રાજકોટમાં પોલીસ ઉપર હૂમલો કરનાર કુકી ભરવાડનું માર્ગ અકસ્માતમાં મોત
- બોટાદ-રાણપુર નજીક ગઢડીયા ગામ પાસે કાર થાંભલા સાથે અથડાઈ
- માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો
રાજકોટ: અહીંના ગોંડલ રોડ ઉપર એસ.ટી. વર્કશોપ પાસે ખોડીયારપરાના નામચીન શખ્સ કુકી ભરવાડનું બોટાદ-રાણપુર નજીક ગઢડીયા ગામ પાસે થાંભલા સાથે કાર અથડાતા મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થયું છે. ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા કુકી ભરવાડને સૌપ્રથમ બોટાદ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પર તબીબે મૃત જાહેર કરી બોટાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ખોડીયારપરામાં રહેતા કુકી ઉર્ફે રાજુ છેલાભાઈ શિયાળીયા (ભરવાડ, ઉ.વ.35) પોતાની કારમાં બોટાદ-રાણપુર નજીક ગઢડીયા ગામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. જયાંથી રાત્રિના સમયે રાજકોટ પરત આવતા ગઢડીયા ગામ નજીક કાર થાંભલા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા તેને ગંભીર ઈજા થતા સૌપ્રથમ બોટાદના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
રાજકોટમાં નામચીન શખ્સ તરીકે જાણીતા કુકી ભરવાડે પોલીસ ફરિયાદનો ખાર રાખી અગાઉ કારખાનેદાર ઉપર હૂમલો કર્યો હતો જે બનાવમાં માલવીયાનગર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પી.એસ.આઈ. વી. કે. ઝાલા સહિતનો સ્ટા તેને પુનિતનગરના ટાંકા પાસે પકડવા ગયો ત્યારે તેના ઉપર કુકી અને તેના સાગરીતોએ સોડા-બોટલનાં ઘા કરી હૂમલો કર્યો હતો. અગાઉ તેની વિરૂદ્ધ મારામારી સહિતના ગુના પોલીસમાં નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મૃતક કુકી ભરવાડ શ્રી રાધિકા નામની બચત ખાતાની મંડળી ચલાવતો હતો. માર્ગ અકસ્માતની ઘટના બાદ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.