Get The App

પહેલાં દિવાળી પછી ઉજવણી ગા-દીવાળી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
પહેલાં દિવાળી પછી ઉજવણી ગા-દીવાળી 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કોઈ પણ હોય તહેવાર પણ જનતા મોંઘવારીનો સહે-વાર. એક પછી એક તહેવારો આવતા જાય મારમમાર  અને માણસ ખમે મોંઘવારીનો માર. ભલે પરાણે ઉજવણીમાં હોય દેખાડા ખાતર ભાવ ભારોભાર, પણ બેવડ વાળી નાખે ભલભલાને ભાવનો ભાર. 

પથુકાકાના ઘરે દિવાળીના દિવસોમાં ગયો ત્યારે રસોડામાંથી સરસ મઘમઘતી સોડમ આવતી હતી. મેં પૂછ્યું 'કાકી, શું બનાવો છો?' પથુકાકાએ અધવચ્ચેથી જવાબ આપ્યો, 'કાકી, બીજું શું બનાવવાના? આ તારા કાકાને બનાવે છે...'

મેં હસીને પૂછયું ,'તહેવારમાં કાકા માટે નાસ્તો બનાવો છો કે શું?' વળી કાકાએ સવાલ અધવચ્ચેથી કેચ કરી જવાબ આપ્યો, 'કાકી બનાવે જે નાસ્તો એને જોઈને જ હું દૂર નાસતો...'

કાકાની ટીખળથી ટેવાઈ ગયેલા (હો)બાળાકાકી બોલ્યાં, 'આવી મોંઘવારીમાં બહારનો નાસ્તો ખરીદવાને બદલે હું ઘરનો નાસ્તો બનાવું તોય તારા કાકા કહે છે કે નાસ્તો જોઈ હું નાસતો... શું દિવસો આવ્યા છે! દિ'વાળી દે એવી જીવનસાથી મળી તોય દિ-વાળીમાં ક્યાં કદર છે?'

પથુકાકા બોલ્યા, 'તારી કાકીને કહું છું કે આ ઉંમરે શું કામ આ બધી પળોજણ કરે છે? દિવાળીના દિવસોમાં ઠેકઠેકાણેથી મીઠાઈ અને સૂકા મેવાના બોક્સ ભેટરૂપે આવે છે એ અમે બે માણસ દેવ-દિવાળી સુધી ઊભે ગળે ઝાપટીએ ને તોય ખૂટતાં નથી, તને ખબર છે?'

પથુકાકાએ હજી તો વાત પૂરી કરી ત્યાં કુરિયરવાળો આવ્યો અને દિવાળીની ભેટનું બોક્સ આપ્યું અને સહી કરાવી ચાલતો થયો. કાકા બોલ્યા, 'મેં હમણાં જ કહ્યું ને? દિવાળીના દિવસોમાં મીઠાઈ, ચોકલેટ અને સૂકા મેવાના બોક્સની ભેટ આવવા જ માંડે છે.' મેં કહ્યું, 'જરા બોક્સ ખોલો તો ખરા ખબર પડે કે અંદર શું છે?'

પથુકાકાઅક્બોક્સની ઉપરનું સુંદર રેપર ફાડી નાખ્યું અને જેવું બોક્સ ખોલ્યું કે રીતસર રાડ પાડી ઉઠયા, 'આ શું?' મેં અને કાકીએ બોક્સમાં જોયું તો સરસ રીતે પેક કરેલી અડધો કિલો ડુંગળી, પા કિલો આદુ, પા કિલો મરચાં અને પા કિલો લસણ ગોઠવેલું હતું. ઉપર રંગીન પ્લાસ્ટિકનું રેપર લગાડેલું હતું.

આ જોઈ (હો)બાળાકાકી તાડુક્યાં, 'આવી તે ભેટ મોકલાય? મને એમ કે મીઠાઈ, ચોકલેટ કે પછી કાજુ-બદામ હશે, આ તો લસણ, ડુંગળી, આદુ અને મરચાં નીકળ્યા.'

ખડખડાટ હસીને પથુકાકા બોલ્યા, 'કાંદા અને લસણના ભાવ આ સરકારના રાજમા મીઠાઈ અને સૂકા મેવાની બરોબરી કરવા માંડયા છે એટલે હવે લોકો દિવાળીની ભેટરૂપે કાંદા-લસણ જ મોકલવા માંડયા છે. 

મેં કહ્યું, 'કાકા, સાવ સાચી વાત હો? દિવાળીમાં ફટાકડાના ધૂમધડાકાથી ડરીને ભસાભસ કરતા કૂતરા  પણ દિલ્હી તરફ મોંઢું કરીને અંગ્રેજીમાં સવાલ કરતા હાઉ... હાઉ... ભાવ ભાવ... એવા ગુજરેજીમાં સવાલ કરે છે. હાઉ... હાઉ... એટલે કેવી રીતે અને ભાવ... ભાવ... એટલે ભાવ કેવી રીતે વધે છે?'

કાકા બોલ્યા, 'ફટાકડા પણ કેવા મોંઘા થઈ ગયા છે! આપણી જેવા તો ફટાકડાને બદલે આંગળાના ટાચકાં ફોડીએ અને કોમ માટે કલંકરૂપ હોય એવા ડોટ-કોમવાદી માથા ફોડે, બીજું શું?'

મેં કહ્યું , 'કાકા, મહારાષ્ટ્રમાં દિવાળી પછી ચૂંટણી છે એટલે જુદા ર્જુી પક્ષોમાંથી નેતાઓ પણ ફૂટવા માંડશે , જોજે તો ખરો? બાકી તો આ લોકશાહી, ઠોકશાહી અને જોકશાહીમાં આપણાં કરમ જ ફૂટેલા છે ત્યાં કોને કહીએ?' 

મેં કહ્યું, 'કાકા, તમારી વાત ઉપરથી મને એક જોડકણું સૂઝયું છે કે-

કૈંક નબળા, નઠારા અને

ભ્રષ્ટાચારીના બેટા

મત માગવા આવે તો

એને રાખજો છેટા

મત ખાતર લ્હાણી કરી

આપણે પૈસે ફોડશે ટેટા

કાકા બોલ્યા, 'હવે તો ફટાકડા ફોડવાની પહેલાં જેવી ક્યાં મજા આવે છે? પહેલાં તો કાચની શીશીમાં રોકેટ ગોઠવી ઉડાડતા, હવાઈ છોડતા, જમીન ચક્રીની જમાવટ  રહેતી, બોમ્બની ઉપર પતરાનો ડબ્બો ઢાંકી ધડાકો કરતા અને ટેણિયા મેણિયા  ચાંદલિયા ફોડતા અને ભંભુ કે ફૂલઝર સળગાવતા. હવે લવિંગિયા ટેટા તો ક્યાંય દેખાતા જ નથી.' કાકાની આ વાત સાંભળીને દિવાળીમાં નવીનક્કોર સાડીની આશા સેવતાં કાકી લટકો કરતાં બોલ્યાં, 'શું વાત કરો છો? લવિંગિયા નથી દેખાતા? તમે મારા એકના એક (પ્રેમાળ) લવિંગિયા જ છોને?'

હસીને કાકા બોલ્યા,'ભત્રીજા જોયુંને? તારી કાકી કેવી ચાલાક છે? દિવાળીમાં બોનસ મળ્યું એમાંથી મનગમતી ચીજો લેવા ખર્ચ કરાવશે અને વરસના વચલે દિવસે મારા વખાણ કરશે.' આ સાંભળીને ખરેખર કાકીએગીત લલકાર્યું , 'આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો... કહી દો પૂનમને કે ઊગે નહીં ઠાલો...'

કાકા વળી દાંત કાઢતા બોલ્યા, 'પ્રેમ દેખાડવા મને ફટાકડા સાથે જ સરખાવીશ? પહેલાં લવિંગિયો કીધો અને હવે પાછો ચાંદલિયો કહી દીધો?' 

મેં તરત જોડકણું ફફડાવી દીધું કે- 

'હોય બહાદુરના બેટા

એને ગણાવે જે ટેટા

એનાંથી રહેજો છેટા...'

મેં જૂની વાત યાદ કરાવતા કહ્યું, 'કાકા, નાનપણમાં લીંબડીની શેરીમાં આપણે કેવા લક્ષ્મી છાપ ટેટા ફોડતા? હવે એવા ટેટા કેમ જોવા નથી મળતા?'

પથુકાકાએ લુચ્ચું હસીને જવાબ આપ્યો, ' અગાઉ લક્ષ્મીછાપ ટેટા ફોડવામાં આવતા. જ્યારે હવે લક્ષ્મી છાપ બેટા ફોડવામાં આવે છે.'

મેં પૂછયું, 'ટેટા ફૂટે એ તો જાણે સમજાયું, પણ બેટા કેવી રીતે ફૂટે?' કાકા બોલ્યા, 'ચૂંટણી નજીક આવે ત્યારે લક્ષ્મી (પૈસા)ના જોરે એકબીજાની પાર્ટીના બધી વાતે પૂરા બેટાને ફોડવામાં આવે છે કે નહીં? એટલે જ કાયમ કહું છું કે પહેલાં લક્ષ્મી છાપ ટેટા ફૂટતા અને હવે બેટા ફૂટે છે.'

કાકાની વાત  સાંભળી મહારાષ્ટ્ર વિધાનસભાની દિવાળી પછી આવનારી ચૂંટણી તરફ ઈશારો કરીને કહ્યું કે-

'પહેલાં ઉજવાશે દિવાળી

પછી ઉજવાશે ગા-દીવાળી.'

અંત-વાણી

નવા વર્ષે સહુને બંધબેસતા સાલ-મુબારક તો કહેવા જ પડેને? તો જુઓઃ

પ્રસિદ્ધિ પ્રેમીઓને- શાલ-મુબારક

વટેચિયા-લાંચિયાને -

માલ-મુબારક

બબાલપ્રેમીઓને- ધ-માલ મુબારક

ગાલમાં ખંજનવાળી ગોરીને-

ગાલ-મુબારક

આરોપબાજ આગેવાનોને-

આળ-મુબારક

દિલ્હી દોડતા નેતાઓને-

ઢાળ-મુબારક.


Google NewsGoogle News