વિરજીભાઈ હડીયલ તથા અન્ય એક મિત્ર વિશાલ રબારી પાસે પણ રોકાણ.કરાવ્યું હતું. આ ઉપરાંત આ સમય દરમિયાન અરવિંદભાઇએ ઠગબાજની કંપની તરફથી કમિશનપેટે આવેલી રકમ પણ ફરી પાછી આજ કંપનીમાં રોકાણપેટે જોતરી દેતા રોકાણનો આક વધીને રૂ.૯૧.૭૦ લાખે પહોંચ્યો હતો.
જો કે, ગત માર્ચ માસમાં અરવિંદભાઈના સાળાને નાણાંની જરૂર પડતાં તેમણે વાલજી પાસેથી રૂ. ૨૫ લાખ માંગ્યા હતા. જેમાં વાલજીએ નાણાં આપવા વાયદો આપ્યા બાદ પણ સમય મયાર્દામાં નાણાં ચૂક્વ્યા ન હતા.જેથી અરવિંદભાઈ તેના ઘરે જતાં માલૂમ પડયું હતું કે, તેમણે રોકાણ કરેલાં નાણાંથી વાલજીએ નિકોલમાં એક ફલેટ લઈ લીધો હતો. જો કે, આ અંગે અરવિંદભાઈએ વાલજીના ભાઈ હિતેષ અને તેના પિતા દેવજી હડિયલને જાણ કરી તેમણે તથા તેમના સગા-સબંધી તથા મિત્રોએ રોકાણ કરેલાં નાણાં પરત માંગ્યા હતા. જેના બદલામાં તેમણે રકમ પરત ન આપી નાણાં માંગશો તો ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી. જેના પગલે અરવિંદભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં વાલજી દેવજીભાઈ હડિયલ, મેહુલ મનજીભાઈ લાખાણી, નારાયણ કાનજીભાઈ વસોયા, હિતેષ દેવજીભાઈ હડિયલ તથા દેવજી વિરજીભાઈ હડિયલ સામે એકબીજા સાથે એકસંપ કરી કંપનીમાં રોકાણની લાલચ આપી રૂ.૯૧. ૭૦ લાખ પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.