Get The App

છતાં પાણીએ બોટાદ શહેરના ઘણા વિસ્તારમાં પાણીના પોકાર ઉઠયા

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
છતાં પાણીએ બોટાદ શહેરના ઘણા વિસ્તારમાં પાણીના પોકાર ઉઠયા 1 - image


- બોટાદ શહેરમાં 120% થી વધુ વરસાદ વરસ્યો

- શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દિવસે પાણી વિતરણ : તંત્રની અણઆવડત !

બોટાદ : બોટાદ શહેરમાં સરકારી ચોપડે ૧૨૦ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો હોવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં છ-છ દિવસે પાણી આવતા લોકોમાં કચવાટ ફેલાયો છે. તો કેટલાક વિસ્તારમાં છ દિવસે પાણી વિતરણ થતા જવાબદાર તંત્રની અણઆવડત છતી થવા પામી છે.

બોટાદ શહેરમાં તાજેતરમાં આવેલ ધમાકેદાર મેઘસવારીથી સિઝનનો ૧૨૦ ટકા વરસાદ વરસી ચુક્યો છે અને નદી-નાળા, ચેકડેમ, તળાવ છલકાઇ ગયા છે. આમ પુરતા પ્રમાણમાં પાણીની આવક થવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં છ દિવસે પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આમ સારો વરસાદ પડયાની સાથો સાથ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પરીએજ યોજનાથી પીવાનું પાણી આપવાનો પ્રારંભ તો કર્યો છે પરંતુ અધિકારીઓની બિન આવડતના કારણે શહેરીજનોને સમયે જોઇએ તેટલું પાણી મળી શકતું નથી અને જો નળમાં પાણી આવે તો તે પણ લો પ્રેશરથી આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ગુજરાત કે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં દરરોજ અથવા એકાતરે પાણી વિતરણ થાય છે. પરંતુ બોટાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં છ દિવસે પાણી વિતરણ થતા છતાં પાણીએ પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. આ પ્રશ્નને લઇ અનેકો રજૂઆત કરવા છતાં વહિવટી તંત્ર દ્વારા સુધારો કરવાના બદલે સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે. જે તંત્રની અણઆવડત છતી કરે છે. પાણી વિતરણ વ્યવસ્થામાં ધાંધિયાની સાથો સાથ બોટાદ જિલ્લાના ગામડાઓમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને આ પ્રશ્ન દર ચોમાસે સર્જાય છે. ત્યારે આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા શહેરમાં નથી કોર્પોરેશન કરી શકતું કે ગામડામાં નથી ગ્રામ પંચાયત નક્કર કામગીરી કરતું ન હોવાની બુમ ઉઠવા પામી છે. જ્યારે છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદના કારણે ધરતીપુત્રોના જણાવ્યા પ્રમાણે કપાસ, તલ, જુવારના પાકને નુકશાન થવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે.


Google NewsGoogle News