બોટાદમાં ખોટા સોગંદનામાંથી 4 શખ્સે જમીન બિનખેતી કરી

Updated: Apr 19th, 2023


Google NewsGoogle News
બોટાદમાં ખોટા સોગંદનામાંથી 4 શખ્સે જમીન બિનખેતી કરી 1 - image


- ગુજરાત હાઈકોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો

- સવા વર્ષ પહેલા ખોટું સોગંદનામું અને ખોટું એફિડેવિટ રજૂ કરી જમીન બિનખેતી કરાવી લેવાઈ 

બોટાદ : બોટાદમાં ચાર શખ્સોએ ખોટું સોગંદનામું અને ખોટું એફિડેવિટ કરી જમીનને બિનખેતી કરી નાંખતા ચારેય શખ્સ સામે હાઈકોર્ટના હુકમ બાદ જમીન માલિકે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના ભાવનગર રોડ, ઘનશ્યામનગર, ધર્માશું કોમ્પલેક્ષ, પ્લોટ નં.૧૩માં રહેતા લાલજીભાઈ અશોકભાઈ સાકરિયા (ઉ.વ.૩૫)એ બોટાદ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની વડીલો પાર્જીત જમીન જે બોટાદ સર્વે નં./બ્લકો નં.૩૦/૧૧૫૧ અને સર્વે નં./બ્લોક નં.૩૦/૧૧ પૈકી ૧/ પૈકીની જમીનને ગત તા.૧૧-૦૮-૨૦૧૦ના રોજ તેમના પરિવારને ગરરીતિ અને ભોળવીને મુકેશ ભગવાનભાઈ કળથિયા, પ્રવીણ ભગવાનભાઈ કળથિયા, મનોજ જેરામભાઈ કળથિયા અને રાજેશ જેરામભાઈ કળથિયા (રહે, તમામ બોટાદ)એ રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ દ્વારા વિવાદીત જમીન ખરીદી કરી હતી. ત્યારબાદ વેચાણ દસ્તાવેજને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સિવિલ દાવો હાલ બોટાદ કોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં પણ જૂન-૨૦૨૨માં શખ્સો દ્વારા રોડ-રસ્તા બનાવવાનું કામ કરાતા લાલજીભાઈએ બોટાદ કલેક્ટર કચેરી અને આરટીઆઈથી માહિતી મેળવી તપાસ કરતા ચારેય શખ્સે સિવિલ કોર્ટમાં કેસ ચાલુ હોવાની સાચી હકીકત છુપાવી કલેક્ટર સમક્ષ ખોટું સોગંદનામું, ખોટું એફિડેવિટ ફાઈલ કરી ગત તા.૧૨-૧-૨૦૨૨ના રોજ જમીન બિનખેતીની અરજીમાં કોલમ નં.૫ (ઈ)માં સોગંદનામાંમાં સિવિલ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા મહેસૂલ પંચ, સચિવ વિવાદની કોર્ટમાં કોઈ કેસ નોંધાયેલો છે કે કેમ તે ખાનામાં ખોટી માહિતી-નિવેદન આપી જમીન બિનખેતી કરાવી લીધી હતી. જેથી ચારેય શખ્સ ખોટું સોગંદનામું રજૂ કરી ગેરકાયદે રીતે બિનખેતીનો હુકમ લેવામાં આવ્યો હોય, જે શખ્સો સામે લાલજીભાઈ સાકરિયાએ ગુજાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે આર/સ્પેશિયલ ક્રિમિનલ એપ્લીકેશન નં.૪૧૨૮ ઓફ ૨૦૨૩થી અરજી કરતા હાઈકોર્ટે ૨૪ કલાકની અંદર ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. જેના આધારે લાલજીભાઈ સાકકરિયાએ ગઈકાલે સોમવારે મોડી રાત્રે મુકેશ કળથિયા, પ્રવીણ કળથિયા, મનોજ કળથિયા અને રાજેશ કળથિયા વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૧૯૨, ૧૯૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News