રેડીમેડના જમાનામાં યાર પણ તૈયાર, પ્યાર પણ તૈયાર
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
એક જમાનો હતો જ્યારે શુભ પ્રસંગે લોકો ઘરે દરજી બેસાડતા, પણ અત્યારે તો સાંકડા ઘરમાં આપણા માટે બેસવાની જગ્યા નથી હોતી ત્યાં દરજી કોણ બેસાડે? રેડીમેડનો જ જમાનો છે. તૈયાર કપડાંની ક્યાં વાત કરવી? નોટ ફેંકવાની તૈયારી હોય તો લોટથી માંડીને વોટ બધું તૈયાર મળે.
શહેરમાં ખરીદીએ જવા નીકળતો હતો ત્યારે પંચાવન વર્ષના પા-ડોશી પ્રભાબહેને બૂમ પાડી, 'સિટીમાં જાવ છો તો નાગડા રેડીમેડ સ્ટોરમ ાંથી મારા છોકરા માટે અડધી ચડ્ડી લેતા આવજોને?'
આ સાંભળીને મેં એમને પરબારું પરખાવ્યું, 'ભાભી, અડધી હોય એને જ ચડ્ડી કહેવાય. હવે તો ઓક્સફર્ડની ડિક્શનરીમાં આપણા જ કેટલાક દેશી શબ્દો ગોઠવાઈ ગયા છે એમાં ચડ્ડી શબ્દ પણ છે, તમને ખબર નથી?' ભાભી બોલ્યાં, 'ઠીક! તો એમ કરજો આખી ચડ્ડી લઈ આવજો બસ?' તમે જ કહો કે અક્કલ બડી કે ચડ્ડી?
મનોમન ખીજ ચડી, પણ ચડ્ડી લીધા વિના જવાય એમ નહોતું.નાગડા રેડીમેડ સ્ટોર પર પહોંચ્યો. વિચાર્યું કે આવ્યો છું તો ભેગા ભેગા મારા પર બે-ત્રણ ડ્રેસ ખરીદતો જાઉં. બહાર જ સેલનું પાટિયું માર્યું હતું અને ગ્રાહકોને આકર્ષવા લખ્યું હતું, 'લ્યો ઊંચા કપડાં, નીચા ભાવે.'
સ્ટોરમા દાખલ થઈને પાડોશીના છોકરાની ચડ્ડી ખરીદ્યા પછી મારા માટે શર્ટ-પેન્ટ કૂર્તા જોવા માંડયો. ત્યાં તો એક લેડી ડોકટર જેવાં લાગતા મેડમ પોતાના ટેણિયાને લઈને ધમસમતા દાખલ થયાં. સ્ટોરના શો કેસમાં રાખેલા અવનવા ડ્રેસ જોવાને બદલે સ્ટોરની અંદર ઊભેલા મારી જેવા રડયાખડયા કસ્ટમરો ઉપર આ મેડમ ચકળવકળ નજર ફેરવા માંડયા. મને થયું કે મેડમ ડ્રેસ લેવા આવ્યા છે કે અમારી જેવા પરદુઃખભંજનનું એડ્રેસ લેવા? ખરખેર એ લેડી ડોકટર જેવાં મેડમ બરાબર મારી પાસે જ આવીને ઊભાં રહ્યાં. રેડીમેડ સ્મિત ફરકાવીને હેલ્લો કહીને એ બોલ્યાં, 'જેન્ટલમેન, મને જરા હેલ્પ કરશો? મારા હસબન્ડને સરપ્રાઈઝ ગિફટ આપવા માગું છું.'
મેં જરા હેબતાયેલા અવાજે કહ્યું, 'એટલે શું તમે સરપ્રાઈઝ ગિફટ તરીકે મને ઘરે લઈ જવા માગો છે?'
મેડમ ખડખડાટ હસીને બોલ્યાં, 'યુ આર વેરી નોટી... યુ સી, મારા હસબન્ડનો બાંધો અસ્સલ તમારા જેવો જ છે.' મને દાંત આવી ગયા. મેં કહ્યું, 'મારા જેવો બાંધો? તો પછી એને ઘરે કેમ બાંધો છો? ભેગો લાવતા શું થાય છે?' મેડમે કહ્યું, 'કાલે એમનો બર્થ-ડે છે એટલે સરપ્રાઈઝ ગિફ્ટમાં અફલાતૂન ડ્રેસ આપવા માગું છું. એને ભેગા લાઉં તો તો ખબર પડી જાય ને? એટલે જ તમને જે ડ્રેસનું ફિટિંગ પરફેક્ટ બેસશે એ હું મારા હસબન્ડને ભેટ આપીશ. ઓકે?'
તમે જ કહો આવી લેડી રોકે તો તો પછી કોણ ન ઓકે?
મેડમે સેલ્સમેનને કહ્યું, 'પ્લીઝ, ઝડપથી શર્ટ ઉતારો...' કોણ જાણે નવોસવો સેલ્સમેન સલમાન ખાન કે શાહરૂખ ખાનના વહેમમાં હશે તો એણે પોતાના શર્ટના બટન ખોલી ઉતારવા માંડયું. મહિલાએ રાડ પાડી, 'તમારું શર્ટ નહીં, આ શો કેસમાં છે એ શર્ટ ઉતારો.' સેલ્સમેને જુદા જુદા રંગના શર્ટનો ઢગલો કર્યો. એમાંથી ચાર-પાંચ શર્ટ બહેને ઉપાડયાં અને હું જાણે એનો ટેમ્પરરી હસબન્ડ હોઉં એમ રોફથી ઓર્ડર કર્યો, 'ચાલો ટ્રાયલ રૂમમાં.'
મેડમ અને એમના ટેણિયા પાછળ ઘસડાતો હું ટ્રાયલ રૂમમાં ગયો. મેડમે એક શર્ટ કોથળીમાંથી કાઢી મને કહ્યું, 'પહેલાં આ ટ્રાય કરો.'
હું જરા શરમાયો, પણ પછી હિંમત કરી શર્ટ ઉતાર્યું. એક તો મારું સૂકલકડી શરીર પાંસળી ગણાય એવી તંદુરસ્ત મને ઊઘાડા ડીલે જોઈને મેડમનો ટેણિયો તાલી પાડીને ચિલ્લાવા માંડયો, 'સી મમ્મી, ડેડ-બોડી... ડેડ-બોડી.... ડેડ-બોડી...'
આ સાંભળીને મને એવું ખરાબ લાગ્યું કે ચહેરાનો રંગ જ ઉતરી ગયો. મેડમે છોકરાને એક ટપલી મારી શાંત કર્યા. પછી સોરી કહીને બોલ્યાં, 'તમે જરાય માઠું ન લગાડતા, આ એના ડેડ (ડેડી)નું બોડી તમારા જેવું જ છે ને અટલે તમે શર્ટ ઉતાર્યું ં એ જોઈને એ ડેડ-બોડી... ડેડ-બોડીની રાડો પાડવા લાગ્યા. મેં તો મેડમે દેખાડેલું શર્ટ પહેર્યું. મારી આસપાસ ફેર ફરીને મેડમ બોલ્યા, 'ફિટિંગ તો બરાબર બેસે છે, પણ મને થાય છે કે મારા હસબન્ડને ફિટ આવશે?' મારાથી બોલાઈ ગયું, 'તમારી જેવા પાર્ટનર ભટકાય એને ફિટ આવ્યા વિના રહે જ નહીં.'
તમે નહીં માનો, એક પછી એક બાર શર્ટ મને પહેરાવી અને પછી ઉતરાવીને મેડમ છેવટે સરપ્રાઈઝ ગિફ્ટ જુદા જુદા બોક્સમાં પેક કરાવી મને થેંક્સ કહીને ગયાં ત્યારે મેં અને સેલ્સમેને રાહતનો શ્વાસ લીધો. બધી ચીજો તૈયાર મળે તો પછી આ જે મેડમ ભટકાયાં એવાં પાગલ પણ તૈયાર કેમ ન મળે? અલબત્ત, ગાંડાપણ તૈયાર મળે એટલે જ કદાચ રેડી-મેડ (મેડ) શબ્દો આવ્યો હળે એવું નથી લાગતું?
મૈં હૂં ના
ગાંધી જયંતીથી ખાદીમા રિબેટ શરૂ થયા એટલે હું નીકળી પડું તૈયાર ઝભ્ભા, નાડીવાળા લેંઘા, કાંગારું ખિસ્સાવાળાં બનિયન અને સિલ્કના શર્ટ લેવા.
ખાદી ભવનના શો કેસમાં લટકાવેલા ખાદીના રેડીમેડ કપડાં પર ચકળવકળ નજર કરતો હતો એ વખતે અંદર ઊભેલા સેલ્સમેને હાક મારી અમદાવાદી લહેકા સાથે કહ્યું, 'સા'બ, ખોદી છેે ખોદી. લઈ જાવ...' મેં અંદર જઈને ટીખળ કરતાં કહ્યું, 'આજકાલ એવા ઘણા નેતા ભટકાય છે, જે ખાદી પહેરીને બીજાનું ખોદી કાઢવામાંથી જ ઊંચા નથી આવતા, બરાબરને? અચ્છા એક વાત પૂછું? તમે ખાદીને ખોદી કહો છો તો ગાંધીને શું કહો છો?
મારો સવાલ સાંભળી સેલ્સમેને એ જ અમદાવાદી લહકાથી જવાબ આપ્યો, 'ગોંધી બાપુ.'
મેં એને સંભળાવ્યું, 'ભાઈ બાપુના વિચારો જીવનમાં ઉતારવાને બદલે ગાંધીને આપણે ગોંધી જ રાખ્યા છેે ને?'
સેલ્સમેને વાત હસી કાઢી અને પછી નવા આવેલા માલ તરફ આંગળી ચીંધી કહ્યું, 'સા'બ, આ પોલી ખોદી લઈ જાવ પોલી ખોદી... ગોંધી જયંતિનું સેલ છે એટલે ખોદી સાવ સસ્તી છે.' મેં કહ્યું, 'ભાઈ,પોલ ઢાંકવા માટે નેતાઓ ખાદી વાપરવા માંડયા છે ત્યારથી ખાદી પોલી જ થઈ ગઈ છે. બાપુના નામે વેચાતી ખાદી ખરેખર સાવ સસ્તી કરી નાખી છે.'
ખરીદી કરીને થા)ક્યો-પાક્યો ખાદી ભવનથી ઘરે આવ્યો. ત્રણ ઝભ્ભા લીધા હતા. અરીસા સામે જોઈ ઝભ્ભા પહેર્યા તો ટૂંકા પડયા. નાનકાને કીધું, 'આ તો ભારે થઈ. ઝભ્ભા ટૂંકા પડયા.' નાનકો હરખાઈને બોલ્યો, 'એમાં ભારે શેની થઈ? મૈં હૂં ના! હું પહેરીશ કે નહીં?'
એ તો ત્રણેય જભ્ભાનો ધણી થઈને એમને એમ ઊભો જ રહ્યો.
કોથળીમાંથી મેં ખાદીના નાડીવાળા લેંઘા કાઢ્યા. ટુવાલ પહેરીને પછી લેંઘાનશીન થયો, પણ હાય કિસ્મત. લેંઘો છ ઈંચ લાંબો નીકળ્યો.હવે શું થાય? મારા મોઢેથી રાડ નીકળી ગઈ, 'હવે આ લેંઘાનો ક્યાં ઘા કરું?'
મારો ઘાંટો સાંભળીને વચેટ ભાઈ દોડી આવ્યો. એની ઊંચાઈ અને લુચ્ચાઈ બન્ને વ ધુ. એટલે તરત બોલ્યો, 'લેંઘાનો ઘા મારી તરફ કરો. નાહક શું કામ આકળા થાવ છો? મૈં હૂં ના!'
ઘરમાં કે દેશમાં બધે વચેટિયા જ ફાવી જતા હોય છે. એણે જેવું 'મૈં હૂં ના' કહ્યું કે એ સાંભળી મારો પિત્તો ગયો. નાનકા અને વચેટિયાને બરાબર ખખડાવીને કહ્યું, 'એલાવ, તમે બેઉ મૈં હૂં ના... મૈં હૂં ના...'નું રટણ કરીને મારી વસ્તુના ધણી થઈ બેસો છો? તમારી આ આદતથી ચેતીને જ હું મારે લાયક કન્યા જોવા જતાં ગભરાઉં છું, ખબર છે? જરાક નીચી કન્યા મ ળે તો નાનકો ધણી થઈ બેસશે અને ઊંચી કન્યા મળે તો વચેટિયો ધણી થઈ બેસશે. કેમ? મારે શું આમ જ ધણી બન્યા વિના ધણધણી રહેવાનું છે?'
અંત-વાણી
સઃ આરોપીની ધરપકડ થાય એમ પ્રેમી પોતાની પ્રેમિકાને બાહુપાશમાં જકડી લિપ-કિસ કરે તેને ગુજરાતીમાં શું કહેવાય?
જઃ અધર-પકડ.