ભૂલો સોંઘવારીના સાથને, 'ભાવથી' ભજો ભોલેનાથને

Updated: Aug 30th, 2022


Google NewsGoogle News
ભૂલો સોંઘવારીના સાથને, 'ભાવથી' ભજો ભોલેનાથને 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જય જય શિવશંકર કાંટા  લગે ના કંકર કે પ્યાલા તેરે નામ કા પીયા... ઓટલે  બેસી સવારના પહોરમાં  કડવું  કરિયાતું પીતાં પીતાં  પથુકાકા  મસ્ત બનીને લલકારતા  હતા.

મેં દૂરથી આ સીન જોઈ  નજીક જઈને  પૂછ્યું, 'શ્રાવણિયો સોમવાર છે  એટલે ઓટલે  બેસી કડવું કરિયાતું  પીતા પીતા  ગાવ છો?'

પથુકાકા જાણે ભાંગ  પીતા હોય  એમ મસ્ત બની ડોલતા ડોલતા  બોલ્યા,'શંકર ભગવાને ઝેર ગટગટાવ્યું હતું અને હું કડવું  કરિયાતું  ગટગટાવું  છું. શ્રાવણમાં  ભોલેનાથની  ભક્તિ તો  કરવી જોઈએ કે નહીં?'

મેં કહ્યું , 'ભગવાન શંકરે ઝેર ગટગટાવ્યું   હતું  અને તમે  કેમ કડવું કરિયાતું  પીવો  છો?' પથુકાકાએ  જવાબ આપ્યો, 'ભોળાનાથે એક શ્વાસે  ઝેર ગટગટાવ્યું હતું અને  મારી જેવાં  સંસારમાં  પડી  કટકે... કટકે અને ધીમે...  ધીમે ઝેર  પીવું પડે છે એ દેખાડવા  માટે પ્રતિકરૂપે  કડવું કરિયાતું  પીઉં છું. ઓમ  નમો સિવાય... ઓમ નમો સિવાય...'

મેં કાકાને ટપાર્યા કે  નમો સિવાય નહીં, પણ ઓમ નમ: સિવાય બોલાય,  જરા  સમજો તો  ખરા?

પથુકાકા ભગવા રંગની  શાલ સરખી  કરતા બોલ્યા,'હું  સાચું જ  બોલું છું. દેવાધિદેવ મહાદેવ  વિના ઉદ્ધાર  નથી અને બીજું  આપણા ન.મો. સિવાય આરો નથી.  એટલે  બેઉને  યાદ કરીને  એકવાર  ઓમ નમ: સિવાય અને બીજી  વાર ઓમ ન.મો. સિવાય... એવો જાપ કરૂં છું.'

મેં ભોળેનાથના ભક્ત  કાકાને પૂછયું, 'શ્રાવણ મહિનામાં  ઉપવાસ એકટાણાં  કરો છો  કે નહીં?' માથું હલાવી હા પાડતા  કાકા હસીને  બોલ્યા, 'હું અને તારી (હો)બાળાકાકી બન્ને  એકટાણું  કરીએ છીએ.  જો કે એકટાણું  કરવાની અમારા બન્નેની રીત જુદી છે.'

મેં પૂછ્યું, 'એકટાણું કરવાની રીત કેવી રીતે જુદી હોય?' પથુકાકા બોલ્યા, 'શ્રાવણમાં હું તારી કાકીને ફરાળમાં જાત જાતની વાનગી રાંધવાનું કહું  એટલે એ મોઢું કટાણું કરે. આમ થાય મારું એકટાણું અને કાકી કરે  એ-કટાણું , બરાબર સમજી ગયાને?'

મેં હસીને કહ્યું, 'વાહ કાકા, તમે તો એકટાણું અને એ-કટાણુંની ભારે શબ્દ રમત કરી હો? બાકી કહો તો  ખરા કે ફરાળમાં  શું શું  ખાવ  છો?' પથુકાકા  જવાબ આપે એ પહેલાં ઘૂંઘવાતા ં કાકીએ  જવાબ  આપ્યો, 'આ સામો  થાય છે...' મેં કહ્યું,  'કોને કાકાને  કહો છો, એ સામો થાય છે?' સવાલ સાંભળી કાકીને  હસવું આવી ગયું અને કહ્યું, 'સામો થાય  છે એટલે  ફરાળમાં સામો  થાય,  સાબુદાણાની ખીચડી રંધાય, રાજગરાની પુરી અને બટેટાનું  ફરાળી શાક જેવું  જાતજાતનું  ફરાળ રાંધુ છું છતાં  આ તારા  નગુણા કાકાને ક્યાં  મારી કિંમત  છે?'

પથુકાકા બચાવના  સૂરમાં  બોલ્યા, 'કોણે કહ્યું મને તારી કિંમત નથી?  અત્યારે   તો હું ફરાળની  સામગ્રીની  કિંમતની  ચિંતામાં   પડયો છું,  એમાં  પછી તારી  ચિંતાનો  ટાઈમ ક્યાંથી મળે?'

મેં કહ્યું,  'કાકા, બધી  ફરાળી સામગ્રી મોંઘી થઈ ગઈ છે?' કાકાએ  જવાબ  આપ્યો 'સામો મોંઘો, રાજગરાનો લોટ મોંઘો, શિંગોડાનો  લોટ મોંઘો, સાબુદાણા મોંઘા,  બટેટાની  વેફર  મોંઘી, કેળાની  વેફર મોંઘી... આમ  શ્રાવણ મહિનામાં બધી ફરાળી ચીજો મોંઘી  એટલે શ્રાવણમાં  મહાદેવની ભક્તિ મોંઘી થઈ ગઈ છે.  ન.મો. સિવાય કોને કાને  વાત નાખીએ?  

મેં કહ્યું,'પથુકાકા, પવિત્ર  શ્રાવણ માસમાં  બધી ચીજના  અને ખાસ કરીને ફરાળી  સામગ્રીના  ભાવ વધે  એ તો  બહુ કહેવાયને?'

ફરીકાકા ઓમ ન.મો. સિવાય... ઓમ ન.મો. સિવાયનો જાપ  કરતા બોલ્યા, 'ફરાળી  ચીજોના અને  ખાવાપીવાની  બીજી બધી  સામગ્રીના  ભાવવધારા  પાછળ પણ મને  તો સરકારનો  જ હાથ લાગે છે. આ  બધી સમાગ્રીનો ભાવ વધારો થાય એટલે  જ  લોકો  ભોળાનાથને ભાવથી  ભજેને?  એટલે જ  ઓટલે બેસી હુંગાઉં છું -

ભાવ-ભક્તિનો નહીં

કોઈ તોલ,

ભાવે ભજું ભોળાનાથને

રે લોલ.'

મેં કહ્યું,'કાકા, ફરાળી સામગ્રી  મોંઘી થઈ છે તો  પછી ફળ ખાઈને તમે ફળાહાર  કેમ નથી  કરતા?  ફળાહારથી  સ્વાસ્થ્ય પણ સુધરે  અને ઉપવાસ-એકટાણામાં જરા ટેકો  પણ રહેને?'

પથુકાકા બોલ્યા, 'હે ભોળાનાથ... તું  ફ્રૂટ-માર્કેટમાં  ગયો જ નથી  લાગતો.  સફરજન, કેળા, મોસંબી બધાં ફળ કેટલા મોંઘા  થઈ ગયા છે, ખબર છે? એટલે   હું તો  શ્રીકૃષ્ણ ભગવાને  ગીતાજીમાંઆપેલો  ઉપદેશ યાદ કરી એકટાણાં કરું છું કે  કર્મ કર્યે જાવ,  ફળની આશા ન રાખો. તું જ કહે, આ મોંઘાં ફળ નવી ફરિયાદ કોને કરીએ?  કાયમ સફરમાં  રહેતા હોય એવાં મોટાં  'સફર-જન'  કે 'સફળ-જન'ને  આપણા જેવાની  ફરિયાદ કાને ધરવાની  ક્યાં  ફૂરસદ છે? ન.મો.સિવાય.... ન.મો.સિવાય...'

મેં કહ્યું, 'કાકા, શ્રાવણ મહિનો બેસતાંની સાથે જ આપણે  ઉપવાસ-એકટાણાં કરવા માંડીએને? એમ એક શહેરમા ંવાઘ, દીપડા, રીંછ સહિતના  જંગલી જનાવરોને પરાણે  એકટાણાં કરવાની નોબત  આવી હતી, એ સમાચાર વાંચ્યા કે નહીં?'

કાકા કહે, 'શું વાત કરે છે?  માણસની વાદે પ્રાણીઓ કેવી  રીતે ઉપવાસ-એકટાણાં  કરવાને રવાડે ચડયા?'

મેં કહ્યું ,'એમાં એવું  થયું કે  પ્રાણીબાગમાં પ્રાણીઓને આહારનો  પુરવઠો  કરવાનું કામ  જે કોન્ટ્રેકટરને  સોંપાયું  હતું એને ત્રણેક  મહિનાથી  ઝૂવાળા  પૈસા નહોતા  ચૂકવતા.  કોન્ટ્રેકટર બિલ આપી  આપીને થાક્યો પણ 'હમ બિલ દે ચૂકે સનમ' જેમ  બિલ રાખ્યા, પણ પૈસા  ન ચૂકવ્યા.  એટલે કોન્ટ્રાક્ટરે  ખાવાનું  પહોંચાડવાનું  બંધ કર્યું. એટલે બિચ્ચારા પ્રાણીઓને નાછૂટકે શ્રાવણ માસમાં જ ઉપવાસ  કરવાની નોબત આવી. ઉહાપોહ  થયો  ત્યાર પછી  કહેવાય છે કે  બિલ ચૂકવાયા અને ફરી  કોન્ટ્રેકટરે  પુરવઠો  આપવાનું  શરૂ કરતા પ્રાણીઓએ પારણાં કર્યા,  બોલો.'

કાકા બોલ્યા, 'પ્રાણી છૂટાં ફરતાં હોય તો માણસને  ફાડી ખાય, પણ પિંજરામાં  હોય ત્યારે  માણસ બિલ ફાડી ખાય ત્યારે કેવી દશા થાય?' 

શ્રાવણિયા સોમવારે  પથુકાકાને  રિક્ષામાં બેસાડી હું મંદિરે  લઈજવા  નીકળ્યો.  મંદિરે  પહોંચી  રિક્ષામાંથી  ઉતર્યા ત્યારે   રિક્ષાવાળાએ  વધુ ભાડું  માગ્યું. કાકા તાડુક્યા, 'પવિત્ર  શ્રાવણ  માસમાં પણ  વધુ પૈસા  પડાવતા  શરમાતો નથી?' રિક્ષાવાળો કહે ,'કાકા, અમે શું કરીએ , સીએનજીનો દર કેવો  વધી  ગયો છે?' રિક્ષાવાળાની દલીલ  વ્યાજબી લાગતા કાકાએ ભાડું  ચૂકવ્યું. પછી મંદિર  તરફ  આગળ વધતાં બોલ્યા, 'સીએનજી એટલે દબાણપૂર્વક  ભરવામાં આવેલો કુદરતી વાયુ (કોમ્પ્રેસ્ડ  નેચરલ ગેસ), બરાબરને? શ્રાવણ માસમાં  કુદરતી વાયુનું  'ઉત્પાદન' વધી   જાય છે  છતાં કેમ  સરકાર  રેટ નહીં ઘટાડતી  હોય?'

મેં કહ્યું કાકા શ્રાવણ માસમાં  કુદરતી વાયુનું ઉત્પાદન  વધી જાય છે એમ વળી તમને કોણે  કહ્યું?'

પથુકાકા બોલ્યા, 'ગયા અઠવાડિયાનો જ દાખલો  આપું.  તારી કાકી  આમ ઉપવાસ-એકટાણાં કરે અને દિવસમાં છ ટાણાં ફરાળ ઝાપટે એમાં એનું એવું  પેટ ચડયું કે  આંખના ડોળા ચકળવકળ થવા માંડયા, પરસેવો વળવા માંડયો. એટલે હું  એને તરત જ અમરેલીવાળા જૂના વૈદરાજ  પાસે લઈ ગયો.'

મેં પૂછ્યું, 'વૈદરાજે શું ઈલાજ કર્યો?'     કાકાએ  આગળ ચલાવ્યું, 'આપણે નવું માટલું  ખરીદીએ  ત્યારે ટકોરા મારીને તપાસીયેને?   એવી રીતે વૈદરાજે કાકીના  પેટ ઉપર  ટકોરા મારીને  તપાસી કહ્યું  કે કાકીના પેટમાં  વાયુભરાયો  છે, બીજું  કાંઈ નથી.  બે હાથે ફરાળ ઝાપટવાનું  ઓછું કરો,  નહીંતર  પેટમાં વારંવાર  કુદરતી વાયુ  ભરાશેને  તો પછી ગાવાનો  વારો આવશે : સાવન કા  મહિના પવન કરે શોર...'

આ સાંભળી મેં કહ્યું, 'કાકા, શ્રાવણ મહિનામાં   કુદરતી  વાયુનું   ઉત્પાદન  કેમ વધે છે એનોે જવાબ  મળી ગયો  અને શ્રાવણ  મહિનો શરૂ થતાની સાથે સાથે જ 'વાયુ-મંડળ'માં  ભક્તિ-ભાવનો (અને ભક્તિ-ભાવતો)  પવન ફૂંકાવા  માંડે છે એની  સાથે તમે  જોડી દીધેલા:  સાવન કા મહિના પવન કરે શોર.... ગીતનો  પણ નવો   અર્થ  સમજાયો, જય ભોલેનાથ...'

પથુકાકાએ  વળી ઉમેરો  કર્યો, 'હું ફરી કહું છું કે -

કુદરતી વાયુ વધે

ત્યારે ચડે પેટ,

ખરો દુ:ખાવો  ખમવો  પડે

જ્યારે કુદરતી વાયુના વધે રેટ.'

અંત-વાણી

કોઈ ન રોકી શકે:

વધતા રેટને,

વધતા 'વેટ'ને,

વધતા પેટને.


Google NewsGoogle News