Get The App

સરકારી નોકરીની લાલચ આપી તબીબ ટોળકીએ રૂા. 43.50 લાખ ચાઉં કર્યા

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
સરકારી નોકરીની લાલચ આપી તબીબ ટોળકીએ રૂા. 43.50 લાખ ચાઉં કર્યા 1 - image


- બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના બેરોજગાર 22 યુવક-યુવતીને બાટલીમાં ઉતાર્યા

- સાળંગપુર મંદિરની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતો શખ્સ, અમદાવાદની મહિલા અને મંત્રીના પી.એ. તરીકેની ઓળખ આપનારા શખ્સનું કારસ્તાન : મહિલાએ બાંહેધરી પેટે બેન્કના ચેક પણ આપ્યા : ડોક્ટરની ધરપકડ

ભાવનગર : બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના બેરોજગાર ૨૨ યુવક-યુવતી લોભે લૂંટાયાનો કિસ્સો સામે આવ્યો છે. તબીબ ટોળકીએ સેટીંગથી સરકારી નોકરી અપાવવાના દીવા સ્વપ્નો દેખાડી બેરોજગારોને બાટલીમાં ઉતાર્યા બાદ ૪૩.૫૦ લાખ જેટલી માતબર રકમ પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે થયેલી ફરિયાદના આધારે બોટાદમાં રહેતો અને સાળંગપુર મંદિરના હોસ્પિટલમાં નોકરી કરતા ડોક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

શોર્ટકટથી સરકારી નોકરી મેળવવાના સ્વપ્ના જોતા બેરોજગાર યુવાઓની આંખ ઉઘાડનારા ચકચારી કિસ્સાની મળતી વિગત અનુસાર બોટાદ શહેરના આદેશ્વરધામ એપાર્ટમેન્ટ, રૂમ નં.૫૦૨માં રહેતા અને એએનએમ સુધીનો અભ્યાસ કરેલા હેતલબેન પરાગભાઈ ગોહિલ (ઉ.વ.૨૯) બે વર્ષ પહેલા તેમના પતિ પરાગભાઈ ગોહિલ સાથે સાળંગપુર મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પતિ સાથે નોકરી કરતા દેવેન્દ્રભાઈ પરમારે સાળંગપુર મંદિરની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતો ભરત બચુભાઈ સોલંકી (રહે, પાળિયાદ રોડ, પંજવાણીકાંટા પાસે, બોટાદ) સાથે મુલાકાત કરાવી હતી. દરમિયાનમાં ભરત સોલંકીએ તેના જાણિતા શિલ્પાબેન અજયકુમાર દવે (રહુ, સોલા, ભાગવત મંગલમ્-૨, સી-૧૦૨, અમદાવાદ, મુળ લીંબડી, ગાયત્રી સોસાયટી, અમદાવાદ)ને ગાંધીનગર સચિવાલયમાં સારી ઓળખાણ છે અને વહીવટથી નોકરીનું સેટીંગ કરી આપે છે તેમ જણાવ્યું હતું. થોડા સમય બાદ દંપતી ફરી સોળંગપુર ગયા ત્યારે ભરત સોલંકીના દવાખાને અમદાવાદની મહિલા શિલ્પાબેન દવેને મળ્યું હતું અને ત્યારે તેણીએ પોતાને મંત્રીઓ સાથે સારી ઓળખાણ હોવાની શેખી મારતા હેતલબેન ભરમાઈ ગયા હતા અને ફોન નંબરની આપ-લે કરી સેટીંગથી ફિમેલ હેલ્થ વર્કરની નોકરી મેળવવા તેણીને લાલચ જાગી હતી.

આ સમયે ફિમેલ હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક ભરતી બહાર પડતા હેતલબેનએ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને ભેજાબાજ મહિલાના કહેવાથી હેતલબેન તેના પતિ અને પતિના મિત્ર સાથે ગાંધીનગર સચિવાલય ખાતે ગયા હતા. જ્યાં શિલ્પાબેન દવેએ તેની ટોળકીના જગદીશ તરીકે ઓળખ આપી મંત્રીનો પી.એ. હોવાનો ઢોંગ કરનારા એક શખ્સ સાથે મુલાકાત કરાવ્યા બાદ પૈસાનો વહીવટ કરી નાંખો, નોકરીનું થઈ જશે તેમ વાત કરી ગત તા.૨૧-૬ના રોજ અમદાવાદની મહિલા બે લાખ રૂપિયા લેવા બોટાદ રેલવે સ્ટેશન ખાતે આવી હતી. જ્યારે હેતલબેન અને તેના પતિએ મહિલાને બે લાખ આપતા તેણીએ પૈસાની બાંહેધરી પેટે સરસપુર નાગરિક કો.ઓ. બેન્ક લિ. નામનો તારીખ વગરનો બે લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

બે લાખ ઉસેડી લીધા બાદ ઠગમહિલાએ ફરીવાર ફોન કરી હેતલબેનને નોકરીનું પાક્કું થઈ ગઈ ગયા છે, તેમ કહીં છ લાખની માંગણી કરી ગત તા.૧૪-૭ના રોજ બરવાળા બસ સ્ટેન્ડ ખાતે આવી નોકરીના ઓર્ડર મોકલી આપું છું તેમ જણાવી દંપતી પાસેથી છ લાખની રોકડ લીધી હતી અને તેના બદલામાં બાંહેધરી પેટે એચડીએફસી બેન્ક-ડીસાનો ચેક પણ આપ્યો હતો.

સરકારી નોકરી પાક્કી જ હોવાની લાલચમાં આઠ લાખ રૂપિયા આપી દીધા બાદ ફિમેઈલ હેલ્થ વર્કરની ભરતીનું પરિણામ આવતા તેમાં હેતલબેનનું નામ ન હોવાથી તેણીએ શિલ્પાબેનને ફોન કર્યો હતો. જેથી મહિલાએ ત્યારે પણ વેઈટીંગ લિસ્ટમાં નામ હોય, થોડી રાહ જુઓ, ચિંતા કરોમાં તમારૂ નામ આવી જશે તેવા ખોા વાયદા કર્યા હતા. એક વર્ષ બાદ વેઈટીંગ લિસ્ટ ખુલ્યું ત્યારે પણ તેમનું નામ ન આવતા આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ગંધ આવી જતાં અમદાવાદની મહિલા પાસેથી તેમણે આપેલા આઠ લાખ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ લોભિયાનો માલ ધૂતારા લૂંટી ગયા હોય તેમ પૈસા પરત કરવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા અને તેણીએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયા હતા.

બાદમાં હેતલબેન અને તેમના પરિવારજનોએ તપાસ કરતા સાળંગપુર મંદિરની હોસ્પિટલનો ડોક્ટર ભરત સોલંકી અને તેની ટોળકીએ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના અન્ય ૨૧ બેરોજગાર યુવાનોને પણ સરકારી નોકરી અપાવવાના વાયદા કરી વિશ્વાસમાં લઈ કુલ રૂા.૩૫,૫૦,૦૦૦ની રકમ ચાઉં કરી લીધાનું જણાયું હતું. જેથી ડોક્ટર ટોળકીના કારસ્તાન અંગે હેતલબેન ગોહિલએ આજે સોમવારે ભરત બચુભાઈ સોલંકી, શિલ્પાબેન અજયકુમાર દવે અને મંત્રીના પી.એ. તરીકેની ઓળખ આપનારો મોબાઈલ નં.૯૯૭૮૩૮૯૦૨૭, ૮૪૦૧૦૬૦૨૦૧, ૮૪૬૦૬૦૬૦૫૧ ધારક શખ્સ સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બોટાદ પોલીસે બોટાદના શખ્સ ભરત સોલંકીને આજે સોમવારે રાત્રિના સમયે ઝડપી લીધો છે.

પરિણીત યુવતી સહિત આ યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા

સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેવાના ષડયંત્રમાં હેતલબેન ગોહિલે આઠ લાખ ગુમાવ્યા છે. આ ઉપરાંત અલ્પેશભાઈ મોહનભાઈ ભાલિયા (રહે, ખડસલિયા, તા.મહુવા) પાસેથી અઢી લાખ, રાજકોટના વીછિંયા તાલુકાના ભડલી ગામે રહેતા મૌલિકભાઈ રમેશભાઈ જાદવ, નિલેશભાઈ પરશોત્તમભાઈ જાદવ, પ્રકાશભાઈ મનજીભાઈ જાદવ, જયેશભાઈ વિરજીભાઈ બાવળિયા (રહે, જનડા કંધેવાળિયા, તા.વીછિંયા), મહાવીરદાસ જીણુરામદાસ વિષ્ણુસ્વામી (રહે, ગાળા, તા.ગઢડા), વિપુલભાઈ પરશોત્તમભાઈ ધરજીયા (રહે, સમઢિયાળા નં.૧, તા.બોટાદ), નિતેશભાઈ ધીરૂભાઈ ગાબુ (રહે, સાળીંગપરડા, તા.ગઢડા), અલ્પેશભાઈ વલ્લભભાઈ રંગપરા (રહે, ગોરડકા, તા.ગઢડા), દીપકભાઈ વિનુભાઈ મકવાણા (રહે, સમઢિયાળા, તા.વીછિંયા), જયેશભાઈ ભોળાભાઈ રાજપરા (રહે, વીછિંયા, જિ.રાજકોટ) અને ઘનશ્યામભાઈ મીઠાપરા (રહે, સમઢિયાળા, તા.વીછિંયા) પાસેથી બે-બે લાખ, રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ કરશનભાઈ નાકિયા (રહે, આસલપુર, તા.વીછિંયા) પાસેથી દોઢ તેમજ પરેશભાઈ સુખાભાઈ બાવળિયા (રહે, ધજાળા, તા.સાયલા, જિ. સુરેન્દ્રનગર) પાસેથી અઢી લાખ  ઉપરાંત શૈલેષભાઈ વલ્લભભાઈ સોલંકી (રહે, બેલડા, તા.વીછિંયા)એ તેમના સાત સબંધીઓના સાત લાખ રૂપિયા પડાવી ટોળકીએ છેતરપિંડી આચર્યાનો ઘટસ્ફોટ થયો છે. હજુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો વધુ બેરોજગાર યુવાઓને બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ચાઉં કર્યાનું બહાર આવી શકે તેમ છે. 


Google NewsGoogle News