બોટાદમાં મહિલા ઉપર ઈક્કો ચડાવી મારી નાંખવા પ્રયાસ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
બોટાદમાં મહિલા ઉપર ઈક્કો ચડાવી મારી નાંખવા પ્રયાસ 1 - image


- પુત્રએ મૈત્રી કરાર કર્યાની અદાવતે વૃદ્ધ પિતાને લાફા ઝીંક્યા, ઓરડી ઉપર પથ્થરમારો

- રાજપરા, ઉમરાળા, વાણિયાવદર, લીંબડોડા ચાર મહિલા સહિત 10 લોકોના ટોળાએ મારામારી કરી જાનથી મારી નાંખવા ધમકી આપી

ભાવનગર : બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી વાડીમાં ભાગિયું રાખી ખેતમજૂરી કામ કરતા એક મહિલા ઉપર ઈક્કો ચડાવી મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના પતિને લાફા ઝીંકી ઓરડીમાં પથ્થરમારો કરી જાનથી મારી નાંખવા ધમકી અપાઈ હતી.

ઘટનાની મળતી વિગત અનુસાર બોટાદ શહેરના ગઢડા રોડ, માધવદર્શન-૧, ન્યુ સૂર્યા ગાર્ડનની પાછળ, સરકારી સ્કૂલ નજીક રહેતા મુળ તરધરા ગામના વતની ગોરધનભાઈ લધુભાઈ બારૈયા (ઉ.વ.૬૦)ના પુત્ર વલ્લભભાઈને એક પરિણીત યુવતી સાથે પ્રેમસબંધ હોય, જેથી ભાગી જઈ મૈત્રી કરાર કરી બન્ને સાથે રહેતા હોવાની દાઝ રાખી ગઈકાલે મંગળવારે બપોરના સમયે રમેશ કાળુભાઈ (રહે, વાણિયાવદર, તા.ચુડા, જિ.સુરેન્દ્રનગર), શારદાબેન રમેશભાઈ પરમાર, મંછાબેન મુકેશભાઈ, વનિતાબેન જયંતીભાઈ પરમાર, જયંતી ભીખાભાઈ પરમાર, મુકેશ નાગજીભાઈ પરમાર, રઘા ભીખાભાઈ પરમાર (રહે, તમામ ઉમરાળા, તા.રાણપુર), ઘનશ્યામ સરવૈયા (રહે, લીંબોડા, તા.બોટાદ), મનસુખ પુંજાભાઈ શેખ અને કૈલાસબેન મનસુખભાઈ શેખ (રહે, બન્ને રાજપરા, તા.બોટાદ) સહિતના ૧૦ જણે પૂર્વઆયોજીત કાવતરું રચી ઈક્કો અને બાઈક લઈ બોટાદની સીમમાં વાલજીભાઈ પ્રજાપતિની તુરખા રોડ પર ખોડિયાર મંદિરની પાસે આવેલી ગોરધનભાઈએ ભાગિયામાં રાખેલી વાડીએ આવી ગોરધનભાઈના પત્ની મંજુબેન વાડીનો જાપો બંધ કરવા જતાં તેમના પેટના પેઢાના ભાગ ઉપર ઈક્કો ચડાવી મારી નાંખવા પ્રયાસ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ટોળાએ ગોરધનભાઈને લાકડાના બડિયાથી માર મારી લાફા ઝીંકી ઓરડી ઉપર પથ્થરમારો કરી પરિવારને જાનથી નાંખવા ધમકી આપી હતી. દરમિયાનમાં પોલીસ દોડી આવતા તમામ લોકો વાહનોમાં બેસી નાસી ગયા હતા. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા મંજુબેનને સારવાર માટે બોટાદ બાદ અર્ધ બેભાન અવસ્થામાં ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે ગોરધનભાઈ બારૈયાએ રમેશ, શારદાબેન, મંછાબેન, વનિતાબેન, ઘનશ્યામ, જયંતી, મુકેશ, રઘા, મનસુખ અને કૈલાસબેન સામે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આઈપીસી ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૪૪૭, ૧૨૦બી અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ મહિલા પીઆઈ વી.એલ. સાકરિયાએ હાથ ધરી છે.

વૃદ્ધના ફોટા પાડી છેડતીની ફરિયાદ કરવા ધમકી

ઈક્કો અને બાઈકોમાં વાડીએ આવેલા ટોળાએ મહિલા ઉપર ઈક્કો ચડાવી દીધા બાદ તેમના વૃદ્ધ પતિ ગોરધનભાઈને માર મારી કૈલાસબેન અને શારદાબેનએ વૃદ્ધના હાથ પકડી મંછાબેનના ખંભા ઉપર રાખી મનસુખે ફોટા પાડી તારા છોકરાને કહે ઓરડીનો દરવાજો ખોલે નહીંતર તારા ઉપર છેડતીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી.

શેઠની દીકરી સાથે પ્રેમસબંધ બંધાયો, લગ્નના દોઢેક માસમાં જ યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ

મુળ તરધારા ગામના ગોરધનભાઈનો પુત્ર વલ્લભભાઈ (ઉ.વ.૨૪) ઉમરાળા ગામના રમેશભાઈ પરમાર સાથે સાતેક વર્ષ સુધી જેસીબીના ડ્રાઈવર અને અન્ય કામ પગારદાર તરીકે કરતા હતા. જેથી શેઠની દીકરીના સંપર્કમાં આવતા બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. બન્નેના પ્રેમસબંધની જાણ પરિવારજનોને થતાં છ માસ પહેલા ગોરધનભાઈ બારૈયા તેમના પુત્રને ઘરે લઈ આવ્યા હતા. જ્યારે યુવતીના સાડા ચારેક માસ લીંબોડા ગામે લગ્ન કરી નાંખવામાં આવ્યા હતા. પરંતુ બન્ને વચ્ચે ગાઢ પ્રેમસબંધ હોવાથી લગ્નના દોઢ માસની અંદર (ત્રણેક માસ પહેલા) પરિણીત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને બન્ને મૈત્રી કરાર કરી બોટાદ સાથે રહેવા માંડયા હતા. જે વાતને લઈ અગાઉ પણ યુવતીના પરિવારજનોએ મારામારી કરી ઘરમાં તોડફોડ અને મારી નાંખવા ધમકી આપતા બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ડરના માર્યા યુવક-યુવતી ઓરડીમાં છૂપાઈ ગયા

ખેતમજૂરી કામ કરતો પરિવાર વાડીએ ગયા બાદ માતા-પુત્ર અને મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી બપોરે બાઈકમાં ઘરે જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે હુમલો કરવા આવેલા યુવતીના સગા-સબંધીઓના વાહનો રસ્તામાં જોઈ જતાં ત્રણેય બાઈક પાછું વાળી વાડીએ પરત આવ્યા હતા અને મંજુબેન વાડીનો જાપો બંધ કરવા જતાં મારી નાંખવાના ઈરાદે તેમના ઉપર ઈક્કો ચડાવી દેવાઈ હતી. જ્યારે વલ્લભભાઈ અને યુવતી ડરના માર્યા ઓરડીમાં અંદરથી દરવાજો બંધ કરી છૂપાઈ ગયા હતા. જેથી હુમલાખોરોએ ઓરડી ઉપર પથ્થરના ઘા કરી દરવાજો ખોલવા પ્રયત્ન પણ કર્યો હતો.


Google NewsGoogle News