બોટાદના ઢાંકણીયા ગામે પરિવાર ઉપર જીવલેણ હુમલો : 6 ને ઈજા
- વીજપોલ માટે જમીનમાં ખાડો ખોદવાની ના પાડતા દાદા અને તેના પરિવારે પ્રાણઘાતક હથિયારોથી મારામારી કરી
- છરી, ધારિયા અને લાકડીથી માર મારતા ત્રણ ભાઈ, માતા-પિતા અને ભાઈના પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદ તાલુકાના ઢાંકણિયા ગામની સીમ, ખાખુઈ રોડ ખાતે રહેતા ભીમજીભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૬), તેમના પિતા લાલજીભાઈ, માતા હીરાબેન, ભાઈ મહેશભાઈ, મહેશભાઈના પત્ની કાજલબેન, ભાઈ સુરેશભાઈ સહિતનાઓ ગઈકાલે બપોરના સમયે તેમની વાડીએ હતા. ત્યારે ભીમજીભાઈના દાદા બીજલ બચુભાઈ તેમજ ધીરૂ બીજલભાઈ, વિનોદ ઘનશ્યામભાઈ, ઘનશ્યામ બીજલભાઈ, રાજુ બીજલભાઈ સહિતના શખ્સોએ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઈ એક સંપ કરી આવી વીજ ટ્રાન્સફોર્મર ઉભું કરતા યુવાનની વાડીના નીચેના શેઢેની જમીનમાં ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જેથી શખ્સોને વીજ કનેક્શન લેવું હોય તો તેમની જમીનમાં ખાડો ખોદવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ધારિયા, છરી, લાકડી વડે ભીમજીભાઈ, તેમના બે ભાઈ મહેશભાઈ, સુરેશભાઈ, માતા-પિતા લાલજીભાઈ, હીરાબેન તેમજ ભાઈના પત્ની કાજલબેન ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ બનાવમાં ભીમજીભાઈ અને તેમના પિતા લાલજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજા થતાં તમામને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાન ભીમજીભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે બીજલ બચુભાઈ ચૌહાણ, ધીરૂ બીજલભાઈ ચૌહાણ, ઘનશ્યામ બીજલભાઈ ચૌહાણ, વિનોદ ઘનશ્યામભાઈ ચૌહાણ અને રાજુ બીજલભાઈ ચૌહાણ (રહે, તમામ ઢાંકણિયા, તા.બોટાદ) સામે આઈપીસી ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એમ.પી. જાંબુચાએ હાથ ધરી છે.