ભાષાવાદના ભૂતને નાથો, ઈશારાની ભાષાને બનાવો હાથો

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ભાષાવાદના ભૂતને નાથો, ઈશારાની ભાષાને બનાવો હાથો 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'આપણા લોકપ્રતિનિધિઓને આ સાઈન લેન્ગવેજ ફરજિયાત શીખવી દીધી હોય તો ગૃહમાં કેવી શાંતિ જળવાય! બૂમબરાડા પાડીનેે ખોટો દેકારો તો ન મચાવે! અને હોબાળો મચાવવા બદલ સસ્પેન્ડ તો ન કરવા પડે!'

વાણી અને પાણી કાં તારે અને કાં ડૂબાડે. પાણીદાર વાણી જોઈએ, સાવ પાણી જેવી વાણી ન જોઈએ. મહાપાલિકાવાળા ક્યારેક પાણી-કાપ મૂકે છે, પણ હજી સુધી કોઈ વાણી-કાપ મૂકી શક્યું નથી. બાકી તો કહેવત છે ને કે, બોલે એના બોર વેંચાય અને ન બોલે એના ઢોર વેંચાય... 

મારૃં છેલ્લું વાક્ય બરાબર પકડીને પથુકાકા તરત બોલી ઉઠયા, 'રાજકારણમાં પણ બોલકા નેતાની જ બોલબાલા છેને? અગાઉના વડા મોઢું ખોલતાં જ નહીં અને અટાણના વડા મોઢું બંધ નથી રાખતા. પાણીદાર વાણી છૂટથી વાપરી જાણે એને કહેવાય વાણી-આ, અને બોલે જ નહીં એને કહેવાય ન-વાણીઆ. આવા ન-વાણીઆ કૂટાઈ જાય છેને?'

મેં કહ્યું, 'કાકા, તમારા ઘરમાં શું સ્થિતિ છે?' કાકા બોલ્યા, 'તને તો ખબર છે કે તારી (હો)બાળાકાકીની જીભ કેવી લાંબી છે. આખો દિવસ બોલ બોલ કરીને મારૃં માથું કાણું કરી નાખે. પાણીની જેમ એ વહાવે વાણી એમાં સંસાર થાય ધૂળ-ધાણી.'

મેં પૂછ્યું કે, 'તમારે કાયમ મૂંગા જ રહેવું પડે? કાકીનો કકળાટ સાંભળી કાનમાં ધાક ન પડી જાય?' કાકા બોલ્યા, 'તારી કાકી શિયાળામાં ગુંદરપાક, સૂંઠપાક, બદામપાક જેવાં જુદાં જુદાં પાક ખવડાવીને ચાર મહિના મને પાકમાં રાખે અને બાકીના ૮ મહિના કકળાટ કરી કાનમાં ધાક પાડી મને ધાકમાં રાખે. હવે એનું બ્લડ ગુ્રપ જ એ-ટોકેટીવ હોય પછી શું થાય?'

મેં કહ્યું, 'કાકા હમણાં ઉત્તર ભારતના હિન્દી અખબારમાં સમાચાર વાંચ્યા. મૂક-બધિર સંસ્થાની ચાર કન્યાઓને માટે યોગ્ય મૂરતિયો ગોતવા માટે છાપામાં લગ્ન સંબંધી જાહેરાત આપવામાં આવી. આ જાહેરાતને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. સાજા-નરવા કેટલાય જુવાનિયા પરણવા માટે તૈયાર થઈ ગયા. બોલો કેવી નવાઈ લાગે?'

પથુકાકા બોલ્યા, ' ઘરવાળી કંઈ બોલે જ નહીં એ કયા ધણીને ન ગમે? એટલે ભવિષ્યમાં સંસારમાં શાંતિનાં સપનાં જેતીમ જુવાનિયાઓ એટલે જ મૂક-બધિર કન્યાઓ સાથે પરણવા તૈયાર થઈ ગયા હશે, બરાબરને?'

મેં તરત  પૂછ્યું, 'કાકી સાથે તમારી સગાઈ થઈ ત્યારે તમને જરાય અણસાર નહોતો આવ્યો કે એ હરતાંફરતાં બડબડ કરવાની આદતવાળા લાઈવ 'વોકી-ટોકી' બની જશે?'

કાકાએ જવાબ આપ્યો, 'સગાઈ થઈ ત્યારે તો જાણે એના મોઢામાં જીભ જ નહીં. એને સગાઈ પછી પહેલીવાર રાજકોટની કોઈ ટોકિઝમાં ફિલ્મ જોવા લઈ ગયો. એ ફિલ્મ હતી સુનીલ દત્ત-મીનાકુમારીની 'મેં ચૂપ રહૂંગી'. ફિલ્મ પૂરી થયા પછી ચૂપચાપ ઘરે આવી. ત્યારે મને આ કલ્પના હતી કે પરણીને પછી એ મને ચૂપ કરી દેશે અને કહેશે કેઃ  મેં ચૂપ કરૃંગી!'

મને ઓચિંતુ યાદ આવ્યું એટલે કાકાને પૂછ્યું, 'હમણાં તમે કાકીને ઈએનટી (ઈયર, નોઝ, થ્રોટ) ડોકટર પાસે કેમ ગયાં હતાં?' કાકાએ જવાબ આપ્યો, 'અરે હા, એની જ મજેદાર વાત કહું. તારી કાકીને કાનમાં તકલીફ થઈ એટલે મહારાષ્ટ્રીયન ડોકટર કાનવિંધે પાસે લઈ ગયો. અમારો વારો આવ્યો એટલે ડોકટરે પૂછયું કે બોલો કાકા, શું તકલીફ છે તમારી વાઈફને? મેં કહ્યું, સાહેબ, એ સાંભળતી નથી. રમૂજી ડોકટરે તરત કહ્યું કે તમારી વાઈફને જો સંભળાતું ન હોય તો હું ઈલાજ કરૃં, બાકી સાંભળતી ન હોય તો કોઈ વકીલનો કોન્ટેકટ કરો...'

મેં હસીને કહ્યંુ, 'કાકા, આ કાનવિંધે ડોકટર ખરા હો! આપણામાં કહેવત છેને કે પારકી મા કાન વીંધે... એમ  પારકા ડોકટર કાનવિંધે કાકીને બરાબર ઓળખી ગયા. તમે કાકીને ન કહી શક્યા એ ડોકટરે કહી દીધું, બરાબરને?'

હું અને કાકા વાતો કરતા હતા ત્યાં બપોરે મૂક-બધિર માટેના સમાચાર ટીવીમાં શરૂ થયા. ન્યુઝ રીડર સમાચાર વાંચતી જાય અને બાજુમાં ઊભેલી મહિલા હાથ અને આંગળાના ઈશારાથી એટલે કે સાઈન લેન્ગવેજથી સમાચાર કહેતી જાય. આ જોઈ કાકા નવાઈ પામીને બોલ્યા, 'આ સાઈન લેન્ગવેજ તો ગજબ કહેવાય. માત્ર હાથ અને આંગળાના ઈશારાથી કેવું સમજાવે છે!  મને તો થાય છે કે હું અને તારી કાકી બન્ને મૂક-બધિર શાળામાં જઈને આ સાઈન લેન્ગવેજ શીખી જઈએ તો ઘરમાં કેવી શાંતિ થાય? ગમે એવો ઝઘડો થાય. તો પણ આડોશીપાડોશીને ખબર જ ન પડેને?' 

મેં કહ્યું, 'કાકા, મૂંગેમૂંગા ઝઘડો કરો. એમાં વાત વણસે તો કાકી ચૂપચાપ ચોટિયા પણ ભરી શકે છે એ ખ્યાલ રાખજો હો!'

કાકાને મેં પાકિસ્તાનની વાત કરી. લાહોરમાં એક હોટેલ છે. એમાં સાંજ પડે એટલે કાયમના કસ્ટમરો ભેગા થાય. જુદાં જુદાં ટેબલ ઉપર પાકિસ્તાનની ખાડે ગયેલા અર્થતંત્ર, દુનિયાના રાજકારણ, પાડોશી દેશ સાથે  વણસેલા સંબંધો વગેરે વિષય પર ગરમાગરમ ચર્ચા ચાલતી હોય. છતાં આજુબાજુમાં બેઠેલાને જરા પણ અવાજ ન સંભળાય કે જરા પણ ખલેલ ન પહોંચે, બોલો!'

નવાઈભેર કાકાએ સવાલ કર્યો,  'આટલી ઉગ્ર ચર્ચા ચાલતી હોય છતાં કોઈને જરા પણ અવાજ ન આવે એનું શું કારણ?

મેં કહ્યું, 'કારણ એ કે એ હોટેલ મૂક-બધિરો માટેની છે. કસ્ટમર પણ મૂક-બધિર અને હોટેલના વેઈટરો પણ મૂક-બધિર, એટલે બધો જ વહેવાર સાઈન લેંગવેજથી જ ચાલે. કેવી શાંતિ લાગે!'

પથુકાકા બોલ્યા, 'મને વિચાર આવે છે કે આપણા લોકપ્રતિનિધિઓને આ સાઈન લેન્ગવેજ ફરજિયાત શીખવી દીધી હોય તો ગૃહમાં કેવી શાંતિ જળવાય! બૂમબરાડા પાડીનેે ખોટો દેકારો તો ન મચાવે! અને હોબાળો મચાવવા બદલ સસ્પેન્ડ તો ન કરવા પડે!'

અંત-વાણી

સઃ ભાષાવાદના વિવાદને નાથવા કયો ઉપાય અજમાવાય?

જઃ  સાઈન લેન્ગવેજનો.

**  **  **

ભાષાવાદના ભૂતને નાથો

ઈશારાની ભાષાને બનાવો હાથો.


Google NewsGoogle News