બોટાદમાં ધર્મસ્થાનકોવાળી વસાહતમાં છાસવારે ઉભરાતી ગટરલાઈન

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
બોટાદમાં ધર્મસ્થાનકોવાળી વસાહતમાં છાસવારે ઉભરાતી ગટરલાઈન 1 - image


- ચૂંટાયેલા પદાધિકારીઓના આંખ મિંચામણા

- માથુ ફાટી જાય તેવી દુર્ગંધયુકત દુષિત ગટરના પાણીમાં થઈને પસાર થતા રહીશો

બોટાદ : બોટાદ શહેરમાં આવેલા વિવિધ રહેણાંકીય વસાહતોમાં છાસવારે ડ્રેનેજની લાઈન ઓવરફલો થતી હોવાની રોજીંદી ફરીયાદો ઉઠતી હોવા છતાં સબંધિત સત્તાધીશો દ્વારા આ ગંભીર બાબતે પણ આંખ મિંચામણા કરવામાં આવતા હોવાની રહિશોમાં વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે.

બોટાદ શહેરના મોતી વિરજીની શેરી, શિવાલય મંદિર પાસે વારંવાર ગટરલાઈન ઉભરાતી હોય છે. આ બાબતે સ્થાનિક રહિશો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતુ નથી. અત્રેના શિવાલય મંદિરના વિસ્તારમાં મહિલા મંદિર, મહાલક્ષ્મીજીનું મંદિર તેમજ જુનુ સ્વામિનારાયણ મંદિર આવેલ છે. જયાં દરરોજ સવારથી જ આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અવરજવર કરતા હોય છે. દિવસ દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા આ માર્ગમાં આવેલા ધર્મસ્થાનકો આસપાસ માથુ ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધયુકત દુષિત ગટરનું પાણી પ્રસરી રહેલ છે. જેના કારણે ત્યાંથી પસાર થવામાં રાહદારીઓ અને વાહનચાલકોને શિરદર્દ સમાન લાગે છે. ભાવિકોને ફરજીયાતપણે ગંદા પાણીમાંથી પસાર થઈને ધર્મસ્થાનકોમાં જવાનો વખત આવે છે.આ રોડ પરથી અવારનવાર સબંધિત સત્તાધીશો તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ પસાર થતા હોય છે તેમ છતાં તેઓ આંખ આડા કાન કરીને નિકળી જતા હોય રહિશોમાં તેઓની મનમાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. અહિ આગળની ગંદકીનો નીયમીતપણે નિકાલ કરાતો ન હોય આ ધર્મસ્થાનકવાળા વિસ્તારના રહિશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહેલ છે. અહિં રહેણાંકીય વસાહતો તેમજ મોટા ભાગની વેપારીઓની દુકાનો આવેલ છે. જયા આવવામાં ગ્રાહકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.


Google NewsGoogle News