Get The App

કૂતરાને પ્રેમથી પંપાળો અને તાણ-ટેન્શન ટાળો

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
કૂતરાને  પ્રેમથી પંપાળો અને તાણ-ટેન્શન ટાળો 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાકાને કાગડા, કૂતરા અને કૂકડા સાથે પહેલેથી અણબનાવ. બાલ્કનીની પાળી પર બેસીને જેવો કોઈ કાગડો કા... કા... કા કરે ત્યારે કાકા એમની લાકડી લાદી પર જોરથી પછાડયા વિના રહે નહીં. મેં પૂછયું, 'તમે શું કામ કાગડા પર ગુસ્સે થાવ છો? શ્રાદ્ધપક્ષમાં તો ધોળે દિવસે દીવો લઈને કાગડો ગોતવા નીકળો છો એનું શું?'

કાકા એક જ વાબ આપે કે, 'આ કાગડાની જાતને કાકા બોલતા આવડી ગયું છે, તે આખો દિવસ કાકા... કાકા... કાકા...એવો 'કાકારવ' કરી માથું ખાઈ જાય છે. આવા બે બદામના કાગડા આમ મારૃં નામ લઈ બોલવાની હિમ્મત કરે એ કેમ સાંખી શકાય?'

મેં બીજું કારણ પૂછયું, 'કૂકડા સાથે  શેનું વેર છે?' કાકાએ જરાક ધીમા અવાજે જવાબ આપ્યો, 'આ તારી કાકી છાશવારે ક્લબ અને કિટી પાર્ટીમાં ચાલી જાય એટલે પછી મારે માથે કૂકરમાં ખીચડી અને બટેટાનું શાક રાંધવાની જવાબદારી આવી પડે. એ વખતે  પાછળની ઝૂંપડપટ્ટીમાં સવારે છાપરે ચડીને કૂકડા કૂક... રે... કૂક  કૂક... રે... કૂક... કૂકનો દેકારો મચાવે ત્યારે જાણે મારી મજાક ઉડાવતા હોય એવું લાગે. મને રાંધતો જોઈને કૂક... રે... કૂક કહેતા હોય એવું માનીને કૂકડાને પણ કાંકરીચાળો કરી ચૂપ કરી દઉં છું.'

'કૂતરાં સાથે  કેમ તમને જામતું નથી? માણસનો સૌથી વફાદાર દોસ્ત ગણાય છે છતાં કેમ કૂતરાને ધૂત્કારો છો?' મારો ત્રીજો સવાલ સાંભળી જવાબ આપતા પહેલાં પથુકાકાએ એમનો લેંઘો ગોઠણ સુધી ઊંચો કરીને પગમાં નિશાન તરફ આંગળી ચીંધીને કહ્યું, 'આ નિશાન જોયું? કેટલાંય વર્ષ પહેલાં શેરીના ડાઘિયા કૂતરાએ લોચો તોડી લીધો હતો. એ વખતે ડૂંટીમાં એટલે ઓન ડયુટી નહીં પણ ઓન-ડૂંટી ૧૪ ઈન્જેકશન લેવા પડેલાં. બસ, ત્યારથી શેરીમાં રઝળતા આ ડાધિયા શેરી-ડોનથી હું દૂર જ રહું છું. કોઈ શેખી કરે કે હમ જીતે હૈ શાન સે, ત્યારે હુંં સૌરાષ્ટ્ર ભાષામાં  કહું  કે હમ બીતે હૈ શ્વાન સે...'

કાકા કાયમ કહે કે ઉત્તરાંચલ ફરવા માટે એકલા જવાય પણ ડાધિયા કૂતરા રઝળતા હોય એવા કૂતરાંચલમાં એકલા ન નીકળાય. ખરેખર કહું છું, કૂતરાને જોઈને કાકાને પરસેવો વળી જાય. એમ કહે કે ડી-ઓ-જી ડોગ જી-ઓ-ડી ગોડને યાદ કરાવી દે.

આ વખતના દિવાળીના વેકેશનમાં મેં નક્કી કરેલું કે પથુકાકા અને (હો)બાળાકાકીને  પ્લેનમાં ઉત્તરાંચલ બાજુ યાત્રાએ લઈ જવાં છે. એટલે ત્રણેક મહિના પહેલાં સસ્તામાં ટિકિટ બુક કરી રાખેલી. નિર્ધારિત તારીખે  અમે ત્રણ જણ ટેકસીમાં મુંબઈના એરપોર્ટ પર પહોંચ્યાં.

ટેક્સીમાંથી ઉતરી મુંબઈ એરપોર્ટમાં દાખલ તો થયાં પણ અચાનક પથુકાકા બોલતા બંધ થઈ ગયા. એમનાં કપાળે પરસેવાના  રેલા ઉતરવા માંડયા. મેં પૂછ્યું, 'શું થયું, કાકા? બીપીની તકલીફ થઈ?' કાકા એકદમ ટેન્શનમાં બોલ્યા,'અરે ભાઈ, બીપી કે પીપીની કાંઈ તકલીફ નથી. આ તો સામે ઊભેલા બે રાભડા જેવાં ફોરેનર ડોગ (વિદેશી નસલના) ને જોઈને મારી ફેં ફાટી ગઈ, એમાં મને પરસેવો વળી ગયો. સમજ્યો કે નહીં?'

કાકાએ ઈશારો કર્યો એ દિશામાં નજર કરી તો ખરેખર બે કૂતરા ઊભા હતા. જો કે જરાય ભસતા નહોતા, કે કોઈને કરડવા પણ દોડતા નહોતા. કેટલાક એર-પેસેન્જરો તો તેમની પર હાથ પસરાવતા હતા, તેમને પંપાળતા હતા, બોલો.

પથુકાકાથી રહેવાયું નહીં એટલે કૂતરાની બાજુમાં ઉભેલા એક વોલિન્ટિયરને ભાંગી તૂટી હિન્દી ભાષામાં સવાલ કર્યો, 'હે ભાઈ, એરપોર્ટ પે યે કૂત્તે કો કયો રખ્ખા હૈ? હમ કો તો બહોત બીક લગતા હૈ ઔર ટેન્શન વધ જાતા હૈ.'

કાકાની વાત સાંભળી ખડખડાટ હસી  પડેલાં વોલિન્ટિયરે કહ્યું, 'દેખો અંકલજી, પ્લેન મેં ટ્રાવેલ કરનેવાલે મુસાફિરો કા ટેન્શન કમ કરને કે લિયે યે એકદમ ટ્રેઈન્ડ ડોગ  કો રખા ગયા હૈ. પ્યાર સે ઈન કૂત્તો પે હાથ ફિરાઈએ, આપકા ભી ટેન્શન દૂર હો જાયેગા. સમજે?'

'ના... ના... ના...' કરતા કાકા પાંચ ડગલાં પાછા હઠી ગયા અને કાકીના ગળા પર હાથ પસવારવા લાગ્યા. આ જોઈ કાકી તાડૂક્યાં, 'આ શું ગાંડાવેડા કરો છો?' કાકા બોલ્યા, 'એરપોર્ટવાળાએ પ્રવાસીઓને ટેન્શનમુક્ત કરવા પાળેલાં કૂતરાં રાખ્યાં છે, પણ આ કૂતરાને જોઈ મારા જેવાનું ટેન્શન વધી જાય ત્યારે ટેન્શન ઘટાડવા ઈ શું કરે? પોતાની બૈરીના ગળા પર જ હાથ પસવારેને? આને ગાયનેકોલોજી નહીં પણ  ગુજરેજીમાં બાઈ-નેકોલોજી કહેવાય. સમજાયું કે પછી હરિવ્હાલા?'

મેં કાકાને યાદ અપાવ્યું કે એક વિદેશી મનોચિકિત્સકે કેટલાય વર્ષો પહેલાં કહ્યું હતું કે ગાયની ડોક ઉપર પ્રેમપૂર્વક હાથ પસારવાથી તમારી માનસિક તાણ દૂર થાય છે.  

પથુકાકા બોલ્યા,'હા, એના ઉપરથી જ મેં અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળવાળી ગુજરેજી ભાષામાં નવો શબ્દ કોઈન કર્યો હતો - ગાય-નેકોલોજી!' 

મેં કહ્યું, 'હવે એરપોર્ટ ઉપર પેસેન્જરોનું ટેન્શન દૂર કરવા માટે એકદમ ફ્રેન્ડલી શ્વાન રાખવામાં આવે છે. અમેરિકા અને બીજા દેશોમાં તો ઘણાં વર્ષોથી તાણમુક્તિની આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.'

પથુકાકા બોલ્યા ,'આપણા એરપોર્ટ પર રોજબરોજ ફલાઈટો મોડી પડે, ફલાઈટ ઓચિંતી રદ કરવામાં આવે ત્યારે ટેન્શનમાં આવી જતા પેસેન્જરો ગોકીરો મચાવે કે રોષે ભરાઈ ગાળાગાળી કરે એ વખતે શું આ ટેન્શનમુક્ત કરતા ફ્રેન્ડલી ડોગ કામ આવશે?'

મેં નકારમાં માથું ધૂણાવતા કહ્યું, 'કાકા, એવી પરિસ્થિતિમાં ફ્રેન્ડલી ડોગ કામ ન આવે. પેસેન્જરો ઉશ્કેરાય અને ધમાલ મચાવે ત્યારે તેમને ભસી ભસીને ડરાવે એવા ડાધિયા કૂતરા એરપોર્ટવાળાએ રાખવા પડશે. હસે એ સહુના દિલમાં વસે, અને ભસે એનાંથી સહુ આઘા ખસે...'

મુંબઈ એરપોર્ટ પર કૂતરાને જોઈ તમે કેવા ટેન્શનમાં આવી ગયેલા? એમ કાકાને યાદ અપાવતા પૂછ્યું ત્યારે હસીને બોલ્યા, 'પછી ખબર છેને? મેં તારી કાકીના ગળા પર હાથ ફેરવવા માંડયો હતો? પણ ભલે કોઈ કબૂલ ન થાય પણ ઘણાખરાં ઘરોમાં આવું જ જોવા મળે છે - પતિ સહુ પાળેલા પત્નીજી પંપાળેલાં...'

મેં કહ્યું, 'કાકા, ચૂંટણી નજીક આવે ત્યારે મતદારોને સુંવાળાં વચનો આપી પંપાળવા  માટે નેતાઓ નીકળી પડે છે, પણ ચૂંટણી જીત્યા પછી કેટલા નેતા વચન પાળે છે?'

સવાલ સાંભળીને કાકાએ દાંત કચકચાવીને જોડકણું ફફડાવ્યું :

'મતદારોને ઠાલાં વચનોથી

ન પંપાળો,

જો સાચા હો તો 

આપેલા વચન પાળો.

નહીંતર નારાજ જનતા તમને

જોઈને કહેશે ભાળો ત્યાં ગાળો.'

અંત-વાણી

જીતે હૈ શાન સે

'બીતે' હે શ્વાન સે.


Google NewsGoogle News