આ પ્રેમકહાણી છે દરદી અને નર્સની
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'મારા ઓળખીતા નર્સિંગ વિભાગના વડા મહેતાસાહેબ (નર્સિંગ મહેતા) નર્સોને પણ રોજનું એક સફરજન ખાવાની સલાહ આપે છે. શું કામ ખબર છે? રોજનું એક સફરજન ડોકટરને દૂર રાખે છે એટલે કોઈ દિલફેંક ડોકટર નજીક આવે જ નહીં, બોલો!'
માદા અને માંદા શબ્દમાં 'મા' ઉપર અનુસ્વારનો જ ફરક છે. એવી જ રીતે બીમારી શબ્દની આગળ વધુ એક 'બી' જોડી દો તો શું વંચાય? બીબી-મારી. ટૂંકમાં, માદા છે એ માંદા પણ પાડે અને નર્સના રૂપમાં સારવાર કરી સાજા પણ કરે. પણ સારવારમાં જો વાર કરે તો પછી એમાં કોઈ સાર નહીં. પથુકાકા જેવાં પીડિત પતિદેવોને પૂછો તો દાઢમાંથી કહેશે કે બીબી-મારી મોટી બીમારી. આવી લાઈફ-લાઈન કે વાઈફ-લાઈનવાળા વરને પોતાની વહુના વર્તાવથી તાવ ચડે એને જ કહેવા. વર-તાવ.
પથુકાકાને અઠવાડિયામાં એક વાર માલીશ કરવા આવતો મકન માલીશવાળો ખરો ચાપ્ટર. તેલની શીશીઓ લઈને ગાતો ગાતો આવેઃ સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે, આજા પ્યારે પાસ હમારે કાહે ગભરાય કાહે ગભરાય... માલીશ... કાકાના શરીરે માલીશ કરતો જાય અને બોલતો જાયઃ
પૈસા પાછળ દોડી
પગે પીડા કરે પાપી
માંદા પડશો તો કામ નહીં આવે
પછી શું કરશો નોટ છાપી
આ મકનો તમને ફરી દોડતા કરશે
કાકા, તમારા ચરણ ચાંપી...
આવાં જોડકણાં સાંભળી કાકા મકનાને રાજી થઈ ટીપ આપે અને સામું જોડકણું સંભાળવતા પહેલાં કહે, 'મુંબઈની ચોપાટી પર એક રાત્રે માલીશ કરાવવા ગયો. ચંપીવાળાએ ઊંધો સૂવડાવી એવું જોરદાર માલીશ કર્યું કે જોતજોતામાં ઘેન ચડતા સૂઈ ગયો. થોડી વાર પછી જાગીને જોયું તો ચાલાક ચંપીવાળો બેઠકના ભાગમાં ટપાકા બોલાવતો બોલાવતો પાછલા ખિસ્સામાંથી પાકીટ તફડાવી છૂમંતર થઈ ગયો હતો. ત્યારે મેં જોડકણું બનાવેલુંઃ
ચંપી સે તનબદન કો
આતા હૈ કરાર
પર સોતે રહે તો
પૈસે લેકર ચંપીવાલા હોતા હે ફરાર..'
આ મકન માલીશવાલો માગીને પૈસા પડાવવામાં એક્કો. એક વાર કાકાના શરીરે માલીશ કર્યા પછી કહે કે આજે બસો રૂપિયા આપજોને વાઈફ હોસ્પિટલમાં છે. કાકાએ તરત જ બસોની નોટ કાઢીને આપી દીધી. અઠવાડિયા પછી આવ્યો અને ફરી માગણી કરી કે ત્રણસો રૂપિયા આપજોને, વાઈફ હોસ્પિટલમાં છે. કાકાએ બીજી વાર પણ વગર પૂછે પૈસા આપી દીધા. ત્રીજે અઠવાડિયે આવ્યો ત્યારે ફરીથી બસો રૂપિયા માગ્યા. કાકાએ કમને પૈસા તો આપ્યા પણ પછી વિચાર આવ્યો કે આટલા દિવસથી મકનની વાઈફ હોસ્પિટલમાં છે તો ખબર કાઢવા જવું જોઈએ. એટલે થેલો લઈને સાંજે મકનના ઘરે પહોંચી ગયા. જોયું તો મકનની વાઈફ વરસતા વરસાદની ભીની ભીની મોસમમાં ગરમાગરમ ભજિયા તળીને મકનાને ખવડાવતી હતી. આ જોઈ કાકાએ પિત્તો ગુમાવ્યો અને તાડૂક્યા, ' વહું હોસ્પિટલમાં છે એમ કહીને દર અઠવાડિયે પૈસા પડાવીને જાય છે શરમાતો નથી? તારી વાઈફ ક્યાં હોસ્પિટલમાં છે?'
આ સાંભળી મકનાની વાઈફ હસીને બોલી, 'કાકા, મારો ધણી સાચું જ બોલે છે, હું હોસ્પિટલમાં જ છું, પણ માંદી નથી, માંદાને સાજા કરતી નર્સ છું. સમજાયું?' આ સાંભળી કાકાને પણ હસવું આવી ગયું અને મકનની ભેગા ગરમાગરમ ભજિયા ઝાપટીને પાછા આવ્યા અને મનોમન જોડકણું ગોઠવીને બોલ્યા કે-
'કળિયુગમાં કજિયાનું
મોઢું કાળું
નસીબવંતાને મળે મકન
જેવું ઘરવાળું
જે હોય ધણીને
ગરમ ભજિયા ખવરાવવાવાળું...'
નર્સની વાત નીકળે ત્યારે પથુકાકા અચૂક ગીત ઘોઘરા અવાજે ગણગણેઃ અજીબ દાસ્તાં હૈ યે... કહાં શુરૂ કહાં ખતમ... પછી કહે કે, 'ફિલ્મ 'દિલ અપના પ્રિત પરાઈ'માં મીનાકુમારીએ નર્સની અને રાજકુમારે ડોકટરની લાજવાબ ભૂમિકા ભજવી હતી યાદ છે? 'ખામોશી' ફિલ્મમાં દરદીના પ્રેમમાં પડતી નર્સની ભૂમિકામાં વહીદા રહેમાને કેવી કમાલ કરેલી! પડદા પર જોવા મળતી ડોકટર-નર્સની અને નર્સ-દરદીની પ્રેમલીલા વાસ્તવિક જીવનમાં પણ જોવા મળતી હશે?'
મેં કહ્યુ ં,'કાકા, પડદા ઉપર જે જોવા મળે એ પડદા પાછળ પણ બનતું જ હોય છે. એક્સિડન્ટમાં ઘાયલ થયેલાં બે દોસ્તોને રૂરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં એમની સારવાર કરતી એક નર્સને બન્ને દિલ દઈ બેઠાં પછી તો બન્નેએ પર્સની ચેઈન ખુલ્લી મૂકી દીધી અને નર્સને ભેટ આપવા પાછળ ખર્ચો કરવા માંડયા. ચાલાક નર્સ જુદા જુદા વોર્ડમાં સારવાર લેતા દોસ્તોને નચાવતી રહી અને નીચોવતી રહી. પછી શું થયું, ખબર છે? એક રાત્રે ત્રીજા દરદી સાથે રફુચક્કર થઈ ગઈ. બન્ને હાથ ઘસતા રહી ગયેલા દરદી બેડમાં પડયા પડયા ગાતા રહ્યાઃ બે-દરદી બાલમા તુઝકો મેરા મન (કે ધન?) યાદ કરતા હૈ...
આ સાચો કિસ્સો સાંભળીને કાકા બોલ્યા, 'મારા ઓળખીતા નર્સિંગ વિભાગના વડા મહેતાસાહેબ (નર્સિંગ મહેતા) નર્સોને પણ રોજનું એક સફરજન ખાવાની સલાહ આપે છે. શું કામ ખબર છે? રોજનું એક સફરજન ડોકટરને તમારાથી દૂર રાખે છે (એન એપલ અ ડે કીપ્સ ડોકટર્સ અવે) એટલે કોઈ દિલફેંક ડોકટર નજીક આવે જ નહીં, બોલો!'
મેં કહ્યું, 'આપણી સોસાયટીમાં રહેતા વજુ વાંઢાને કોઈ કન્યા નહોતું આપતું, પણ લપસી પડતાં પગે ફ્રેકચર થયું અને હોસ્પિટલમાં રહ્યો ત્યારે નર્સના પ્રેમમાં પડયો અને પાછો પરણી પણ બેઠો. પડવામાં પણ હેટ્રિક કરી હો! પહેલાં લપસી પડયો, પછી પ્રેમમાં પડયો, છેવટે બાકી હતું તે સંસારમાં પડયો બોલો!'
આ સાંભળી પથુકાકાએ પૂછ્યું, 'વજુ અને નર્સનો સંસાર કેમ ચાલે છે?' મેં કહ્યું, 'વજુ બિચારો વીલા મોઢે કહેતો હતો કે હોસ્પિટલમાં હતો ત્યારે તારી ભાભી 'કેર' લેતી અને હવે કેર વર્તાવે છે. હોસ્પિટલમાં હતો ત્યારે મારૃં ડ્રેસિંગ કરતી, હવે મોંઘા મોંઘા ડ્રેસ ખરીદી પોતાના 'ડ્રેસિંગ'માંથી જ ઊંચી નથી આવતી. હોસ્પિટલમાં સલાઈન ચડાવતી અને ઘરમાં મોઢું ચડાવે છે. હોસ્પિટલમાં મને ટેકો આપીને ચલાવતી અને હવે મને (પૈસા કમાવા) દોડાવ્યા જ કરે છે દોડાવ્યા જ કરે છે એટલે કહેવું પડે છે કેઃ
હોસ્પિટલમાં લાગણી થતી હર્ષની
ઘરે માગણી થાય પર્સની
આ પ્રેમકહાણી છે
દરદી અને નર્સની.'
અંત-વાણી
સાજા અને માંદાને
પિંજણ પારાવાર
હોસ્પિટલમાં નર્સ કરે સારવાર
અને ઘરે વહુ કરે 'વાર'
આવા સંસારમાં નહીં સાર.