બોટાદ શહેરમાં મોટાબાપુના હાથે ભત્રીજાની નિર્દય હત્યાથી ચકચાર
- મકાનના ઝઘડા અને નળ કનેક્શન કપાઈ ગયાની દાઝ રાખી ખૂની ખેલ ખેલ્યો
- કાથલો થોભી ઘરની બહાર ઢસડી ગયા બાદ માથાના ભાગે હથોડી અને બન્ને પગના ભાગે આડેધડ કોદાળીના ઘા ઝીંક્યા : હત્યારો ફરાર
ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર બોટાદના ગઢડા રોડ, શિવનગર વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર સામે રહેતા અને કડિયા કામ કરતા પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.૪૫, રહે, મુળ મોટા ચારોડિયા, તા.ગારિયાધાર)ને તેમની બાજુમાં જ રહેતા સગા મોટાભાઈ રાજુ ડાયાભાઈ પરમાર સાથે મકાન બાબતે ઘણાં લાંબા સમયથી વાદ-વિદાય ચાલી રહ્યો હતો. દરમિયાનમાં તા.૧૧-૦૩-૨૦૨૪ના રોજ બોટાદ નગરપાલિકા દ્વારા નળ વેરો ભરવા જાણ કરવામાં આવતા બન્ને ભાઈઓના સહિયારા વેરાની રકમ રૂા.૧૫,૦૦૦૦ પૈકીના પ્રકાશભાઈના ભાગે આવતા વેરાની રકમ તેમણે ભરપાઈ કરી દીધી હતી. જ્યારે રાજુ પરમારે વેરો નહીં ભરતા નગરપાલિકા તંત્રે તેનું નળ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ નળ કનેક્શન તેના ભત્રીજાએ કાપી નાંખ્યું હોવાની શખ્સને શંકા હોવાથી ગઈકાલે ગુરૂવારે રાત્રિના ૧૦-૩૦ કલાકના અરસામાં રાજુ પરમારે જોર-જોરથી ગાળો બોલી તમારો બાપ કયાં ગયો, મારૂં નળ કનેક્શન શું કામ કાપ્યું ? તેમ કહીં ગાળો બોલી ઘરનો દરવાજો ખખડાવી પ્રકાશભાઈના પુત્ર આકાશભાઈ (ઉ.વ.૨૩)નો કાથલો થોભી બહાર ઢસડી લઈ જઈ તેના હાથમાં રહેલ હથોડીનો ઘા ભત્રીજા આકાશભાઈના માથામાં મારી દેતા યુવાન લોહથી લથપથ હાલતમાં નીચે ઢળી પડયો હતો. ત્યારબાદ પણ શખ્સના માથા ઉપર ખૂન સવાર હોય તેમ સગા ભત્રીજાના બન્ને પગ ઉપર કોદાળીના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને રિક્ષામાં સુવડાવી હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે આકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ખૂની ખેલ ખેલી હત્યારો રાજુ પરમાર નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના પિતા પ્રકાશભાઈ પરમારે તેના મોટાભાઈ રાજુ પરમાર સામે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
બે માસ પૂર્વે જ મૃતકે પ્રેમલગ્ન કરી સંસાર વસાવ્યો હતો
બે ભાઈઓના મકાનને લઈ ઝઘડા અને નગરપાલિકાએ નળ કનેક્શન કાંપી નાંખ્યાની વાતમાં નવાણિયો કૂટાયો હોય તેમ હજુ બે માસ પહેલા જ્યોતિબેન રાજેશભાઈ શર્મા સાથે પ્રેમલગ્ન કરી ઘરસંસાર વસાવનાર ૨૩ વર્ષીય યુવાન આકાશભાઈનું તેના જ મોટાબાપુએ ખૂન કરી નાંખતા પરિણીત યુવતી નાની ઉંમરમાં જ વિધવા બની હતી. પતિના અણધાર્યા મૃત્યુથી જ્યોતિબેનની માથે વ્રજઘાત પડયો હતો.
હથોડીના ઘા મારી ખોપરી ફાંડી નાંખી
હાથમાં હથોડી લઈને આવેલા રાજુ પરમારે તેના સગા ભત્રીજા આકાશભાઈને ઘરની બહાર બોલાવી ઝપાઝપી કરી તેના હાથમાં રહેલી હથોડીના ઘા માથાના ભાગે ઝીંકી ખોપરી ફાંડી નાંખી હતી. આટલું ઓછું હોય તેમ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડેલા આકાશભાઈના બન્ને પગ ઉપર કોદાળીના આડેધડ ઘા મારી નળા ભાંગી નાંખ્યા હતા. શૈતાનને પણ શરમાવે તેવી આ દર્દનાક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
ચોટીલાની માનતા પણ અધૂરી રહી
મૂળ મોટા ચારોડીયાના અને ઘણાં દાયકાથી બોટાદમાં રહેતા પ્રકાશભાઈ પરમારને ચોટીલા પગપાળા જવાની માનતા હોવાથી ગત તા.૨૦-૩ના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પ્રકાશભાઈ, તેમના પત્ની ભારતીબેન અને સગીરવયનો દિકરો વિક્રમભાઈ બોટાદથી ચોટીલા પગપાળા જવા રવાના થયા હતા. ત્રણેય માતા-પિતા, પુત્ર બે દિવસની પદપાત્રા કરી ગઈકાલે ગુરૂવારે રાત્રિના પોણા બારેક વાગ્યાના અરસામાં ચોટીલા નજીક પહોંચવા આવ્યા હતા. ત્યારે આકાશભાઈનું મોટાબાપુએ ખૂન કર્યાની દિકરા ધર્મેન્દ્રભાઈએ ફોનથી જાણ કરતા ચોટીલાની માનતા અધૂરી મુકી ત્રણેય ખાનગી વાહન બંધાવી તાબડતોડ બોટાદની સબીહા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં દિકરાને મૃતહાલતમાં જોતા માતા-પિતાનો આક્રંદ રોકી શકાયો ન હતો.