સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 1100 રૂમ ધરાવતાં યાત્રિક ભવનનું કાલે લોકાર્પણ
- રાજયમાં સૌથી પહેલાં ધાર્મિક સ્થળે બનેલાં અત્યાધુનિક યાત્રિક ભવનને ગૃહમંત્રી લોકાર્પિત કરશે
- ઈન્ડિયન રોમન સ્ટાઈલથી બનાવાયેલાં 8 માળ ઊંચા ભવનમાં 500 એસી, 300 નોન એસી રૂમ : પાર્કિંગની પણ વ્યવસ્થા
આ અંગે વિગત આપતાં ટ્રસ્ટના હરિપ્રકાશદાસજી સ્વામિ અને કોઠારી વિવેકસાગરદાસજીએ સયુંકત રીતે વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલાં ધાર્મિક સ્થળોમાં સૌથી વધુ રૂમ ધરાવતાં અને સાળંગપુર મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલાં ૮ ફ્લોરવાળા અને ૧૦૮ ફૂટ ઊંચા ગોપાળાનંદ સ્વામિ યાત્રિક ભવન(ગેસ્ટ હાઉસ)ની બિલ્ડીંગને ૩૪૦ કોલમ પર ઊભું કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં નવા ભોજનાલયની પાછળ આવેલી ૨૦ વિધા વિશાળ જમીનમાં ૯ લાખ સ્કે.ફૂટથી વધુના બાંધકામ સાથે બનાવાયેલાં ઇન્ડિયન રોમન સ્ટાઈલ મુજબના ફાયર સેફ્ટીથી સજ્જ ભવનમાં ૫૦૦ એસી, ૩૦૦ નોન એસી, પાંચ સર્વન્ટ હોલ, ૧૪ સ્ટોરરૂમ સહિત યાત્રિકો માટે એક સમયે એક સાથે એક હજાર રૂમ ઉપલબ્ધ બની શકશે. યાત્રાળુંઓ ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે અને પોતાના રૂમમાં સરળતાથી પહોંચી શકે તે માટે દાદર ઉપરાંત, ૧૦ હાઈસ્પીડ લિફ્ટની સુવિધા પણ છે. તો આ મોટી ઉંમરના દર્શનાર્થી યાત્રાળુઓ માટે ભવનમાં જ કેન્ટીન પણ બનાવાઈ છે. તેમણે ઉમેર્યું કે, ૩૦૦ હાઈટેક કેમેરાથી સજજ યાત્રિક ભવનની બહાર વિશાળ પાર્કિંગ પણ બનાવાયું છે. જેમાં ૨૫૦૦થી વધુ કાર, ૧ હજાર ટુવ્હીલર અને ૫૦ બસ પાર્ક થઈ શકશે. તા.૩૧ના રોજ સવારના ૮ કલાકથી યોજાનાર આ લોકાર્પણ વેળાએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત,વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ ટેમ્પલ બોર્ડના વડીલ સંતાઅને આમંત્રિતો હાજર રહેશે.