વિકાસની દેખાડી ચાવી, કેવી ગાદી બચાવી!

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
વિકાસની દેખાડી ચાવી, કેવી ગાદી બચાવી! 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાકા  સેલમાં અને કાકી ગેલમાં એમ કહીએ તો કોઈ સવાલ કરે પણ ખરા કે શું વાત કરો છો? કાકાને સેલમાં મૂક્યા એટલે કાકી ગેલમાં છે? ત્યારે કહેવું પડે કે એવું નથી. સેલમાં એટલે વેચાણમાં નહીં, સેલમાં એટલે સેલ-ફોનમાં જ કાકા-કાકી મંડી પડયાં હોય છે. કાં સેલ્ફી લેતા હોય અને કાં રીલ બનાવતા હોય. નવી પેઢીને વાદે રીલ બનાવવાના રવાડે ચડયાં છે. ગમે ત્યાં રીલ બનાવે. ગંધાતા નાળાની પાળે, બેકગ્રાઉન્ડમાં દેખાતી મારી અને ખાળે, ઉપરના 'ખાલી માળે' અને સાર્વજનિક શૌચાલયની લાઈનમાં સહુ ભાળે એમ 'ઓન-લાઈન' રીલ બનાવી સોશિયલ મીડિયામાં મૂકે અને પછી કાકા-કાકી એકબીજાને કોન્ગ્રેચ્યુલેશન આપી 'હમ દિલ દે ચૂકે સનમ'ને બદલે કહે કે 'હમ રીલ દે ચૂકે સનમ.'

કાકા-કાકીની હમણાં મજેદાર રીલ જોઈ. હાથમાં ચાવીનો ઝૂડો લઈ રૂમમાં ફરતાં ફરતાં કાકા-કાકી 'બોબી' (કે ડોબી) ફિલ્મનું ગાણું ઘોઘરા સાદે ગાતાં હતાંઃ 'હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાય ઔર ચાબી ખો જાય...'

આ રમૂજી રીલ જોઈને મેં કાકાને ટપાર્યા, 'કાકા, આ ઉંમરે ચાવી ખોવાઈ જવાનાં ગીતો ગાઈને વરવા લાગો છો વરવા...' અડધેથી મારી વાતને કાપતા કાકા બોલ્યા, 'ચાવી જુવાનીમાં જ ખોવાય? મોટી ઉંમરે ન ખોવાય? અમારી જેમ દિલથી જુવાન હોય ને ઈ ચાવી ખોઈ પણ નાખે અને નવી નવી ચાવી ગોતી પણ કાઢે, ખબર છે?'

મેં પૂછ્યું, 'કોની વાત કરો છો?' પથુકાકા બોલ્યા, 'આ તો લોકસભાની ચૂંટણીના પરિણામ સંદર્ભમાં કહું તો  નમોજીએ વિકાસની દેખાડી ચાવી કેવી ગાદી બચાવી?વિપક્ષોએ ભલે ગમે તેટલી બૂમરાણ મચાવી, પણ છેવટે તો આંચકો પચાવી સમસમીને બેઠા રહ્યા , બરાબરને?'

પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે... સોસાયટીમાં રહેતા વરરાજા ધામધૂમથી પરણીને લાડીને લઈને આવ્યા. અમે બાલ્કનીમાં ઊભા રહીને એકદમ તાજા પરણેલાં દુલ્હા-દુલ્હનને હરખાઈને જોતા હતા. નસીબદારના જીવનમાં આ પ્રસંગ ફક્ત એક જ વાર આવતો હોય છે.

વેલકમ... વેલકમ... કહી આડોશી-પાડોશી આવકારતા હતા. અચાનક અમારા કાને મોટેથી અવાજ અથડાવા માંડયો, 'જૂડો... જૂડો... જૂડો... જૂડો ક્યાં છે? ક્યાં છે?' અમે બધાં તો ચોંકી ઊઠયા. હજી તો નવવધૂનો ગૃહપ્રવેશ નથી ત્યાં આ જૂડો  જૂડોનો ગોકીરો શેનો થાય છે? આ પ્રસંગે જૂડો કે કરાટેનો કકળાટ હોય?

સડસડાટ દાદરા ઉતરી નીચલા માળે ગયા ત્યારે ખબર પડી કે ઘરના મેઈન ડોરની ચાવી જેમાં હતી એ ચાવીનો જૂડો ગોતવા માટે 'જૂડો ક્યાં છે?' એવી બૂમરાણ મચી હતી. જૂડો હાથ લાગ્યો એટલે ચાવીથી એક ભાઈ દરવાજાનું લોક ખોલવા ગયા, પણ આ શું, ચાવી ફેરવી ફેરવીને થાક્યા પણ લોક એવું જામ થઈ ગયું હતું કે ખૂલે જ નહીં. લોક ખોલવા પોતપોતાનો કરતબ દેખાડવા એક પછી એક 'લોકલ' કલાકારો આવવા માંડયા. આ જોઈને કોઈ બોલ્યું કે ઘરના લોકોને પ્રતાપે ખરું 'લોકનૃત્ય' જોવા મળ્યું.

લગ્નને માંડવે અગ્નિની સાક્ષીએ આ લોક અને પરલોકમાં સાથ નિભાવવાના કોલ આપી ચૂકેલા વર-કન્યા માટે ઘર-લોક સામે લાચાર બની સાથે ઊભાં રહ્યાં વિના છૂટકો જ ક્યાં હતો?

અડધો-પોણો કલાક આ 'લોકનૃત્ય' ચાલ્યું, પણ લોક ન ખુલ્યું તે ન જ ખુલ્યું. વર-કન્યાને પાડોશીના ઘરે બેસાડયા અને કોઈ ચાવીવાળાને બોલાવવા દોડયું. ડુપ્લિકેટ ચાવીવાળાએ આવી મહેનત કરી. લોક ન ખૂલ્યું. છેવટે સોસાયટીમાં ક્યાંક સુથારીકામ ચાલતું હતું, ત્યાંથી મિસ્ત્રીને બોલાવવામાં આવ્યો. મિસ્ત્રીએ મહામહેનતે લોક તોડયું ત્યારે તાળીઓના ગડગડાટ અને જાનડિયુંનાં ગીતોની સુરાવલિ વચ્ચે વર-કન્યાએ ધીમે ધીમે ગૃહપ્રવેશ કર્યો. પોતાના જ ઘરમાં ઘરફોડી કરીને દાખલ થવાનો અભૂતપૂર્વ અવસર કઈ બધાના નસીબમાં થોડો જ હોય છે?

આ હાઉસ બ્રેકિંગના બ્રેકિંગ ન્યુઝ વીજળીવેગે બધે ફરી વળ્યા. આ 'લોકરામાયણ' સાંભળીને કોઈએ ટકોર કરી, 'લોકના પ્રતાપે લોક-સભા જેવી સ્થિતિ થઈ. લોકસભામાં પણ ખેરખર જે અંદર જવા લાયક હોય છે એ અંદર ઘૂસી જાય છે. બોલો  લોક-શાહી... ઝિંદાબાદ...'

લોકની આ 'લોક-રામાયણ'  પછી એક એવો લોક-મત ઊભો થયો કે દરેક માળવાળાએ બહાર નીકળતી વખતે પોતપોતાના પાડોશીને ત્યાં ઘરની એકસ્ટ્રા ચાવી મૂકી રાખવી. પાડોશી પાસે ચાવી હોય તો હેરાન ન થવું પડે, પણ વસમા પડોશી પાકિસ્તાનની વાત જુદી છે. ભારતને હેરાન કરવાની ચાવી પાડોશી પાકે પોતાની પાસે જ  રાખી છે ને? આવા વસમા પાડોશી પાકે ત્યારે કેવી અવદશા થાય?

લોક એન્ડ કીના વિચારો મનમાં ઘૂમરાતા હતાં ત્યાં પરલોકનો પ્રસંગ યાદ આવ્યો. પૃથ્વીલોકની ત્રણ મહિલાઓ એક જ સમયે મૃત્યુ પામી. આ ત્રણ બાઈ-પાસ થઈને ઉપર પહોંચી. ચિત્રગુપ્ત ચોપડો ખોલીને બેઠા હતા. હાઉસિંગ બોર્ડની જગ્યાનું જેમ એલોટમેન્ટ થાય એમ લાયકાત પ્રમાણે જગ્યાની ફાળવણી થતી હતી. ચિત્રગુપ્તે ત્રણેય બાઈઓને પોત પોતાનો બાયો-ડેટા (કે બાઈઓ-ડેટા) મૌખિક રીતે રજૂ કરવાનું કહ્યું.

પહેલી મહિલા બોલી, 'હું એકદમ સુશીલ, સંસ્કારી અને સ્નેહાળ ગૃહિણી હતી. એકદમ પતિવ્રતા હતી. ચોવટે સાવિત્રીને બદલે વટ-સાવિત્રીનું વ્રત કરતી. 'સાસ ભી કભી...' સિરિયલની તુલસીની જેમ સહુને સાચવતી.'

આ સાંભળી ચિત્રગુપ્તે પોતાના મદદનીશને આદેશ આપ્યો, 'આ આદર્શ મહિલાને સુવર્ણખંડની ચાવી આપો.'

બીજી મહિલાનો વારો આવ્યો. તેણે પોતાનો બાયો-ડેટા સંભળાવ્યો, 'આમ તો હું પતિવ્રતા ખરી, પણ ક્યારેક મગજ ફરે ત્યારે આ-પતિવ્રતા બની જતી. સાસુ ઘ૨માં હાજર હોય ત્યારે એમના વખાણ કરતી કે બા તો બા છે. જેવાં મારા સાસુ દેવદર્શને જાય ત્યારે એ જ વાક્ય જરા ફેરવીને તોળીને કહેતી, બા તોબા છે. બાકી ગૃહિણી તરીકેની કોઈ ફ૨જ ચૂકી નથી.'  બીજી મહિલાની નિખાલસ રજૂઆત ચિત્રગુપ્તને સ્પર્શી ગઈ. તરત જ તેમણે મદદનીશને આદેશ આપ્યોઃ આ બહેનને ચાંદીના રજત ખંડની ચાવી આપો. ચાલો, નેકસ્ટ કોણ છે?

ત્રીજી તો એકદમ લટકમટક કરતી આવી અને મારકણી અદા સાથે ચિત્રગુપ્તને 'હાય' કર્યું. એણે તો તડાફડી ફોડવા માંડી, 'આપણે પતિવ્રતા-બતિવ્રતાના જૂનવાણી વિચારો અપનાવ્યા જ નહોતા, ક્યા સમજે ? મંદિરમાં જઈ અભિષેક કરવાનું ન ફાવે, એટલે હું તો એશ કરતી એશ. બપોરે કિટ્ટી પાર્ટીમાં જાઉં અને રાત્રે કોકટેલ પાર્ટીમાં કોઈ ફૂટડો જુવાનિયો દેખાય તો તેની સામે આંખો નચાવું. બોલો, હજી કંઈ વધુ સાંભળવું છે ?' આટલું સાંભળીને ચિત્રગુપ્ત મદદનીશને આદેશ આપ્યો, 'આ મહિલાને મારા ખંડની ચાવી આપો.'

સુખેથી સંસાર ચલાવવાની ચાવી સ્ત્રી પાસે જ હોય છે. જે પતિનો પગા૨ બ-ચાવી જાણે, સુખ-દુઃખ પચાવી જાણે, વરજી આડા ચાલે તો બરાબર ખચખચાવી જાણે અને મૂડમાં હોય તો ન-ચાવી પણ જાણે. ચાવીને અંગ્રેજીમાં 'કી' કહે છે ને ? પત્નીજી ક્યારેક મજાકમાં ફિર-કી લે, તો ક્યારેક વિફરે તો ધમ-કી પણ દે. ચાવી કહો કે કી મને પાકી ખાતરી છે. ઘરવાળીના હાથમાં જ છે. એટલે જ પુરુષ-પ્રધાન લોક-શાહીમાં મહિલા રસોડામાંથી રાજકારણમાં આવે એવું લાલુબ્રાન્ડ રબડીપતિઓ નથી ઇચ્છતા. આવા નેતાઓ પોતાની ખુરશી બ-ચાવી જાણે છે, વિકાસની ચાવી નથી જાણતા.

અંત-વાણી

જેણે હાર અને જીત પચાવી

એ જ જાણે, દુનિયાને નચાવી.


Google NewsGoogle News