ભાવના ભૂતને ભગાડવા ભૂતાવળ...ચૂંટણીની ઉતાવળ
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ગઈકાલે મધરાતે નાઈટ ડયુટી બજાવતા શેરીના ડોન જેવા શેરી-ડોન કૂતરા ભાવ... ભાવ... ભાવ... કરતા એક સાથે કોરસમાં ભસવા માંડયા. ઊંઘ બગડતા કાકા તાડૂક્યા, 'આ કૂતરાઓની ભસેન્દ્રીય કેવી તેજ છે! ભસતાં ભસતાં થાકતાં જ નથી.' મેં કહ્યું , 'કાકા, કૂતરાને ભૂત અને પ્રેતાત્મા દેખાય એટલે ભસે, એવું લોકો માને છે. આપણી શેરીના કૂતરા ભૂત જોઈને ભસતા હશે બીજું શું? હવે સૂઈ જાવ છાનામાના...' મારી વાત સાંભળીને ફફડી ઉઠેલા કાકાએ ઊભા થઈને લાઈટ કરી અને બોલ્યા, 'ભૂતની વાત કરી છે તો ખબરદાર...'
મેં પૂછ્યું, 'ભાવની ભૂતાવળને નાથવાનો ઉપાય શું?' કાકા બોલ્યા, 'આ ચૂંટણી આવશે ને ત્યારે ભાવવધારાના ભમતા ભૂતો ભ...ફ કરતા ભડકો થઈ જશે, જોજે તો ખરો! એટલે લોકો પણ ઈચ્છે છે કે ઝટ ચૂંટણી આવે તો સારૃં. એટલે જ હું કહું છું ને કે વધતા ભાવના ભૂતની ભગાડવા ભૂતાવળ સહુને છે ચૂંટણીની ઉતાવળ...'
કાકાની વાતમાં સૂર પૂરાવતા મેં પણ એક જોડકણું નહીં, પણ તોડકણું ફટકાર્યું :
'કોઈ ભાવને ભડકાવે
તો કોઈ ભાવના ભડકાવે,
ભાવની ભયાનક ભૂતાવળ
ભાવ ભાવ કરતા કૂતરાને હડકાવે.'
એક વર્તમાન ભૂતકથા
અમાસની રાત છે. ચારે તરફ ઘોર અંધારૃં ં છે. કબ્રસ્તાનમાં સન્નાટો છે, પણ દૂર દૂર કૂતરાઓ રોતા હોય એવો અવાજ આ વાતાવરણને બિહામણું બનાવે છે. કોઈ ભાભીએ રાતે આપેલી વાસી રોટલી ખાધા પછી પેટમાં આંકડી આવવાથી કૂતરાઓ નાઈટ શિફટમાં રોવામાંથી ઊંચા નથી આવતા. કબ્રસ્તાનની દીવાલને પણ જાહેરખબરની કંપનીવાળાએ કોરી નથી રાખી. એના પર લખ્યું છે, 'જબ દેખો શબ દેખો - શબ ટીવીની શબવાહિની.'
અચાનક ક...ર...ર...ર... અવાજ સાથે એક કબરની ઉપરનો પથ્થર ધીરે ધીરે ખસી જાય છે. સીડલેસ ખજૂરની જેમ એક હેડલેસ ધડ બહાર આવે છે. આમતેમ અથડાય છે, ઘૂમરી લે છે, પછડાય છે, પટકાય છે. કોઈ પણ ખાતામાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ન હોય તો કેવી દશા થાય? હેડલેસ ધડની એવી જ દશા છે. એને માથેમાથું નથી (મુંબઈગરાની જેમ) એટલે ફેસરીડીંગ કરી ભવિષ્ય જાણવું મુશ્કેલ છે. હા, એ ભૂત છે એટલે ભૂતકાળ જાણી શકાય છે. મથાળા વિનાના સમાચાર જેવું ઘડ આડેધડ ભટકે છે. છાતીએ ચેઈનમાં ભરાયેલું આઈકાર્ડ લટકે છે. એટલે સહેજે અનુમાન લગાડી શકાય કે નક્કી અવગતે ગયેલા કોઈ સરકારી અમલદારનું ભૂત હશે. થોડીવારમાં ઘડ જાણે કોઈની ધડ-પકડ કરવા નીકળ્યું હોય એમ વારાફરતી બધી કબરોનો રાઉન્ડ લેવા માંડે છે. ક્યાંકથી મીણબત્તી તો કયાંકથી દીવો, ક્યાંકથી ફૂલ તો ક્યાંથી હાર ઉપાડી ઉપાડીને ખિસ્સામાં સેરવે છે. જીવની સાથે જૂની ટેવ થોડી જ જાય? ખરો ઉધમ મચાવ્યો છે આ અમલદારના આત્માએ. ઝાંપા પાસે બેસીને આ તાલ જોયા કરતો બુઢ્ઢો રખેવાળ પાસે પડેલું એક ભૂંગળું ઉપાડીને ત્રણ વખત રાડ પાડે છે, 'સીબીઆઈ આયા, સીબીઆઈ આયા, સીબીઆઈ આયા... આ રાડ સાંભળતાંની સાથે જ અમલદારનું ધડ ઠેકડો મારીને પોતાની કબરમાં ઘૂસીજાય છે અને ધડાક અવાજ સાથે પોતાની કબર ધડબેસલાક બંધ કરી દેછે.
બુઢ્ઢો રખેવાળને મેં પૂછ્યું કે, ભૂત જોઈને બીક નથી લાગતી? રખેવાળે કહ્યું , 'ડર તો જીવતાથી લાગે, આ મરેલાથી શું બીવાનું? હજી તો રાત જામવા દો. આજે અમાસ છે ને એટલે કબ્રસ્તાન ક્લબમાં ભૂતોના મનોરંજન માટે જાતજાતના પ્રોગ્રામ ગોઠવાયા છે.'
ફનફેરને બદલે ક-ફનફેરનાં બોર્ડ દેખાવા માંડયાં, ડાકણ ડિસ્કોથેકની લાઈટ લબુઝબુ થવા માંડી ને ખૂણે એની મેળે ઊભા થઈ ગયેલા પબમાં કોકટેલ પાર્ટી શરૂ થઈ ગઈ. જીવતાંય કંઈકનું લોહી ચાખી ગયેલા આ જીવો ટેસથી બ્લડજ્યુસ મેળવી બ્લડીમેરી પીવા માંડયા. અચાનક ધમાકો થયો અને રેમ્પ પર એક પછી એક સ્ત્રીના ઓળા લટકમટક કરતા આવવા માંડયા. મેં રખેવાળને પૂછ્યું કે, 'આ શું છે?' રખેવાળે બીડીનો કશ લઈને કહ્યુ, 'આ ભૂતોનો ફેશન શો છે.' મારાથી વળી પૂછાઈ ગયું , 'પણ ફેશન શોમાં ભૂતનીઓએ કપડાં પહેર્યા હોય એવું તો લાગતું ન'તી.' રખેવાળે દાઢમાંથી જવાબ દીધો, 'ઓછાં અને આછાં કપડાં પહેરીને સુંદરીઓ નીકળે એનું નામ જ ખરો ફેશન શો.' ફેશન શો પૂરો થયો. ફેશન શોના હોસ્ટ - સોરી, ઘોસ્ટ - અને પલીત કલામંદિરના પ્રમુખે સૌથી સુંદર ભૂતડીને તાજ પહેરાવી અને ભૂતાનના રાજવીએ મોકલેલી શાલ ઓઢાડી. તાળીઓના ગડગડાટ વચ્ચે શોને અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો. વિજેતા ભૂતડીએ નવો ચીલો પાડીને સામે બેઠેલા જજો (ઘરે જજો)ને એક સવાલ પૂછ્યો, 'બોલો સાહેબો, હું સુંદર છું એ ક્યો કાળ કહેવાય?' બધા જજો એકસાથે બોલી ઊઠયા, 'ભૂતકાળ.. ભૂતકાળ...'
મને કોણ જાણે, ભૂતોના જીવન વિશે જાણવાની પહેલેથી જ તાલાવેલી. બંધારણે બધાને રહેવાનો અને મુક્તપણે વિચારવાનો (નેતાઓને ચરવાનો) અધિકાર દીધો છે. રેશનિંગના જમાનામાં હવે તો ભૂતિયા રેશનકાર્ડ બનવા માંડયાં છે અને ભૂતિયા પાસપોર્ટ પર પણ ફોરેનની સેર કરવા માંડયા છે.
મુંબઈ નવો આવ્યોત્યારે રહેવાની ક્યાંય જગ્યા ન મળે. માંડ માંડ બોરીવલીમાં દૂરના લત્તામાં એક રૂમ ભાડેથી મળી. ઘરધણીએ હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું. બે દિવસ વાંધો ન આવ્યો. ત્રીજા દિવસે ગજબ અનુભવ થયો. રાતે સુતો હોઉં ત્યારે કોઈ ચાદર ખેંચે. લાઈટ કરું તો ભ...ફ અવાજ સાથે ભૂતનો ઓળો ગુલ થઈ જાય. અઠવાડિયા પછી મારવાડી ઘરધણી પાસે ગયો અને ફરિયાદ કરી કે, 'રોજ રાતે ભૂત હેરાન કરે છે. ભૂતનો વાસ છે તોય કેમ હજાર રૂપિયા ભાડું લો છો?' ઘરધણીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, 'શું વાત કરો છો? મને તો ખબર જ નહીં. હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું ને? લાવો, ભાડાચિઠ્ઠીમાં ફેરફાર કરી દઉં.' મેં મનમાં વિચાર્યું કે, હાશ, કડકીમાં આ શેઠ ભાડું ઘટાડી દેશે. ઘરધણીએ ભાડા ચિઠ્ઠીમાં છેકછાક કરીને મને પાછી આપતાં કહ્યું, 'હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું, બરાબર? આવતા મહિનેથી તમારે બારસો રૂપિયા આપવાના.' મેં રીતસર ચીસ પાડી,'બસો રૂપિયા વધારે કેમ આપવાના?' ઘરધણીએ ખંધુ હસીને કહ્યું, 'તમે ક્યાં એકલા રહો છો? રાત્રે ભૂત પણ આવે છેને! એટલે પેટાભાડૂતના પૈસા લઉં કે નહીં?'
ઘરની કાયમ પળોજણને લીધે મને એક વાત યાદ આવી ગઈ. એક બહેન ચોરબજારમાંથી એન્ટિક પીસ તરીકે દીવો લઈ આવ્યા. ઘરે આવ્યા પછી ખબર પડી કે નક્કી આ જાદુઈ ચિરાગ લાગે છે. એમણે તો ચિરાગને ખાતરી કરી લેવા માટે જમીન પર ઘસ્યો. તરત જ ધુમાડાના પોલ્યુશન વચ્ચેથી નાક દબાવીને જીન બહાર આવ્યો. કુરનિસ બજાવીને વિવેકથી પૂછ્યું, 'બોલો બહેન, શું હુકમ છે? તમારા પતિને જે રીતે હુકમ કરો છે એ જ રીતે મનેય હુકમ કરી જુઓ. હું જીન નહીં, વર-જીન છું. ચપટી વગાડતાંની સાથે જ કામ કરી દઈશ... ઓર્ડર... ઓર્ડર....' બહેને તો હરખાઈને કહ્યું, 'એમ વાત છે? તો હે જીન, મને ભૂલેશ્વરની આ સાંકડી ચાલીની ખોલીમાંથી છોડાવ. એક આલીશાન ફલેટમાં ગોઠવી દે.'
માગણીથી હેબતાઈ ગયેલો જીન બે ડગલાં પાછળ હટી ગયો અને રોતલ અવાજે બોલ્યો, 'મુંબઈમાં જગ્યાનો જ પ્રોબ્લમ છેને? તમને મોટું ઘર દેવાની ત્રેવડ મારામાં હોત તો હું શું કામ આ સાંકડા ચિરાગમાં ટૂંટિયું વાળીને પડયો રહેત...' બસ, આટલું કહીને પોતાના જાદુઈ ચિરાગમાં કોઈ બીજો ભાડૂત ઘૂસી જાય એ પહેલાં જીન ફટાક દઈને અંદર ચાલ્યો ગયો.
અંત-વાણી
પીડિત પતિ કહે કે
ક્યાં પ્રેંમ-બ્રેમ છે?
ભૂત અને પ્રેમાળ પત્ની
માત્ર મનના વહેમ છે.