નેતા કરે ભાષણબાજી, સ્નિફર ડોગ કરે 'ભસણ-બાજી'
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ફૂલોના ઢગલા થયા
ખાખીના ફેરા વધ્યા
જોવા લોક ટોળે વળ્યા રે...
'ગાડી' તારા આવવાના એંધાણ થયા
ભાઈ... ભાઈ... ભાઈ... કાકાએ આ પેરડી ગરબો લલકાર્યો અને મેં કાકાને એકલી દાદ નહીં દાદ-ખાજ-ખુજલી આપતાં પૂછયુ,ં 'માડીની જગ્યાએ તમે કઈ ગાડીની વાત કરો છો?'
કાકા બોલ્યા, 'આપણે જે મોટા લીડરની રાહ જોઈને તાતડિયે તડકે ઊભા છીએને? એની ગાડીની વાત કરૃં છું.'
મેં પૂછ્યું, 'કાકા, અગાઉ તો આપણા રાજ્યમાં નેતાઓની ગાડીઓ પર લાલ લાલ લાઈટો લબુઝબુ થતી એટલે દૂરથી ખબર પડતી કે લીડર આવે છે... આવે છે... પણ હવે કેમ લાલ લાઈટો ઉતારી લેવામાં આવી હશે?'
પથુકાકા ખંધુ હસીને બોલ્યા, 'દૂરથી ગાડીની ઉપર લાલ લાઈટ લબુઝબુ થતી જોઈને લોકો સમજી જતા કે અંદર જોખમ છે. એટલે પછી અંદરના જોખમની છાપરે ચડીને ચાડી ખાતી રેડ-લાઈટો ઉતારી લેવામાં આવી. જેનો દૂરથી લાગે લાગે ડર એવાં કૈંક ભટકાય છે લી-ડર. ટેક ઈટ રેડ-લાઈટલી...'
ચૂંટણીમાં ભલે ગમે તેવા 'આડા' ઊભા રહે, પણ ઈ આડા જ્યારે ચૂંટાઈને નેતા બને ત્યારે આપણે એને જોવા સીધા ઊભા રહેવાનું એ કેવું? કાકાએ આ સવાલ ઉઠાવ્યોત્યાં તો એક ખાખી બીડી જેવો દુબળો પોલીસ લાઠી પછાડતો આવ્યો અને રેલિંગમાંથી ટાંટિયો કાઢીને નિરાંતે ઊભેલા કાકાના પગ પર લાઠી ઠપકારી રોફથી બોલ્યા,ે 'ટાંગ અંદર લે લો...'
કાકાએ ગભરાઈને ટાંટિયો અંદર તો ખેંચી લીધો, પણ સાવ ધીમા અવાજે ઘૂંઘવાઈને બોલ્યા ખરા કે, 'યે લીડર લોગ એક દૂસરે કે બીચ મેં ટાંગ અડાતે હૈ ઉસકો કોઈ નહીં બોલતા ઔર કાકા કા ટાંટિયા નડતા હૈ ક્યાં?'
કાકાની વાત અડધીપડધી સમજીને આગળ પહોંચેલા પોલીસે લાઠી પાળી ઉપર પછાડતા દમદાટી આપીને કહ્યું, 'ગપ્પ... ઊભા રહા... (ચુપચાપ ઊભા રહો)...'
કાકાએ ધીરેકથી કહ્યું, 'ઉપરવાળાની લાઠી પડશે ને ત્યારે એનો જરાય અંદાજ નહીં આવે, સમજ્યા?'
હજી તો કાકાનો આ 'કાકૌરાવ' પૂરો થયો ત્યાં તો સાયરન વગાડી કાળો કકળાટ કરતી પોલીસોની કંઈક મોટરો,હટ્ટાકટ્ટા કમાન્ડોથી ભરેલાં વાહનો અને ગણી ગણાય નહીં એટલી કારોના લાંબાલચક રસાલા સાથે લાખેણા લીડરની પધરામણી થઈ. રસાલાને જોઈ રંગમાં આવેલી ભીડે લખણવંતા લીડરશ્રીનો જયજયકાર કર્યો અને ત્યારબાદ એક પછી એક કાર જઈને ઊભી રહી ગઈ.
લીડર અને તેમના ટેકેદારોને વાજતે ગાજતે મોટા હોલમાં લઈ જવામાં આવ્યા. પછી મારી અને કાકાની જેમ બહાર ઊભેલાને (નહોતું જવું તોય) હૉલમાં ધકેલી દેવામાં આવ્યા અને બારણાં કરવામાં આવ્યાં બંધ. મજાલ છે કોઈની કે નેતાનું ભાષણ પૂરૃં થયા વિના ટાંટિયો બહાર મૂકી શકે?
હું અને કાકા પરાણે હોલની અંદર ધકેલાયા અને લીડરની રાહ જોઈને બે-બે કલાકથી રાહ જોઈ ઊભા હતા એટલે પછી થાકીને ભફ્ફ કરતાં સીટમાં બેસી ગયા. કાકાના ટાંટિયા લાંબા એટલે ફાવતું નહોતુ. મેં કહ્યું 'સીટ-એડજસ્ટ કરોને?'
બધા સાંભળે એમ કાકા બોલ્યા, 'સીટ-એડજસ્ટમેન્ટ કરવાનું નેતાઓને ફાવે, આપણી જેવાં કોમન મેનને ક્યાંથી ફાવે?'
મેં ધીરે બોલવાનો ઈશારો કરી કહ્યું, 'હું એમ કહું છું કે સીટ પુશ-બેક કરોને!'
આ સૂચન સાંભળી પહેલાં કરતાં પણ મોટા અવાજે કાકા બોલ્યા, 'સત્તા પક્ષમાં કે વિપક્ષમાં જેનામાં આગળ આવવાની ત્રેવડ હોય એવા બધાને પાછળ જ ધકેલી દેવામાં આવે છેને? આને કહેવાય પુશ-બેક.'
લીડરશ્રી હમણા આવશે હમણાં આવશે... હમણા આવશે એની રાહ જોઈ જોઈને થાકી ગયા. આજુબાજુવાળા તો ઝોકાં ખાવા માંડયા. કેટલીય વાર પછી મંચ પર હલચલ મચી ગઈ. મેં કહ્યું, 'નેતાશ્રી પહોંચ્યા લાગે છે.'
કાકાએ ટકોર કરી, 'એ નેતા તો પહોંચેલા જ છેને!'
થોડીવારમાં બે બેદૂકધારી ગાર્ડ આવ્યા અને સ્ટેજનો ખૂણેખૂણો તપાસવા માટે ગોળ ગોળ ફરતા હતા ત્યાં કાકાએ ઓચિંતી રાડ પાડી કે તમારી બંદૂીકડીથી હવામાં બે-ત્રણ ભડાકા કરો તો ખરા? આ હોલમાં ઊંઘી ગયેલાને જગાડવા તો પડશેનેૈ?'
કાકાએ હળવાશથી કરેલી ટકોર સાંભળીને તેમ જ આ બધો સત્તાશાહી તામજામ જોઈને વેણીભાઈ પુરોહિતની કવિતા યાદ આવી ગઈ કે, 'આપણામાંથી કો'ક તો જાગે... સહુ સૂતેલા કેમ લાગે...'
થોડી ક્ષણો વિત્યા પછી સ્નિફર ડોગ (સં ૂઘણશી શ્વાન)ની ટીમ આવી. મંચ પર ખુરશીઓ સૂંઘી, ટેબલ સૂંધ્યાં, બાકી હતું તે માઈક્રોફોન પણ સૂંઘીને સબ સલામતનો સંકેત આપી ચૂપચાપ એમના હેન્ડલર સાથે બહાર નીકળી ગયા.
આ બધી વિધિ પૂરી થયા પછી તૂતારીના કર્ણકર્કશ નાદ સાથે લીડરશ્રીની પધરામણી થઈ. આયોજકોએ લીડરશ્રીને ફૂલહારથી રીતસર ઢાંકી દીધા. સ્ટેજની ઉપરથી પણ ફૂલોની ટોપલીઓ ઊંધી વાળી પુષ્પવર્ષા કરવામાં આવી. આવા 'ફૂલ' ટાઈમપાસ બાદ લીડરશ્રી બોલવા માટે ઊભા થયા. કલાકોથી રાહ જોઈ બેઠેલા લોકોને જગાડવા માટે ફરીથી તૂતારી વગાડવામાં આવી. લીડરશ્રીએ માઈક સામે ઊભા રહી પહેલું વાક્ય બોલ્યા, 'માફ કરજો, ઘણું મોડું થઈ ગયું. એમાં નીકળવાની ઉતાવળમાં ઘડિયાળ પહેરવાનું જ ભૂલી ગયો એમાં ટાઈમનો ખ્યાલ ન રહ્યો.'
આ સાંભળતાની સાથે એક જણ ઓડિયન્સમાંથી બરાડયો, 'હવેૈ ભેગી ઘડિયાળ જ નહીં, તારીખીયું પણ રાખજો હોં! આટલ ું મોડું કરશો તો ક્યાંક તારીખ પણ ફરી જશે.'
લીડરશ્રીએ ભાષણ શરૂ કર્યું વાકપ્રવાહ અને વિરોધીઓ પર ધાક-પ્રવાહથી ધડામધૂડમ વર્ડ-બોમ્બ ફેંકવા માંડયા. વચ્ચે વચ્ચે પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા ગયા. આવનારા દિવસોમાં શું શું કરી દેખાડવામાં આવશે તેના વચનોનું વચનામૃત પાયું. પોણો કલાક એકધારી ભાષણબાજી ચાલ્યા પછી બોલ્યા, 'હવે હું મારી વાણીને વિરામ આપું છું.'
છેલ્લું વાક્ય સાંભળતાની સાથે જ જાણે છૂટકારો થયોે હોય એવી લાગણી સાથે ભાષણથી જેમનાં છોતાં નીકળી ગયાં હતાં એવાં શ્રોતાઓએ તાળીઓનો ગડગડાટ ર્ક્યો. લીડરશ્રીની વાજતે ગાજતે વિદાય પછી દરવાજા ખોલવામાં આવ્યા અને અમે ધક્કામૂક્કી કરતા બહાર દોડી ગયા.
પોલીસની ડોગ-સ્કવોડ પણ વિદાય લેવાની તૈયારી કરતી હતી. અમે નજીકથી પસાર થયા ત્યારે બે કૂતરા ભસવા માંડયા. આ જોઈને કાકાએ છેલ્લી સિક્સર મારતા કહ્યું, 'નેતાઓ જેમાં ભાષણબાજી કરે છે એ માઈકને સૂંઘી સૂંઘીને આ સ્નિફર ડોગ પણ 'ભસણબાજી' કરતા થઈ ગયા છે ... જુઓ તો ખરા!'
અંત-વાણી
કોઈક એવાંય ભટકાય લીડર
જેને જોઈને લાગે ડર.