For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે વડીલો મુકે તડકે, એની સામે સહુ ભડકેે

Updated: Apr 23rd, 2024

જે વડીલો  મુકે તડકે,  એની સામે સહુ ભડકેે

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી

- નેતાઓ પાર્ટી બદલીને બીજી પાર્ટીના મોભી સામે નવેસરથી  ઘૂંટણિયે પડવા માંડે છે. આ ઘૂંટણી બદલવાની શસ્ત્રક્રિયાને જ 'ની-રિપ્લેસમેન્ટ સર્જરી' કહે છે.

પથુકાકાના ઘરે સવારે સંપેતરૂં આપવા ગયો. કાકીને પૂછ્યું , 'કયાં ગયા કાકા?' (હો)બાળાકાકીએ જવાબ આપ્યો, 'તારા કાકા ચાલે વાંકા એટલે એને સીધા કરવા મૂક્યા છે તડકે... ભલે પછી ભડકે.'

હું તો સાંભળીને ઘડીભર અવાક્ થઈ ગયો. ત્યાં તો કાકીએ જ ફોડ પાડયો, 'તારા કાકાને ઘૂંટણમાં દુઃખાવો છે, એટલે ડોકટરે તડકામાં બેસવા કહ્યું  છે, જેથી વિટામીન-ડી મળેને?' મનમાં મેં કહ્યું ઃ ધણીને તડકે મૂકે એવી જોરુકી વહુ ભાગ્યમાં ભટકાય એને વિટામીન-ડી નહીં, પણ વિટંબણા બાય-ડી મળી કહેવાય!

કાકીને ખરાબ ન લાગે માટે એમનો પક્ષ તાણતા કહ્યું, 'કાકી, જેના ધણી કાકાની જેમ વાંકા ચાલતા હોય એની ધણિયાણીએ ધણીને તડકે જ મૂકવા જોઈએ, તો જ સીધા ચાલે.'

બાલ્કનીમાં તડકામાં બેસી મફતમાં વિટામીન-ડી મેળવતા કાકાને મેં કહ્યું,    'સોલર એનર્જી બરાબર મળે છેને?  નિટામીન-ડીની મોંઘી ગોળી ગળવા કરતાં વગર ખર્ચે તડકે બેસી વિટામીન-ડી મળે એમાં શું ખોટું છે?' પથુકાકા બોલ્યા, 'ઘૂંટણનો દુઃખાવો મટાડવા સૂરજનો તાપ અને તારી કાકીનો સંતાપ (ગુજરેજીમાં કહેવાય સન-તાપ) સહન કરવો જ પડે ને?'

મેં કહ્યું, 'કાકા, હું તમને યાદ અપાવવા આવ્યો છું. આજે રવિવાર છે એટલે આપણે વૃદ્ધાશ્રમમાં ફ્રુટ આપવા નથી જવાનું?' મારી વાત સાંભળી કાકા તરત ઊભા થઈ ગયા. પેન્શનમાંથી બચાવેલા પૈસા બટવામાં લઈ, મારો ટેકો લઈ નીકળી પડયા. વળી ટકોર કરવાનું ભૂલ્યા નહીં કે, 'રાજકારણ હોય કે સમાજકારણ, ટેકા વગર આગળ વધવું મુશ્કેલ. મારા જેવા કોઈ વળી વટવાળા હોય જે કોઈને ઘૂંટણીયે ન પડે તો એને જ ઘૂંટણની પીડા સહેવી પડે. આ ક્યાંનો ન્યાય?'

સવારના સમયે ફળની ટોકરી લઈને હું અને કાકા વૃદ્ધાશ્રમમાં દાખલ થયા. પ્રવેશદ્વારની પાસેના ચોકમાં દસ-બાર સિનિયર સિટીઝનો હારબંધ  ગોઠવેલી ખુરશીમાં બેસી સવારનો કૂણો તડકો ખાતા હતા. પથુકાકાએ સહુનેહળવાશથી કહ્યું, 'ગીતાજીમાં કહ્યું છે કે ફળની આશા ન રાખવી, પણ તમે દર રવિવારે ફળની આશા  રાખજો, હું ગમે ત્યાંથી ફળ લઈને પહોંચી જઈશ.'

વૃદ્ધાશ્રમમાંથી બહાર આવીને અમે રિક્ષામાં બેઠા ત્યારે વૃદ્ધાશ્રમમાં હારબંધ બેઠેલા વૃદ્ધજનોને યાદ કરી કાકા બોલ્યા,'તારી કાકી મને તડકે મૂકવાનું કહેતી હતીને? પણ વૃદ્ધાશ્રમમાં તે નજરે જોયુંને કેટલા બધા સંતાનોએ પોતપોતાના વડીલોને તડકે મૂકી દીધા છે?'

મેં કહ્યું, 'કાકા, સગા દીકરા ઊઠીને મા-બાપને ઘરડાઘરમાં મૂકી આવે ત્યારે  એમને કેવો આંચકો લાગતો હશે?' કાકા બોલ્યા, 'અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટવાળી આપણી ગુજરેજી ભાષામાં દીકરાઓ તરફથી વડીલોને આંચકો આપવામાં આવે એને એક શબ્દમાં શું કહેવાય ખબર છે? સન-સ્ટ્રોક અથવા અગાઉ કહ્યું એમ, સન-તાપ.'

હું અને કાકા ઘરે પહોંચ્યા ત્યારે કાકીએ અંદરથી રાડ પાડી, 'ઘડીકવાર ઓટલે પાથરેલી ખુરશીમાં બેસી તડકો ખાવ, એટલી વારમાં હું સાફસફાઈ પતાવી દઉં.'

કાકા તાડૂક્યા, 'તડકામાં ક્યાં બેસે? આ નાસ્તો કર્યા વિના ગયા હતા એટલે કકડીને ભૂખ લાગી છે, પહેલાં કંઈક ખાવાનું તો આપ?' કાકાની ફરમાઈશ સ્વીકારી કાકી ધૂંઆપૂંઆ થતાં હાથમાં મુંગ-દાલનું પડીકું લઈને આવ્યાં  અને કાકાના હાથમાં પડીકું આપી બરાડયાં, 'આ લ્યો દાલ... તડકામાં બેસીને મજેથી ખાવ દાલ-તડકા.'

આ સાંભળીને નિસાસો નાખી પીડિત-પતિના અવાજમાં પથુકાકા બોલ્યા, 'જેને માથે સત્તાનો સૂરજ તપે એ બને ગાદી-પતિ અને મારા જેવા પીડિત પતિના ભાગ્યમાં લખી હોય છે  આ-પત્તિ.'

ઘૂંટણની ગાદી ઘસાય ને ગાદી માટે ઘૂંટણિયે પડાય

પથુકાકાને અને કાકીને જરા ચેન્જ મળે એ માટે રવિવારે કાઠિયાવાડી હોટેલમાં બન્નેને જમવા લઈ ગયો. આ અસ્સલ કાઠિયાવાડી હોટલમાં નીચે જ પાટલા ઢાળી બેસવાનું હતું.

કાકાને ઘૂંટણની તકલીફ છતાં માંડ માંડ બેઠા તો ખરા, પણ સરખી રીતે પલાંઠી વાળી બેસાય માટે તેમણે જુવાન વેઈટરને કહ્યું કે ભાઈ ઢીંચણિયું આપજે ને? વેઈટરે મૂંઝાઈને જવાબ આપ્યો , 'અમારા મેનુમાં ઢીંચણિયું તો નથી, બીજું શું આપું?' કાકાએ ખડખડાટ હસીને કહ્યું , 'કાંઈ વાંધો નહીં. આજ દુઃખતા ઢીચણે કાઠિયાવાડી ભોજન ઝાપટીશ, ચિંતા ન કરતો.'

જમીને બહાર નીકળ્યા ત્યારે લંગડાતા પગે ચાલતા કાકા બોલ્યા, 'આ ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ છે ત્યારથી બહુ તકલીફ છે હો!'

મેં કાકાને કહ્યું, 'તમારી ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ છે અને બીજી બાજુ રાજકારણમાં ગાદી મેળવવા માટે કેટલાય ઘૂંટણિયે પડતા હોય છે, જુઓ છોને?'

પથુકાકા હસીને કહે, 'અરે ભાઈ, ગાદી મેળવવા માટે પક્ષના મોભીને ઘૂંટણિયે પડી પડી કેટલાયના ઘૂંટણ ઘસાઈ ગયાના દાખલા છે, તો પણ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જાય છે, બોલો!'

મેં સવાલ કર્યો, 'ઘૂંટણિયે પડી પડીને પણ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જાય એ શું કરે?'

કાકાએ જવાબ આપ્યો, 'એક પાર્ટીના મોભીઓને ઘૂંટણિયે પડીને પછી પણ ટિકિટ મેળવવામાં નિષ્ફળ જાય એ શું કરે, ખબર છે? પાર્ટી બદલીને બીજી પાર્ટીના મોભી સામે નવેસરથી  ઘૂંટણિયે પડવા માંડે. આ ઘૂંટણી બદલવાની શસ્ત્રક્રિયાને જ 'ની-રિપ્લેસમેન્ટ સર્જરી' કહે છે, સમજાયું? નવા ઘૂંટણ નવો દાવ, ટિકિટ મેળવી રાજી થાવ.'

અંત-વાણી

સઃ સૂરજના તડકાને અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળવાળી ગુજરેજીમાં શું કહેવાય?

જઃ સન-તાપ (કે સંતાપ).

**   **   **

ગાદી ખસે સત્તાની

કે કરોડના મણકાની,

ત્યારે શરૂઆત

થાય સણકાની.

**   **   **

સઃ ચૂંટણીમાં કોનું જોર જોવા મળેે?

જઃ સત્તાવાળાનું અને સટ્ટાવાળાનું.

Gujarat