કૌન બન ગયા કરડ-પતિ, આમ આદમી કો આપત્તિ
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'આટલી મોંઘવારીવધતી જાય છે છતાં માણસો ચૂપ છે, જ્યારે આ શેરીના કૂતરા પણ ભાવ
વધારા સામે અવાજ ઊઠાવવા માંડયા છે. વિરોધ પક્ષોએ એમને ચડાવ્યા હોય તો કહેવાય નહીં.'
'હસે એનું ઘર વસે અને ભસે એનાથી સહુ આઘા ખસે...' પથુકાકાએ હજી તો આ વાક્ય પૂરૃં કર્યું ત્યાં તો એમના એકના એક જીવનસંગિની અને ગમે તેવી તંગીમાં સાથ આપતાં જીવનતંગિની (હો)બાળાકાકી રાડારાડ કરતા આવ્યાં, 'હવે તમે બધા મળી આ શેરીના કૂતરાનું કાંઈક કરોને? રોજ કેટલા લોકોને કરડે છે? કરડકણા કૂતરાનો ત્રાસ દૂર કરોને?'
પથુકાકા ઘૂંઘવાઈને બોલ્યા, 'હું શું કરૃં? શેરીના ડોન જેવા આ ડાઘીયા અને કરડકણા 'શેરી-ડોન'નું શું એમને પકડીને સીધા 'કૌન બનેગા કરડપતિ...'માં મોકલું?'કાકાની વાત સાંભળી ઉશ્કરાયેલાં કાકીએ કાળો કકળાટ કરતા કહ્યું, 'આ કરકડા કૂતરા દરરોજ કેટલાયને કરડે છે છતાં આ તમારા ઓળખીતા શ્વાનપ્રેમીઓ આવી આવીને રાત્રે ખાવાનું આપી જાય છે એને તમે કાંઈ કહેતા કેમ નથી?' કાકા તાડૂક્યા, 'હું એને શું કહું? એને એમ કહું કે કૂતરાને બદલે આ કાકીને ખાવાનું નાખતા જાવ? એ કાંઈ માનવાના છે? મારા ઓળખીતા ડોગેન્દ્ર દવાવાળાની જ વાત કરૃં. એના જુવાન દીકરા-દીકરી ગમે ત્યાં રખડતા હોય એનું ધ્યાન ન રાખે અને રખડતા કૂતરાની સરભરા કરે, બોલ! રખડતા છોકરાવ કરતાં રખડતા કૂતરાંની જેને પરવા હોય એવા લોકો કોઈને આગળ વધવા ઉત્તેજન આપવાને બદલે કરડકણા કૂતરાને ઘસી જવા કૂત્તેજન આપે ત્યારે કોને કહેવા જઈએ?'
કાકાની આ ઉતરાયણ પહેલાંની કૂતરાયણ ચાલુ હતી ત્યારે જ હું જઈ ચડયો અને કરડતા કૂતરાની કરડાકીની વાતમાં ઝંપલાવતા કહ્યું ,' મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને કૂતરા કરડી જાય છે. ફૂટપાથ પર સૂતેલી એક ડોશીને તો છ કૂતરા રીતસર ઢસડી ગયા. આ રખડતા અને કરડતા કૂતરાએ તો પચરંગી મુંબઈને ભસરંગી મુંબઈ અને મેટ્રોપોલિટન મુંબઈને કૂત્રોપોલિટન મુંબઈ બનાવી દીધું છે. સાચી વાત કે નહીં? કમાલની વાત એ છે કે દરેક શેરીમાં કૂતરા જાતિ પરિવર્તન કરી સિંહ બની જાય છે. એટલે જ કહે છે ને કે હર કૂત્તા અપને ગલીમેં શેર હોતા હૈ...'
મારી વાત સાંભળતાની સાથે જ શેરબજારના ખેલાડી પથુકાકા બોલ્યા, 'મારી સલાહ માનો અજાણ્યા શેરમાં રોકાણ ન કરવું અને અજાણી શેરીમાં ડોકાણ (જવું નહીં) ન કરવું. નહીંતર મોકાણ જ થવાની છે. સમજાયું?'
મેં હસીને કહ્યું, 'કેટલાય વળી રતન ટાટાનો દાખલો આપીને કહે છે કે ટાટાએ તો કેટલાં રખડતા કૂતરાંની સંભાળ લીધેલી, કેટલાં કૂતરાં પાળેલા?'
કાકા બોલ્યા, 'એ બધાને કહેવું કે ટાટાએ આ દેશના લાખો પરિવારોને પાળેલા અને પછી શ્વાન પાળેલા. જ્યારે તમે તો બધા નીતિ-નિયમોય પાળતા નથી અને શ્વાન પાળવાની વાત કરો છો?'
અમારૃં આ કૂતરાયણ ચાલતું હતું ત્યારે આ દેશની અગણિત ગૃહિણીઓના મનની વ્યથાને વાચા આપવાનો ઠેકો લીધો હોય એવા સૂરમાં (હો)બાળાકાકી બોલ્યાં, 'આટલી મોંઘવારીવધતી જાય છે છતાં માણસો ચૂપ છે, જ્યારે આ શેરીના કૂતરા પણ ભાવ વધારા સામે અવાજ ઊઠાવવા માંડયા છે, વિરોધ પક્ષોએ એમને ચડાવ્યા હોય તો કહેવાય નહીં.'
મેં નવાઈ પામી પૂછ્યું, 'શેરીના આ ભસણિયા કૂતરાઓને વિપક્ષોએ ચડાવ્યા હોય એવું કેમ કહો છો?'
કાકી હસીને કહે, 'આ આમજનતા અને વિપક્ષો ધોળે દિવસે ભાવવધારાની બૂમરાણ મચાવે છે તો રાત્રે શેરીની આ શ્વાન મંડળી ભાવની ભૂતાવળની સામે અવાજ ઉઠાવવાની જવાબદારી ભાવ.. ભાવ... ભાવ... ભસીને નિભાવે છે.'
કાકા હસીને બોલ્યા, 'હવે તો આપણા ગામમાં એક-સાથે ત્રણ-ચાર કોન્વેટ્ સ્કૂલો આવેલી છે એ વેસ્ટર્ન સ્ટ્રીટના ડોગીઓ તો ભસતા ભસતા ભાવવધારા બદલ સરકારને ઈંગ્લિશમાં સવાલ કરે છેઃ હાઉ... હાઉ... હાઉ... આટલો ભાવવધારો કેમ (હાઉ) થયો?'
પથુકાકાની વાત સાંભળી કાકી બોલ્યાં,ે 'આપણે ત્યાં પણ પિઝા... બર્ગર... હોટ ડોગ જેવી વેસ્ટર્ન વાનગી ખાઈ ખાઈને ઘણા આછકલા લોકો વેસ્ટર્ન ભાષા બોલવાને રવાડે ચડી જાય છે એવું જ આ ડોગીઓનું છે, હો!'
મેં પૂછ્યું, 'કાકી, જરા કહો તો ખરાં કે વિદેશી ખાણું ખાઈ ડોગીઓ કેમ વિદેશી ભાષામાં ભાષણ નહીં, પણ ભસણ શરૂ કરે છે?'
કાકી બોલ્યાં, 'તમે લોકોએ છાપામાં સમાચાર નથી વાંચ્યા? સુધરાઈએ મોટી મોટી ફાઈવસ્ટાર અને સેવન-સ્ટાર હોટેલોને અપીલ કરી છે કે તેમણે દરરોજ કિચનોમાં વધ્યો ઘટયો ખોરાક હોય એ ખોખાંમાં ભરીને રાખવો. સુધરાઈની ગાડીઓ આવીને એ ખોખાં લઈ જશે અને શેરીના ભૂખ્યા કૂતરાઓને ખવડાવવામાં આવશે. તમે જ કહો, મોટી મોટી હોટેલોની એઠીજૂઠી વાનગીઓ ખાઈને માત્ર કોન્વેન્ટ સ્કૂલની સ્ટ્રીટના ડોગીઓ જ નહીં, બીજી શેરીના 'શેરી-ડોન' અંગ્રેજીમાં હાઉ... હાઉ... કરી ભસતા શીખી ગયા છે. શહેરમાં 'નો પાર્કિંગ'ની જેમ ડોગીઓને ભસતા રોકવા ઈંગ્લિશમાં 'નો-બાર્કિંગ' લખેલાં બોર્ડ થોડા જ લગાડી શકાય?'
કાકીની વાત સાંભળતાની સાથે જ કાકાએ કહ્યું, 'આને કહેવાય અન્ન એવો ઓડકાર અને ખાણું એવું ગાણું. અંગ્રેજી ખાણું ખાઈ ડોગીઓ અંગ્રેજીમાં 'ભસણબાજી' કરે છે એમ આપણે ત્યાં અંગ્રેજીનો એઠવાડ ચાટી 'ભાસણબાજી' કરવાવાળા ક્યાં ઓછા છે?'
અંત-વાણી
ફાઈવસ્ટારોમાં માલેતુજારો
આરોગવા કરતાં
એઠવાડ વધુ કરશે.
એ એઠવાડ જ્યારે
ઉકરડામાં ઠલવાશે
ત્યારે માણસના વફાદાર દોસ્તો
બુફેના ખાણાં માટે કુંડાળે વળશે.
હોટેલોમાં યોજાય એ કોકટેલ
અને બહાર ઉકરડે
ડોગટેલ યોજાશે.