બોટાદ : તૈયાર ખોરાક સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં બે પેઢીને 15-15 હજારનો દંડ
- જિલ્લા ફુડ વિભાગે લીધેલ નમૂનામાં સિન્થેટીક કલર મળી આવ્યો હતો
- વર્ષ-2022 માં લીધેલા નમૂનાનો કેસ એજ્યુડીકેટીંગ ઓફિસરમાં ચાલી જતા સજા ફટકારાઇ
મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લા ફુડ વિભાગ દ્વારા બોટાદ શહેરમાં આવેલ અરમાન બોમ્બે બિરીયાની તવા ફ્રાય પેઢીમાંથી ગઇ તા.૧૮-૭-૨૨ના રોજ ચિકન દાના તૈયાર ખોરાકનું સેમ્પલ મેળવ્યું હતું. આ ઉપરાંત દાવત બોમ્બે દમ બીરીયાની પેઢીમાંથી ચિકન બીરીયાની તૈયાર ખોરાકનું સેમ્પલ લેવાયું હતું અને લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાયું હતું જેના પરિણામ આવતા આ બન્ને સેમ્પલ ફેઇલ થયા હતાં અને બસ સ્ટાન્ડર્ડ આવયા હતાં. જે મામલે વહિવટી પ્રક્રિયા કર્યાં બાદ કેસ દાખલ થયેલ અને બન્ને ખાદ્ય સામગ્રીમાં સીન્થેટીક કલર મળી આવ્યો હતો. તાજેતરમાં આ કેસ બોટાદ એજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ ચાલી જતા અરમાન બોમ્બે બીરીયાની તવા ફ્રાયના અબ્દુલ કરીમભાઇ લુંબાડીયાને રૂા.૧૫૦૦૦ અને દાવત બોમ્બે દમ બીરીયાનીના કાળુભાઇ મહમદભાઇ શાહને રૂા.૧૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
તાજેતરમાં ફૂડ સેફ્ટી પખવાડિયા દરમિયાન બોટાદમાંથી 880 કિલો તેલ સીઝ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત હાથ ધરાયેલ સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ૮૮૦ કિલો ખાદ્ય તેલ ઢસામાંથી સીઝ કરવામાં આવ્યો હતો અને સેમ્પલ લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલાયા છે જેના પરિણામ આવ્યા બાદ સીઝ કરેલ જથ્થા અંગેનો નિર્ણય લેવામાં આવશે.