બોટાદમાં 3 ભેજાબાજ શખ્સ બીજાના નામે રૂા. 7.87 લાખની લોન લઈ ફરાર

Updated: May 30th, 2024


Google NewsGoogle News
બોટાદમાં 3 ભેજાબાજ શખ્સ બીજાના નામે રૂા. 7.87 લાખની લોન લઈ ફરાર 1 - image


- 25 લોકોના ડોક્યુમેન્ટ્સ ઉપર ત્રણેય શખ્સે લાખો રૂપિયા ઉસેડી લીધા

- વિશ્વાસઘાત-છેતરપિંડી : ત્રણેય ભેજાબાજે માત્ર 9-9 હજારની લોન લેનારા લોકોને લાખો રૂપિયાના લેણિયાત કરી દીધા 

ભાવનગર : બોટાદ શહેરમાં સબસીડીવાળી લોનની લાલચમાં ૨૫ લોકોએ આપેલા ડોક્યુમેન્ટ્સ ઉપર ત્રણ ભેજાબાજ શખ્સે લાખો રૂપિયાની લોન લઈ માત્ર નવ-નવ હજારની લોન લેનારા લોકોને લેણિયાત કરી દીધા હતા. લોનનું લાખો રૂપિયાનું લેણું માથે હોવાથી અજાણ લોકોને સીજે ફાયનાન્સ તરફથી તેમના વકીલ મારફત નોટિસ મળતા સામાન્ય પરિવારના લોકોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી અને તપાસ કરતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેમના ડેક્ટુમેન્ટ્સ ઉપર લોન લઈ રફુચક્કર થઈ જનારા ત્રણ ભેજાબાજ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના ખોડિયારનગર-૧માં રહેતો વિક્રમ ભુપતભાઈ વાળા નામનો શખ્સ સીજે ફાયનાન્સની સબસીડીવાળી લોન કરાવી આપતો હોવાની વાતને લઈ ડિસેમ્બર-૨૦૨૧માં બોટાદના ભાવનગર રોડ પર આવેલા ઝવેરનગર અને ખોડિયારનગર વિસ્તારમાંથી ૨૫ લોકોએ સબસીડીવાળી લોન લેવાનું નક્કી કરી વિક્રમ વાળાનો સંપર્ક કર્યો હતો. જેથી વિક્રમ અને તેના બે મળતિયા એજન્ટ ચિરાગ બહાદુરભાઈ મકવાણા, અરવિંદ જેસાભાઈ ડાભીએ સીજે ફાયનાન્સના લોન લેવાના ફોર્મ ઉપર ૨૫ વ્યક્તિઓ પાસે સહીઓ કરાવી તેમના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, લાઈટબીલ, બેન્ક પાસબુક અને બે ફોટા સહિતના ડોક્યુમેન્ટ્સ લીધાના ત્રણ-ચાર દિવસ બાદ તમામ અરજદારોના ઓનલાઈન અંગંઠા લઈ લોનના નવ-નવ હજાર રોકડા આપી દીધા હતા. આ તમામ ૨૫ લોકોએ લોનના હપ્તા શાકમાર્કેટ ખાતે આવેલી શક્તિ ફાયનાન્સ નામની ઓફિસ ખાતે જઈ નિયમિત રીતે ભરી ૧૫મી મે ૨૦૨૨ સુધીમાં લોન પૂશ્રી કરી હતી. જેથી સીજે ફાયનાન્સે તા.૨૦-૮-૨૦૨૨ના રોજ લોન લેનાર તમામને નો-ડયુ સર્ટીફિકેટ પણ આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૨૨માં અમદાવાદના વકીલ નીતિન બી. દેવલેકરની નોટિસો આવી હતી. જેમાં અગાઉ લોન ભરપાઈ કરનારા ૨૫ લોકોના નામે સીજે ફાયનાન્સમાં વ્યક્તિ દીઠ ૩૦-૩૦ લોન લેવામાં આવી હોય, જેના વ્યાજ સાથે હપ્તા ભરવાના બાકી છે તેમ જણાવાયું હતું. જેથી આ બાબતે તપાસ કરતા વિક્રમ વાળા, ચિરાગ મકવાણા અને અરવિંદ ડાભી (રહે, ત્રણેય ખોડિયારનગર, બોટાદ) નામના શખ્સોએ ૨૫ વ્યક્તિના ડોક્યુમેન્ટ્સનો ખોટો ઉપયોગ કરી રૂા.૭,૮૭,૯૫૦ની લોન લઈ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેની તપાસ કરતા ત્રણેય શખ્સ લાખો રૂપિયા ચાઉં કરી નાસી ગયાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે બોટાદના ભાવનગર રોડ, ઝવેરનગર, શ્યામ માર્બલવાળી શેરીમાં રહેતા મંજુબેન શૈલેષભાઈ ચાવડા (ઉ.વ.૨૭)એ વિક્રમ વાળા, ચિરાગ મકવાણા અને અરવિંદ ડાભી સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News