Get The App

શિયાળામાં શાક, પાક અને ધણિયાણીની ધાક

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
શિયાળામાં શાક, પાક અને ધણિયાણીની ધાક 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'હા ભાઈ હા, તારી વાત સાચી. હમણાં મહારાષ્ટ્રમાં  ચૂંટણી ગઈ એમાં વિપક્ષી ગઠબંધનવાળા ઉમેદવારો  હારીને ધોયેલા  મૂળાની જેમ જ પાછા આવ્યાને? હાલ દઈ  દે વીસ રૂપિયાના મૂળા.'

પોલીસ ઘણીવાર શકમંદ આરોપીને પકડે છે એમ પથુકાકાને એમના શાકપ્રેમી ધણિયાણીને શાક-મંદ તરીકે સપાટામાં લઈ શિયાળામાં રોજ લીલા શાકભાજી લેવા મોકલે.

પથુકાકા માસ્તર તરીકે રિટાયર થયા પછી પણ બધા એને સર- સર તરીકે જ સંબોધે એટલે જેવા પથુકાકા એમની ખાદીની થેલી લઈને સવારે શાક લેવા નીકળે ત્યારે ઘણા કહે પણ ખરા કે જુઓ શાક-સર જાય... એટલે હું પથુકાકાને કાયમ કહું કે તમે ભલે ઊંડો અભ્યાસ કરીને સાક્ષર ન બન્યા, પણ શાક લેવા નીકળીને શાક-સર તો બની ગયાને?

મારી ટકોર સાંભળીને પથુકાકા હસીને કહે પણ ખરા કે ,'આજકાલ ઊંડો અભ્યાસ કરીને કે પછી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવીને નામની આગળ ડોકટરનું  ડિંટીયું લગાડી ફરતા એવા કેટલાય સાક્ષર ભટકાય છે જેને વાલોળ ને વટાણામાં, ગુવાર અને ગાજરમાં, મૂળા અને મેથીમાં કે પછી તુવેર અને ટીંડોરામાં શું તફાવત હોય છે એનું પણ ભાન નથી હોતું. આવા સાક્ષર કરતાં મારી જેવા શાક-સર શું ખોટા?'

શિયાળામાં (હો)બાળાકાકી એવાં શાકમય બની જાય કે સવારે ચા પીને હજી માંડ પથુકાકા હિંચકે બેસે ત્યાં હાથમાં થેલી વળગાડી ઓર્ડર છોડે, 'જાવ શાક લઈ આવો શાક. લીલૉ શાકભાજી ખાવા ભાવે છેને? તો લાવતાય શીખો.'

કાકીની શાકની આ ધાકથી ઘૂંઘવાઈને પથુકાક થેલી ઉલાળતા મારા ઘરે આવે. કાકાની થેલીના દૂરથી દર્શન (દૂરદર્શન) થાય એટલે ટેલિવિઝન નહીં, પણ થેલીવિઝન જોઈને સમજી જાઉં કે માર્કેટમાં જવા માટે કાકા મને લઈ જશે. છતાં હું   પૂછુંખરો કે પથુકાકા ક્યાં જવું છે? 

મારો સવાલ સાંભળીને કાકા ગુજરાતી  અને અંગ્રેજીની મિલાવટ વાળી ગુજરેજીમાં કહેશે, 'માર-બિલાડી... માર-બિલાડીએ જવાનું છે.' હું પૂછું કે માર-બિલાડી એટલે બિલાડીને મારવા જવાનું છે? ત્યારે ખડખડાટ હસીને કહેશે, 'માર-બિલાડી એટલે ગુજરેજીમાં માર-કેટ, હવે સમજાયું?'

અમે  ઉપડીએ શાક લેવા માર્કેટમાં અને માર્કેટમાં બન્ને તરફ શિયાળાનાં તાજાં શાકભાજીનાં ટોપલાં લઈને બેસતા ભૈયાજીઓને જોઈને કાકા રંગમાં આવી ગાવા માંડે કેઃ યે હરિયાલી ઔર યે રાસ્તા...

આજે વળી કાકીએ ચીઠ્ઠીમાં લખી દીધું હતું કે શાકમાં શું લાવવાનું છે એટલે ચીઠ્ઠી વાંચીને ખિસ્સામાં મૂકી પથુકાકા સીધા મૂળા વેંચતા ફેરિયા પાસે ગયા. મને કહે કે કાકીએ મૂળાની કઢી બનાવવા માટે  મૂળા મંગાવ્યા છે.

સરસ સફેદ અને લીલા પાંદડાંવાળા મૂળા જોઈને કાકાએ સવાલ કર્યો કે મૂળા તાજા  છેને? ભૈયો બોલ્યો, 'અરે કાકા, વાડીએથી ધોઈને તમારા માટે તાજા મૂળા લાવ્યો છું.' જવાબ સાંભળી પથુકાકા ટેવ મુજબ ટકોર કરતા બોલ્યા , 'હા ભાઈ હા, તારી વાત સાચી. હમણાં મહારાષ્ટ્રમાં  ચૂંટણી ગઈ એમાં વિપક્ષી ગઠબંધનવાળા ઉમેદવારો  હારીને ધોયેલા  મૂળાની જેમ જ પાછા આવ્યાને? હાલ દઈ  દે વીસ રૂપિયાના મૂળા.'

અમે ધીમે ધીમે આગળ વધતા હતા. મેં કહ્યું, 'કાકા, શિયાળામાં તો લીલાં શાકભાજી કાચા ખાવા જોઈએ કાચા, એમાં બહુ સત્ત્વ હોય છે, તમને ખબર છે?' પથુકાકા બોલ્યા, 'અરે ભાઈ, આ તારી કાકી મારી સાથે પરણીને આવી ત્યારથી કાચું જ ખવડાવે છેને?  શાક ય કાચું, દાળ ય કાચી  અને ભાત ય  કાચા. એક તારાં કાકી પાક્કા... બોલ, હવે તારે કંઈ કહેવું છે?'

હું અને કાકા શાક માર્કેટમાં ફરતા હતા  ત્યાં એક દસ-બાર વર્ષના બાળકને લીલી ભાજી વેચવા બેઠેલો જોયો. ગ્રાહક આવે તો ભાજીની જૂડી આપે અને વળી પાછો નોટમાં ગડબડિયા અક્ષરમાં દાખલા ગણતો જાય. કાકા ભાજી જોઈને રાજી રાજી થઈ ગયા. પહેલાં તો ટેણિયાને પૂછ્યું કે શેનું લેશન કરે છે? ત્યારે બાળકે જવાબ આપ્યો,' બપોરે સ્કૂલે જાઉં છું એનું હોમવર્ક કરૃં છું.'

કાકાએ મેથીની ભાજી લીધી, તાંદળજાની ભાજી લીધી. લાલપાનની ભાજી લીધી. પછી ટેણિયાને પૂછ્યું,ે 'બેટા, પાલક નથી પાલક?' ત્યારે સ્માર્ટ ટેણિયાએ હૈયા સોંસરવો ઉતરી જાય એવો જવાબ આપ્યો, 'દાદા, 'પાલક'નથી એટલે તો મારે આ  ઊંમરે ભાજી વેંચવાનો વારો આવ્યો છે.' જવાબ સાંભળીને કાકાની આંખોના ખૂણાં ભીના થઈ ગયા અને વધુ બે મેથીની જૂડી ખરીદી લીધી અને આગળ  વધતાં ગુજરેજીમાં મને કહ્યું, 'કમનસીબ બાળકના કેવા 'પા-લક' કહેવાય!'

ઘર તરફ જતા હતા ત્યાં કાકાએ મને ચેતવણીના સૂરમાં કહ્યું, 'ઘરે જઈને તારી  (હો)બાળાકાકીને ભાર દઈને કહેજે કે નાના બાળકને  મદદ કરવા માટે જરૂર નહોતી છતાંય મેથીની બે જૂડી ખરીદી હતી, સમજાયું? નહીંતર તારી શકી સ્વભાવની શકીલાબાનુ ચાચી શંકા કરશે કે નક્કી કોઈ શાક વેંચનારીને  અમથી અમથી રાજી કરવા મેથીની બે જૂડી ખરીદી લીધી હશે.'

મેં પૂછ્યુ,ં 'કાકા, ખરેખર (હો)બાળાકાકી આવી નાની નાની વાતમાં શક કરે છે?' ત્યારે કાકા બોલ્યા કે 'તારી કાકી એકલી શકી સ્વભાવની નથી. આવાં કૈંક બૈરાં પોતાના ધણી પર નાની નાની બાબતોમાં શંકા કે લઘુ-શંકા કરી કરીને ઊંબાડિયા કરે છે. શિયાળામાં વલસાડ કે સુરત બાજુ  ઊંબાડિયું ખાધું છે તેં? બધાં શાક માટલામાં નાખી તેલ મસાલો ભેળવી માટલાનું મોઢું (માટલાનું મોઢું બંધ થાય મહિલાનું નહીં) બંધ કરી  ખાડામાં મૂકી ઉપર તાપણું કરે. પછી એ શાક બરાબર બફાઈ જાય ત્યારે પ્લેટમાં ગરમાગરમ પીરસાય અને ઉપર ખટમીઠી ને તીખ્ખી ચટણી ઉમેરાય એટલે પછી એનો એવો ટેસ્ટ આવે કે માણસ આંગળા ચાટતા રહી જાય.'

મેં કાકાને કહ્યું, 'કાકીને ઘરે જઈને કહેજો કે શક કરી કરી અમથાં ઊંબાડિયાં કરવાને બદલે ખરેખર ઊંબાડિયાની રેસીપી શીખી જાવને!'

મારી વાત સાંભળી કાકા ઊંબાડિયામાંથી નીકળતી ગરમાગરમ વરાળ જેવો નિસાસો નાખી  બોલ્યા,  'શાકાહારીએ દુનિયા તારી, બાકી તો શંકાશીલ 'શકા-હારી' સામે તો દુનિયા હારી...'

અંત-વાણી

ધણિયાણી શિયાળામાં ધણીને

જાતજાતના પાક ખવડાવી

પાકમાં રાખે,

બાકી આખું વર્ષ

ધાક-ધમકીથી ધણીને 

ધાકમાં રાખે.


Google NewsGoogle News