Get The App

ઓખા-ભાવનગર ટ્રેનના એન્જિન સાથે ધડાકાભેર પાટાનો કટકો અથડાયો

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ઓખા-ભાવનગર ટ્રેનના એન્જિન  સાથે ધડાકાભેર પાટાનો કટકો  અથડાયો 1 - image


- બોટાદના રાણપુર તાલુકાના કુંડલી સ્ટેશન નજીક મધ્યરાત્રિએ બન્યો બનાવ : સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં 

- બનાવના પગલે  રેલવેના અધિકારીઓ, આરપીએફની ટીમ, બોટાદ એસ.પી., ડિવાયએસપી, ડોગ સ્કવોડ, એલસીબી-એસઓજી, રાણપુર પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે  દોડી ગયો : ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ 

બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી રેલવે સ્ટેશન નજીક મધ્યરાત્રિએ પસાર થયેલી ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેનનું એન્જિન રેલવે ટ્રેકની વચ્ચે પડેલાં  મીટરગેજ લાઈનના પાટાનો કટકા સાથે અથડાતાં ટ્રેન થંભી ગઈ હતી.  જેના પગલે નિદ્રાંધિન પેસેન્જરો સફાળા જાગી ગયા હતા. સંભવિત અકસ્માતની દુર્ઘટના સર્જાઈ તેના એક કલાક પહેલા જ અહીંથી માલગાડી પસાર થઈ હતી. જેથી કોઈ અજાણ્યા શખસો દ્વારા ટ્રેન ઉથલાવાના કથિત ષડયંત્રને માત્ર એક કલાકની અંદર જ અંજામ આપવામાં આવ્યો હોવાની શંકાના પગલે રેલવેના અધિકારીઓ, આરપીએફની ટીમ, બોટાદ એસ.પી., ડિવાયએસપી, ડોગ સ્કવોડ, એલસીબી-એસઓજી, રાણપુર પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

ચકચાર મચાવનારી ઘટનાની મળતી વિગત મુજબ ઓખાથી ગત મંગળવારે ટ્રેન નં.૧૯૨૧૦ ભાવનગર આવવા નીકળી હતી. દરમિયાનમાં શરૂ રાત્રિના ૨.૫૮ કલાકે ઓખા ટ્રેન રાણપુર તાલુકાના કુંડલી સ્ટેશનથી બોટાદ રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી. ત્યારે કિ.મી.૬૯/૪થી કિ.મી.૬૯/૫ની વચ્ચે પહોંચતા ટ્રેનના લોકો (એન્જિન) સાથે ધડાકાભેર કંઈક અથડાતા ભરનિંદ્રામાં રહેલા મુસાફરો ડરના માર્યા જાગી ગયા હતા. તો બીજી તરફ ટ્રેન થોડી આગળ ધપ્યા બાદ એન્જિન બંધ પડી જતાં ઉભી રહી ગઈ હતી. જેથી લોકો પાયલોટે નીચે ઉતરી તપાસ કરતા મીટરગેજ લાઈનના પાટાનો કટકો એન્જિન સાથે અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મુસાફરોને હાનિ પહોંચાડવા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસની આશંકા સાથે લોકો પાયલોટે સમગ્ર બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જેના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), ભાવનગર રેલવેના અધિકારીઓ, બોટાદ જિલ્લા પોલીસ વડા,  ડિવાયએસપી, રાણપુર પોલીસ, ડોગ સ્કવોડ, લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ સહિતના પોલીસ કાફલોએ બનાવ સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ આદર્યો હતો. રેલવે ટ્રેક પાસેથી પોલીસને મીટર ગેજની જૂની રેલવે લાઈનનો આશરે ચારેક ફૂટ લાંબો લોખંડના પાટાનો કટકો મળ્યો હતો. જેની સાથે ટ્રેનનું એન્જિન અથડાતા દબાણ ઓછું થઈ જવાથી એન્જિન બંધ પડયું હોવાનું પોલીસ અને રેલવે તંત્રની સયુંકત પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. વધુમાં આ અક્સ્માતના એક કલાક પૂર્વે જ મધરાત્રે આ રેલવે ટ્રેક પરથી માલગાડી પણ પસાર થઈ હતી. જેના સંભવિત એકાદ કલાક બાદ આ અક્સ્માત સર્જાતાં કોઈ અજાણ્યા શખસો દ્વારા એક કલાકની અંદર જ સ્લીપર અને બેલાસ્ટરની વચ્ચે ખાડો કરી લોખંડના પાટાનો કટકો ત્રાંસો ખોડી ટ્રેનનો અક્સ્માત સર્જવાનું ષડયંત્ર રચ્યું હોવાની શંકા સાથે પોલીસ અને રેલવે વિભાગે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. જો કે, આ અક્સ્માતની ઘટના માવસર્જિત ષડયંત્ર છે કે નહીં? તેની હાલ રેલવે તંત્રએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. 

બીજી તરફ, સમગ્ર ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોમાં ભય ફેલાયો હતો અને જાણે મોતને હાથતાળી આપી પાછા ફર્યા હોય તેવો અહેસાસ કર્યો હતો. આ બનાવમાં સદ્નસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના કીમ પાસે ખૂદ રેલવેના જ કર્મચારીઓ દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયાની ઘટના હજુ લોકોના માનસપટ પર અંકિત છે, ત્યાં ગુજરાતમાં આવી બીજી ઘટના સામે આવતા રેલવે તંત્રની સાથે રાજ્ય સરકારની ઊંઘ ઉડી ગઈ છે.  ટ્રેન ઉથલાવી મોટી ખાનાખરાબી સર્જવા માટે શું કોઈ સંગઠન કે ગેંગ તરફથી આખુંય ષડયંત્ર રચવામાં આવ્યું છે કે કેમ ? તે સવાલ તપાસ એજન્સી માટે પણ તપાસ માંગી લેનારો છે. વધુમાં સુરતના કીમની ઘટનામાં રેલવેના જ ત્રણ ટ્રેકમેનની સંડોવણી બહાર આવી હતી. જેથી આ બનાવમાં પણ કોઈ રેલ કર્મચારીની ભુંડી ભૂમિકા છે કે કેમ ? તે તરફ તપાસ ચલાવી છે.


Google NewsGoogle News