માળાના ફેરવે મણકા, તોય દ્વેષ ન જાય મન કા
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
યોગીરાજ આવ્યું એ પહેલાં ગામના ઉતાર જેવા ગુંડા જ્યાં ભટકાતા એવા પ્રદેશ એટલે ઉત્તરપ્રદેશની વાત જ ન્યારી છે. અત્યારે જો આડા હાલો તો પોલીસના દંડા મળે અને પુણ્ય કમાવા જાવ તો પંડા મળે.
હું, પથુકાકા અને (હો)બાળાકાકી દિલ્હીથી હરદ્વાર જવા માટે આંતરરાજ્ય બસ અડ્ડાથી બસમાં બેઠાં. જેવી બસ ઉપડી કે તરત જ કાકાએ ઊંચા અવાજે પોકાર કર્યો 'હર હર ગંગે... મત કરે દંગે... મત લો પંગે... રહો સબ ચંગે....'
કાકાનો પોકાર સાંભળીને બસના બધા તીર્થયાત્રીઓ ખડખડાટ હસી પડયા અને એક સરદારજી તો રંગમાં આવી બોલી ઉઠયા, 'ઓયે ચાચા તુસી ગ્રેટ...' આ સાંભળીને કાકાએ મને ધીરેકથી પૂછ્યું, 'પેલા પાઘડીધારી મને તું સિગરેટ... તુ સિગરેટ એમ કેમ કહે છે? મારે અને સિગરેટને શું સંબંધ?' મેં કાકાની ગેરસમજ દૂર કરતા કહ્યું, ' એ પાપાજી તું સિગરેટ... એમ નથી કહેતા, એ તો પંજાબી ભાષામાં કહે છે કે તુસી ગ્રેટ એટલે તમે ગ્રેટ છો. પડી સમજ?' ગેરસમજ દૂર થવાથી રંગમાં આવી ગયેલા કાકાએ જમુના નદી પાસેથી બસ પસાર થતી હતી ત્યારેે દિલ્હી ભણી નજર કરી પોકાર કર્યા 'જય જય જમુના... તારા કાંઠે કેવા નમુના...' કાકાને ચૂપ કરવા માટે કાકીએ ડોળા કાઢ્યાં. હવેલીમાં હિંડોળાના દર્શન કરીને હરખાઈ ઉઠતા કાકા બસમાં કાકીના ડોળાના દર્શન કરી ચૂપ થઈ ગયા.
ટુ બાય ટુ સીટવાળી આ બસમાં કાકા-કાકીની પાછળની સીટ પર હું અને બીજા એક ધાર્મિક વૃત્તિવાળા સજ્જન બેઠા હતા. બેઠા બેઠા માળા ફેરવતા જાય અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જાય.માળા કેમેય પૂરી જ ન થાય. મેં પૂછ્યું, 'વડીલ, માળા કેમ પૂરી નથી થતી?' જાપ ઉપર જાપ્તો રાખવાની મારી અટકચાળી વૃત્તિ સંતોષતા વડીલે કહ્યું , 'શું કરૃં, ભાઈ? ચાર-પાંચ મણકા ફેરવું ત્યાં બસમાં એવાં હડદોલા લાગે છે કે ફરી હતા ત્યાંને ત્યાં જ રહેવાય છે.' મેં કહ્યું, 'વડીલ, તમે વસવસો ન કરતા. આપણા દેશમાં આવી જ રીતે જાતજાતની ગણતરીઓ થતી રહે છે. કોઈ જાતિને આધારે ચૂંટણી જીતવાની ગણતરી કરે છે, કોઈ ભાષાને નામે તો કોઈ કોમને નામે ગણતરી કરી આગળ વધવા હવાતિયાં મારે છે, પણ જ્યારે ચૂંટણી પરિણામના જોરદાર હડદોલા લાગે છે ને ત્યારે ભલભલા હતા ત્યાંને ત્યાં આવી જાય છે.'
વડીલે હસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતાં કરતાં કહ્યું, 'વિપક્ષી નેતાઓ ભલે ગમે એવી ગણતરી માંડે, પણ અત્યારે તો 'નમો-સિવાય' કોઈનો ગજ વાગે એમ લાગતું નથી, ઓમ નમઃ શિવાય... કોણ નમો-સિવાય?'
દિલ્હીથી હરદ્વારની દિશામાં આગળ વધતા રસ્તામાં રૂડકી ગામ આવ્યું. વડીલે રુદ્રાક્ષની માળાનો હવાલો મને સોંપતા તાકીદ કરી,'હું શંકા નિવારણ કરીને આવું છું. ત્યાં સુધી તું ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખજે, મણકા ફેરવજે, ૭૮થી આગળ ગણતરી કરજે ભૂલતો નહીં.'
શેર ટ્રાન્સફરની વાતો સાંભળી છે, પણ જાપ ટ્રાન્સફર થતા પહેલી વાર જોયા. વડીલ તો શંકા-નિવારણ કરીને પછી ચાની ચુસકી લગાવી પંદર મિનિટે પાછા આવ્યા અને પૂછ્યું, 'બોલ દીકરા, કેટલી માળા પૂરી કરી?' મેં કહ્યું, 'ચાર માળા પૂરી કરી.' એટલે શિવજીના ફોટાવાળી નોટબુકમાં ચાર માળાના જાપની નોંધ કરી ફરી માળા હાથમાં લેતા બોલ્યા, 'સબ લોગ માલ કે પીછે દૌડતે હૈ, પર મુઝે માલ સે કોઈ મતલબ નહીં, મેં બસ માલા ફિરાતા હું...' આ વાક્ય સાંભળીને આગલી સીટમાં બેઠેલા કાકાના કાન સરવા થયા અને ડોકું ફેરવ્યું. મેં ઈશારાથી ચૂપ રહેવા કહ્યું, નહીંતર અપલખણા કાકા તરત જ પૂછી બેસત કે આ ઉંમરે કંઈ માલાને ફેરવવાની વાત કરો છો?
(હો)બાળાકાકી કાયમ કાકાને મ્હેણાં મારે કે જાતી જિંદગીએ અથવા ઊંબાડિયાં કરો છો એના કરતાં માળા ફેરવોને? ત્યારે કાકા એક જ જવાબ આપે કે જે ઉપરવાળાએ આપણને અગણિત આપ્યું છે એનું નામ ગણી ગણીને લેવાનું! જે બેહિસાબ આપે છે એને હિસાબ કરીને યાદ કરવાના!
કાકીએ કાકાને કહ્યું, 'આપણા જૂના પાડોશી કાનજીકાકાને જુઓ. ચાર દીકરા કેવા સાચવે છે! કાનજી કાકા ટેસથી માળા ફેરવે છે માળા, તમારી જેમ ચાળા નથી કરતા.'
પથુકાકા તરત બોલી ઉઠયા, 'કાનજીકાકા કેમ માળા ફેરવે છે એ તને ખબર છે? ચાર દીકરા એમના બૈરાં-છોકરા સાથે જુદા જુદાં માળામાં (ચાલીમાં) રહે છે. ચારમાંથી એકેય દીકરા કાયમ માટે બાપાને ભેગા રાખવા માગતા નથી. એટલે કાકા એક -એક દીકરાને ત્યાં ત્રણ-ત્રણ મહિના રહે છે. ત્રણ મહિના પૂરા થાય એટલે બીજા માળામાં રહેતા દીકરાને ત્યાં જાય, પણ કોઈ પૂછે કે કાકાના શું ખબર છે? ત્યારે નપાવટ દીકરાઓ એક જ જવાબ આપે છે કે બાપા ટેસથી માળા ફેરવે છે. હવે સમજાયું? જાતી જિંદગીએ કાનજીકાકાને માળા ફેરવવાનું કેવું આકરૃં લાગતું હશે?'
(હો)બાળાકાકી બોલ્યા, 'ઓ હો હો... આવી તો મને ખબર જ નહીં હો કે મોટી ઉંમરે કેવી રીતે માળા ફેરવે છે? હું તો એટલું જ જ કહું છું કે-
પેટના જણ્યા જ્યારે
માણસાઈને દઈ દે તાળા
ત્યારે વડીલોએ ફેરવવા
પડે માળા..'
મેં કહ્યું, 'આને જીવનની વરવી વાસ્તવિક્તા જ કહેવાયને! ઘણીવાર ધારણા કરતાં હકીકત જુદી જ નીકળે છે.'
પથુકાકા બોલ્યા, 'સાવ સાચી વાત, હમણાં હું મુંબઈની લોકલમાં બેસી ભીડમાં ભીંસાઈને આવતો હતો. બારી પાસે બેસીને એક જુવાન ગેરૂઆ રંગની થેલીમાં હાથ નાખી માળા ફેરવી જાપ કરતો હોય એવું મને લાગ્યું. એની સાથેના ગુ્રપના અન્ય લોકો પત્તાં રમતા હતા. મને આ જુવાન પ્રત્યે માન ઊપજ્યું, કારણ કે પોતાના સાથીઓ પત્તા રમવાને રવાડે ચડયા છે અને જુવાન માળા કરે છે. ખરેખર આશ્ચર્ય કહેવાય કે નહીં? અચાનક લોકલ ટ્રેને જોરદાર બ્રેક મારી એ સાથે જ જુવાનના હાથમાંથી થેલી નીચે પડી ગઈ. ઝાંખા અજવાળામાં મને બરાબર દેખાયું નહીં એટલે મેં કહ્યું કે કોઈ આ ભાઈને માળાના તૂટેલાં મણકાં વીણવામાં મદદ તો કરો! મારી વાત સાંભળી જુવાનનો સાથીદાર ખડખડાટ હસીને બોલ્યોઃ આ મારો પત્ની-પીડિત દોસ્ત થેલીમાં હાથ નાખીને માળા નથી ફેરવતો... ઈ તો વટાણા ફોલે છે વટાણા. ભાભીનો આદેશ છે કે સાંજે ઓફિસેથી ઘરે આવતા રસ્તામાંથી શાક લઈ આવવાનું, એટલું જ નહીં, પણ લીલી તુવેર કે વટાણા ખરીદ્યા હોય તો ફોલી પણ નાખવાના. હવે ફર્સ્ટ કલાસમાં બેસી વટાણા ફોલતા કેવી શરમ આવે! એટલે આ ભાઈસાબ જાણે થેલીમાં હાથ નાખી વટાણા ફોલતા જાય અને વહુને ગાળું દેતા જાય, પણ કહે છે કે હકીકત વધુ વખત છાની રહી શકતી નથી.જોયુંને, હમણાં જ એના વટાણા કેવા વેરાઈ ગયા?'
અંત-વાણી
તિલક કરી ત્રેપન થયાં
જપમાળાના નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાક્યા ચરણ
તોય ન પહોંચ્યા હરિને શરણ.
(અખો)
** ** **
એવાંય હોય પાખંડી
જે જાહેરમાં ફેરવે માળા,
ને વળી ખાનગીમાં કરે
ઊંધા ચાળા
કહે ચમન ચકોર આ જોઈ
કે કાગડા બધે કાળા.