''ડોગી'' હમ તો લૂંટ ગયે તેરે પ્યાર મેં જાને તૂઝકો ખબર કબ હોગી...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
રાત્રે ભૂતાવળની જેમ ક્યારેક કૂત્તાવળનો પણ વસમો અનુભવ થાય છે. હું અને પથુકાકા છેલ્લા શોમાં ફિલમ જોઈને નીકળ્યા. અંધારી શેરીમાંથી નીકળવા ગયા ત્યાં ચાર-પાંચ ડોાઘિયા શેરી-ડોન પાછળ પડયા. મારા હાથમાં છત્રી હતી તેની મદદથી મેં કૂતરાનો સામનો કર્યો પણ પથુકાકા ખાલી હાથે હતા એટલે એક ડાઘિયાએ પથુકાકાના પગે લોચો તોડી લીધો. કાકાની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા અને અમે કાકાને તરત મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ ગયા. ડોકટરે હડકવા વિરોધી ઈન્જેકશન આપતાં પહેલાં પૂછ્યું કે કાકા કૂતરો જાણીતો હતો? કાકાએ માથું ધુણાવી હા પાડતા કહ્યું કે 'એ માથાભારે ડાઘિયો અને એની શ્વાનસેનાને બરાબર ઓળખું છું, આમેય આપણને જાણીતા જ નડે છેને?'
હોસ્પિટલેથી ઈન્જેકશન લઈ પગે પાટો બંધાવી પથુકાકા ઘરે પહોંચ્યા ત્યારે લંગડાતા કાકાને વાંકા ચાલતા જોઈને (હો) બાળાકાકીએ બૂમાબૂમ કરી મૂકી 'શું ભૂંડા લાગતા'તા, છેલ્લા શોમાં ફિલમ જોવાનો આવો તે કેવો ભડભડિયો? હવે જો રાત્રે ઘરની બહાર પગ મૂક્યો છે ને તો ટાંટિયો ભાંગી નાખીશ' કકળાટ ક્વીન કાકીની રાડારાડ સાંભળી કાકાએ તરત હોસ્પિટલમાં ફોન કરી ડોકટરને કહ્યું કે 'સાહેબ એક ઈન્જેકશન મારી ઘરવાળીને પણ આપોને?' ડોકટરે પૂછ્યું 'હડકવા-વિરોધી ઈન્જેકશન તમારી વહુને શું કામ આપું?' કાકાએ જવાબ આપ્યો કે 'સાહેબ કુતરૂં મને કરડયું અને હડકવા મારી ઘરવાળીને ઉપડયો છે, શું કરૂં?'
મેં અને કાકાએ થિયેટરના માલિકને ફરિયાદ કરી કે થિયેટરની આસપાસ કૂતરાનો ત્રાસ દૂર કરવા મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ તો કરો? છેલ્લાં શોમાંથી નીકળતા કેટલાય લોકોને કૂતરા કરડી જાય છે એ તમને ખબર નથી?' થિયેટર માલિકે કહ્યું સોરી... સોરી... સોરી... હું ચોેક્કસ કંઈક ઉપાય કરીશ.'
અઠવાડિયા પછી ગણપતિના દર્શન કરી હું અને કાકા થિયેટર પાસેથી પસાર થતા હતા એ જ વખતે ફિલમનો છેલ્લો શો છૂટયો. એ સાથે જ થિયેટરની બહાર ગોઠવેલા લાઉડ સ્પીકરમાંથી ધર્મેન્દ્રનો ફિલ્મી ડાયલોગ વારંવાર સંભળાવા લાગ્યોઃ કૂત્તે મેં તેરા ખૂન પી જાઊંગા... કૂત્તે મેં તેરા ખૂન પી જાઊંગા...' થિયેટરની બહાર ઊભેલા માલિકને અમે પૂછ્યું કે આ ડાયલોગ કેમ વગાડો છો? ત્યારે માલિક બોલ્યા 'તમે કૂતરાના ત્રાસની ફરિયાદ કરેલીને? એટલે કૂતરાને ભગાડવા માટે નવો નુસ્ખોે અજમાવ્યો. કૂત્તે મેં તેરા ખૂન પી જાઊંગા... એ ડાયલોગ સાંભળી સાંભળીને કૂતરા બીકના માર્યા દૂર ભાગી જાય છે... તમે જ કહો કે કૂતરો ભગાડવા કેવો ''અહિંસક'' ઉપાય અજમાવ્યો.?'
જોકે એક શ્વાનપ્રેમી સંગઠનના સભ્યોએ કૂત્તે મેં તેરા ખૂન પી જાઊંગા... એ ડાયલોગનો વિરોધ કર્યો છે. આ સંગઠનના એક સભ્યને પૂછયું કે કૂત્તે મેં તેરા ખૂન પી જાઉંગા... એ ડાયલોગને બદલે ક્યો સંવાદ બોલવાનો?' સભ્યએ જવાબ આપ્યો કે રખડતા કૂતરાને પણ માનપૂર્વક બોલાવવાના અને કહેવાનું કે હૈ શ્વાનશ્રી આપના શરીરની નસેનસમાં ફરી રહેલાં રૂધીરનું પાન કરવા હું ઈચ્છુક છું...' મેં ખડખડાટ હસીને કહ્યું કે 'ભદ્રંભદ્રની ભાષામાં આ સંવાદ બોલીએ એટલી વારમાં બે-ત્રણ કૂતરા પગે કરડીને નાસી જાય ખબર છે? કરડવાની આદતવાળા આ કૂતરાને હારબંધ ઊભા રાખીને ''કૌન બનેગા કરડ-પતી''ની સ્પર્ધા ન રાખી શકાય સમજાયું?
પ્રાણીપ્રેમીઓના પ્રાણી પ્રેમીને ખરેખર સલામ કરવી પડે. અંગ્રેજી છાપામાં આવેલી હાઈ-સોસાયટીની હાઈલી એજ્યુકેટેડ કન્યાની લગ્નસંબંધી જાહેરખબરમાં લખેલું કે ક્ન્યા એનિમલ લવર છે. આ વાંચીને પરણવાલાયક મૂરતિયાઓ શું વિચારે? પરણીને કન્યા જો 'શ્વાન' સોંગ ગાતી રહે કેઃ ડોગી હમ તો લૂંટ ગયે તેરે પ્યાર મેં જાને તુઝકો ખબર કબ હોગી... તો ક્યાં જવું?
પથુકાકા મારી વાત સાંભળીને બોલ્યા કે આપણી સોસાયટીમાં રહેતા પ્રાણીપ્રેમી તો અવારનવાર કહેતા ફરે છે કે શેરીના શ્વાન માટે ક્યારેય અપમાનજનક ભાષા નહીં વાપરવાની, એમને પણ માનપૂર્વક બોલાવવાના.'
મેં નવાઈ પામી પૂછ્યું કે 'માનપૂર્વક એટલે જરા દાખલો આપો તો સમજાયને?' પથુકાકાએ ખિસ્સામાંથી ચબરખી કાઢી અને પ્રાણીપ્રેમીએ લખાવેલા નામોની નામાવલી વાંચતા બોલ્યા ડાઘિયાને ડાઘેન્દ્ર, લાલિયાને લાલેન્દ્ર અને ખસિયાને ખસેન્દ્ર કહેવાનું.'
કાકાની વાત સાંભળીને મેં કહ્યું કે 'કરડકણા કૂતરાને માનભેર બોલાવવાના? આ તો ભારે કહેવાય. મને તો આ જોડકણું ફફડાવવાનું મન થાય કેઃ
હસતા જોગી જેમ
માનભેર બોલાવવાના
ભસતા ડોગી
કાકા અબ બોલો
અપની કૈસી હાલત હોગી...
એકધારીઅંત-વાણી
વાણી અને પાણી સતત સતત વહેતા સારા. વાણી અને પાણી જો બંધાય તો ગંધાય. પાણીની સરવાણી અને વાણીની અ-સરવાણી હોવી જોઈએ. પાણી વિનાની વાણી નક્કામી. કોઈ વાણીમાં સાવ પાણી નાખે તો કોઈ પાણીદાર વાણીથી ભૂક્કા કાઢી નાંખે. પાણી અને વાણી કાં તારે અને કાં ડૂબાડે. વરસાદ ખેંચાય ત્યારે પાણી-કાપ મૂકાય પણ ચૂંટણી ટાણે નેતાઓના મોઢે ક્યાં 'વાણી-કાપ' મૂકાય છે? પાણીમાં તરે નાવ અને વાણીમાં તરે ભાવ. પાણી અને વાણી કરકસરથી વપરાય એમાં જ મજા છે, પાણી અને વાણી વેડફાય એ સજા છે. છેલ્લાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી વહેતી રહેલી 'અંત-વાણી' ૩૨ વર્ષની મજલ પૂરી કરે છે ત્યારે અગણિત વાચકોએ પાચક-રસની જેમ વાચક-રસથી પચાવી છે પસંદ કરી છે એવી પસંદગીની અંત-વાણી અને નવી નવી ફૂટી નીકળતી અંત-વાણીની 'વાણી-બત્રીસી' માણો અને બત્રીસી દેખાડી જાણોઃ
બહાર વર-સાદ
ઘરમાં વહુ-સાદ.
** ** **
ગાદી ઉપર ખાદીના કવર
ખાદી ઉપર ગાદીના લવર.
** ** **
વિપક્ષો ઓઢાડે આળ
જનતાની લેતું નથી કોઈ ભાળ
આને જ શું વિકાસ કહેવાય?
જ્યાં ડ્રાયફ્રૂટના ભાવે વેંચાય દાળ?
** ** **
બેનું વજન ન હોય
એક ધાણીનું અને બીજું ધણીનું.
** ** **
અમદાવાદી શોખીનો ન્યારા છે
જાહેરમાં ઝૂલતા મિનારા છે
ખાનગીમાં ઝૂમતા પીનારા છે.
** ** **
મારૂં સદભાગ્ય કે
માસ્ક મળ્યો મોઢું સંતાડવા
સહુની ઉધારી ચૂકવવા બેસું તો
વરસોના વરસ લાગે.
** ** **
નડે ઈ સંત નહીં
પડે ઈ દંત નહીં.
** ** **
વધ્યા પછી ઘટે નહીં
પેટ અને રેટ.
** ** **
સઃ ગળેપડું કન્યા માટે કયું ફિલ્મી ટાઈટલ બંધ બેસે?
જઃ હસીના 'માંડ' જાયેગી.
** ** **
ગુજરાતમાં ઉના છે
મહારાષ્ટ્રમાં પૂના છે
મધ્ય પ્રદેશમાં ગુના છે.