બોટાદના કુંભારા નજીક બોલેરો પલટી જતા પિતા-પુત્રીના મોત
- બોલેરો પીકઅપમાં સવાર નવ મુસાફરને ગંભીર ઈજા
- મધ્યપ્રદેશના અંબુવા ગામના પરિવાર હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવા વતન જઈ રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબુવા તાલુકાના અગોની ચોકીદાર ફળિયા ગામે રહેતા કૈલાસભાઈ ગજરીયાભાઈ વાસ્કલા (બધેલ) (ઉ.વ.૪૦), તેમના સુડકીબેન, દાદાના દિકરાભાઈ લાલસિંહ અલસિંહ, તેઓના પત્ની સુમીબેન, તેના બાળકો તથા કલમાભાઇ અલસિંહ, લીલાબેન કલમાભાઇ, તેના બાળકો, મુકેશભાઈ રૂપસિંહ, તેમના પત્ની દયાબેન, તેના બાળકો, ભેરૂસિંહ વાલસિંહ, મનીષાબેન વેસ્તાભાઇ સહિતના સગા-સબંધીઓ પોતાના વતન ખાતે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ગઈકાલ તા.૧૪-૩ને ગુરૂવારે સાંજના સમયે બોલેરો પીકઅપ નંબર એમ.પી.૦૯.જીજી.૧૦૦૬માં ઘરવખરીનો સરસામાન, ત્રણ મોટરસાઈકલ ભરીને વતન જવા નીકળ્યા હતા. દરમિયાનમાં વીછિંયાથી પાળિયાદ તરફ કુંભાર ગામ નજીક પહોંચતા બોલેરો ચાલક અર્જુન ભેરસિંહ ડોડવાએ કાવું મારતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બોલેરો પીકઅપ વાન પલટી મારી જતાં લાલસિંહ અલસિંહ (ઉ.વ.૨૮) અને તેમની દીકરી સવિતાબેન (ઉ.વ.૦૭)ને ગંભીર ઈજા થવાથી બન્નેના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે કૈલાસભાઈ, તેમના પત્ની સહિત બોલેરોમાં સવાર અન્ય નવ વ્યક્તિને નાની-મોટી ગંભીર ઈજા થતાં અલગ-અલગ ૧૦૮ એમ્બ્યુલન્સ માફરતે પાળિયાદ બાદ વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા હતા.
આ કરૂણાંતિકા અંગે ઈજાગ્રસ્ત કૈલાસભાઈ વાસ્કલાએ બોલેરાના ચાલક અર્જુન ભેરસિંહ ડોડવા સામે પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.