Get The App

એક જ ટકોરાબંધ ટાટા બાકી કૈંક વાયડા બ-ટાટા

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
એક જ ટકોરાબંધ ટાટા બાકી કૈંક વાયડા બ-ટાટા 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકા સવારના પહોરમાં હિંચકે બેઠાં બેઠાં મરીઝ સાહેબની ગઝલ ગણગણતા હતાઃ

બધીયે મજાએ હતી રાતે રાતે

ને સંતાપ એનો સવારે સવારે

આ શેર પૂરો કરીને ઓડકાર ખાવા માંડયા. મેં પૂછયું, 'કાકા, શું થયું? સવારે સવારે ગઝલ ગણગણીને ઓડકાર ઉપર ઓડકાર કેમ ખાતા જાવ છો?'

પથુકાકાએ વધુ એક ઓડકાર ખાઈને કહ્યું, 'આ તારી કાકીએ ગઈ કાલે રાત્રે જમવામાં બટાટાવાળી કરી. ભરેલું બટાટાનું શાક, બટાટાની પતરીનાં ભજિયા અને બાકી હતું તે બટાટાનું દહી નાખેલું રાયતું ખવડાવ્યું. એમાં સવારે દેશભક્તિની જેમ આ ગેસ-ભક્તિ જાગી છે. આમ રાતે તો બટાટા હોંશે હોંશે ખાધા, પણ સવારે ગેસ-ભક્તિની સાથે વાયુ-પ્રવચન શરૂ થઈ ગયું છે. એટલે જ જરા હવે ફેરવીને પંડિત ઓડકારનાથ ઠાકુર નામ ધારણ કરીને ગાવું પડે છે કેઃ

બધીયે મજાઓ હતી રાતે રાતેને સંતાપ એનો ઓડકારે ઓડકારે.

પંડિત ઓડકારનાથ ઠાકુર ઉર્ફે પથુકાકાનો રાગ માલકૌંસ નહીં પણ ધ-માલકૌંસ સાંભળી રસોડામાંથી વંદે ભારત એક્સપ્રેસની જેમ ધસી આવેલાં (હો)બાળાકાકીએ હિંગવાળું પાણી કાકાને પીવડાવતા કહ્યું કે 'છાનામાના આ હિગંનં પાણી પી જાવ એટલે આપોઆપ પવન-મુક્તાસન થઈ જશે, સમજ્યા?'

પથુકાકા ચૂપચાપ હિંગનું પાણી પી ગયા અને પછી પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ગેસ-ભક્તિ દેખાડતા જોરથી ઓડકાર ખાઈને મોટા અવાજે બોલ્યા જયહિંગ... જયહિંગ... જયહિંગ...

મેં પહેલાં કાકાની ખરેખરી ગેસ-ભક્તિ જોઈ અને પછી કાકી સામે જોઈને લગાવેલો જય-હિંગનો લગન-ભેદી નારો સાંભળી હસીને કહ્યું, 'બટાટા ખાઈને ગેસ થાય છે તો પછી શું કામ ઊભે ગળે બટાટા ખાવ છો? બટાટાથી જ વાયુ-પ્રકોપ થાય ખબર છે?'

પથુકાકા 'જય યો-ગેસવર' બોલીને કહે, 'મને વિચાર આવે છે કે નાના અમથા બટાટામાં કેવો ઠાંસી ઠાંસીને  ગેસ ભર્યો હશે કે ખાતાની સાથે એ બધો ગેસ આપણા પેટમાં ભરાઈ જાય?'

મેં કહ્ય ું,'કાકા, બટાટા કે અન્ન ખાવાથી તમારી જેવાના પેટમાં હવા ભરાઈ જાય છે ને? એમ ઘણા છીછરા એવા હોય છે જેને ધનથી મગજમાં હવા ભરાઈ જાય છે. આવા ધનનો દેખાડો કરનારાનું જેેના મગજમાં હવા ભરાઈ ગઈ હોય એને વાયડા બટાટા જ કહેવાય, સાચું કે નહીં?'

મારી વાતનો તંતુ પકડીને પથુકાકા તરત બોલી ઉઠયા, 'તારી વાત સાવ સાચી, એક જ ટકોરાબંધ ટાટા, બાકીના બધા વાયડા બ-ટાટા...'

મેં કહ્યું, 'કાકા, રતન ટાટા અબજોની મિલકત છતાં સાદગીની મૂર્તિ અને પરોપકારની પૂર્તિ. વોટ બેન્ક નજર સામે રાખી ખિતાબો અને પુરસ્કારો આપતી આ મત-લબી ને મત-વાલી સરકારને ન સૂઝ્યું કે રતન ટાટાને 'ભારત-રત્ન'ના ઈલકાબથી નવાજવા જોઈતા હતા. જોકે રતન ટાટા આવાં કોઈ ખિતાબના મોહતાજ નહોતા. આ દેશની જનતાએ જ દિલથી તેમને ભારત-રત્નથી નવાજ્યા એનાથી બીજું મોટું બહુમાન શું હોઈ શકે? દેશના આ અનમોલ રતને વિદાય લીધી ત્યારે દેશની જનતાની રતન-પરસ્તીના દર્શન થયા ને?'

પથુકાકા બોલ્યા, 'પારસીઓ માઈક્રો-માઈનોરિટીમાં હોવા છતાં અનામતના કે એવા બીજા લાભો લેવાને બદલે મેજોરિટી સખાવતી કાર્યો પાછળ જ દાનનો ધોધ વહાવ્યો છેને? ઈરાનથી દરિયો (સી) પાર કરીને સંજાણ બંદરે પહોંચેલા આ મીઠડા સમુદાય માટે અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટ સાથેનો ગુજરેજી શબ્દ પાર-સી કેવો ફિટમફિટ બેસે છે!'

મેં કહ્યું ,ે 'કાકા, આજે તો રાજનેતાઓ, ફિલ્મ સ્ટારો અને માલેતુજારોમાં બંદૂકધારી બોડીગાર્ડો-બાઉન્સરો રાખવાની અને મોટરના કાફલા સાથે નીકળવાની જાણે ફેશન જ થઈ ગઈ છેને! જ્યારે રતન ટાટા ક્યાં કોઈ બોડીગાર્ડ રાખતા?'

પથુકાકાએ નવાઈ પામીને સવાલ કર્યો,'શું વાત કરે છે? આટલા મોટા અબજોપતિ છતાં કોઈ બોડીગાર્ડ નહોતા રાખતા?' મેં કહ્યું, 'બોડીગાર્ડની ક્યાં વાત કરો છો? મોટે ભાગે પોતાની કાર ખુદ હંકારીને નીકળી પડતા. ડ્રાઈવરની પણ રાહ ન જોતા, ખબર છે?'

આ મહામાનવને મનોમન વંદન કરી કાકા બોલ્યા, 'આ મહાનુભાવે વિદાય લીધી અને આત્મા અનંતયાત્રાએ નીકળી ગયો ત્યાર પછી તેમના ડેડ-બોડી ફરતે પહેલી જ વાર ખાખી વર્દીધારી અને બંદૂકધારી ગાર્ડ જોવા મળ્યા. આપણે તો ટીવી સમાચારમાં  જોયું.'

મેં કહ્યું, 'કાકા, મુંબઈના વરલીના સ્મશાનમાં રતન ટાટાના અંતિમ સંસ્કાર વખતનો અહેવાલ લેવા માટે ઢગલાબંધ પત્રકારો ઉમટયા હતા. પોલીસનો એવો જડબેસલાખ બંદોબસ્ત કે કોઈને આમથી તેમ ચસકવા જ ન દે. મારી જેવાં બે-ત્રણ પત્રકારોને  શંકા-નિવારણ માટે ગયા વગર છુટકો જ નહોતો. પોલીસને રીકવેસ્ટ કરી કે 'પાલિકાની ટીમ જમીનોને દબાણમુક્ત કરાવવા જાય ત્યારે તમે રક્ષણ આપો છો, તો અત્યારે અમને 'દબાણ-મુક્ત' થવામાં મદદ કરોને?' પોલીસ ઓફિસરના મનમાં રામ વસ્યા એટલે અમને કહ્યું પાછળની બાજુ જંગલ છે એમાં મંગલ કરી આવો. હું ચાર કોન્સ્ટેબલ મોકલું છું અને ખરખેર તમે નહીં માનો પણ સ્મોલ-ડાઉટ (લઘુ-શંકા) વિધિ પૂરી ન કરી ત્યાં સુધી ચાર પોલીસ કોન્સ્ટેબલો માથે ઊભા રહ્યા. ત્યારે વિચાર આવ્યો કે મહાનુભાવ આખી જિંદગી બોડી-ગાર્ડ વિના ખરેખર જીવી ગયા એની અંતિમવિધિ પ્રસંગે શંકા-નિવારણ પણ ગાર્ડના જાપ્તા નીચે કરવાનું?'

મહાન કાર્ટૂનિસ્ટ આર. કે.લક્ષ્મણે રતન ટાટાનું અદ્ભૂત કેરિકેચર દોરેલું એ યાદ આવે છે. બહુ ઓછો લોકો જાણતા હશે કે રતન ટાટા ખુદ ખૂબ સારા ચિત્રકાર હતા. ઘણીવાર બોર્ડ મિટીંગમાં સામે બેઠેલા અધિકારીના કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર) પેડમાં દોરી નાખતા હતા અને મીટિંગ પૂરી થયા પછી દેખાડતા  ત્યારે બોર્ડ મીટિંગનું ભારેખમ વાતાવરણ પણ હળવું થઈ જતું.

જીવદયા કેવી? રસ્તા પર રઝળતા શ્વાનને આશરો આપવા મુંબઈના ફલોરા-ફાઉન્ટમાં આવેલા ટાટા ગુ્રપના  મુખ્યાલય બોમ્બે હાઉસની જગ્યામાં ભોંયતળિયે ડોગ-શેલ્ટર બનાવ્યું. પ્રાણીઓ માટે હોસ્પિટલ ઊભી કરી. જીવદયાની ભાવનાને લીધે સવાયા જૈન કહી શકાય એવા રતન ટાટાને અંતિમ-વિદાય અપાઈ ત્યારે આગલી રાતથી તેમના પાર્થિવ દેહની પડખે ને પડખે રહેલા પાળેલા શ્વાન 'ગોવા'ની આંખોમાંથી દડ દડ આંસુ ટપકતાં હતાં. 

પથુકાકા બોલ્યા, 'ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા ત્યારે તેમનો શ્વાન ભેગો ગયો હતો, યાદ છે ને? એવી જ રીતે આ ટાટા સાહેબનો ડોગી પણ ગયો, બહુ કહેવાય હો! આવા ડોગપ્રેમી દુનિયાને દેખાડી દે કે જીતે હૈ શાન સેે... જીતે હૈ શ્વાન સે...'

મેં કહ્યું, 'કાકા, બાળક બોલતું થાય એટલે સૌથી પહેલાં તેને બાય... બાય... ટાટા બોલતા શીખવવામાં આવે છે, બરાબરને? કોઈ મહેમાન જતું હોય ત્યારે મમ્મી-પપ્પા કહેશે, બેટા, અંકલ કો ટાટા કરો... જ્યારે રતન અંકલે કેવી સહજતાથી આખી દુનિયાને ટાટા કહીને વિદાય લીધી!'

પથુકાકા બોલ્યા, 'તારી વાત સાંભળીને કહેવું પડે કે-

જાતિ, ધર્મ, પંથના કૈંક ફાંટા

સીધા ચાલનારાને ઉથલાવવા

ઉખેડે પાટા

ખોટા ખાય ખમણ, 

સાચા ખાય ચાટા

સાચા-જૂઠા આટા-પાટાથી બચવા

કાયમ યાદ કરો રતન ટાટા...'

અંત-વાણી

વૈકુંઠમાં પણ ટાટાનું નામ ગુંજતું થઈ ગયું હશે અને ગવાતું હશેઃ

'ટાટા'નું નામ તમે

વાંસળીના સૂર મહીં

વહેતું ના મેલો ઘનશ્યામ.


Google NewsGoogle News