જૈનાચાર્ય યશોદેવસૂરીશ્વરજી પાલિતાણા ખાતે કાળધર્મ પામ્યા
- રંડોળામાં જૈન મેડીટેશન સેન્ટર બનાવાશે
- આજે નિકળનારી પાલખીયાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી જૈન તથા જૈનેતરો અંતિમ દર્શન માટે પધારશે
પાલિતાણામાં તળેટી રોડ સ્થિત બેંગ્લોર ભવનમાં ચાતુર્માસ બિરાજમાન શાસન સમ્રાટ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના દાદા ગુરૂદેવ આ.ભ.નયપ્રભસૂરીજી મ.સા.ના શિષ્ય આચાર્ય ભગવંત યશોદેવસૂરીશ્વરજી મ.સા.૮૧ વર્ષની જૈફ વયે ૬૩ વર્ષનો દિક્ષાપર્યાય પાળી શુક્રવારે સમાધિપુર્વક કાળધર્મ પામ્યા છે. જૈનાચાર્યની પાલખીયાત્રા આવતીકાલ તા.૨૧ને શનિવારે સવારે ૧૦ કલાકે બેંગ્લોર ભવનથી પ્રારંભ થશે. આ અંગે જે.પી.મહારાજે જણાવ્યુ હતુ કે, જૈનાચાર્ય તેમની અંતિમ ઈચ્છા મુજબ પાલિતાણામાં જ ચાતુર્માસ અર્થે પધાર્યા હતા. જ્યા આજરોજ તેઓ કાળધર્મ પામ્યા હતા. તેઓ દ્વારા ૨૦ દિક્ષા સાધુ ભગવંતો અને ૨૨ દીક્ષા સાધ્વીજી ભગવંતોને દેવામાં આવી હતી.તેમની પાલખીયાત્રામાં ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી જૈનો તથા જૈનેતરો દર્શન માટે હાજરી આપશે. તેમના દ્વારા તેમની સ્મૃતિમાં પાલિતાણાના રંડોળા ગામે જૈન મેડીટેશન સેન્ટર બનાવવામાં આવશે.