કોઈને અર્પણ લાખની થેલી, તો કોઈને અર્પણ શાકની થેલી

Updated: May 21st, 2024


Google NewsGoogle News
કોઈને અર્પણ લાખની થેલી, તો કોઈને અર્પણ શાકની થેલી 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

મેલો ઘેલો તોય કાકાનો થેલો. ખભે થેલો ન હોય તો કાકા ન હોય. હિમાલયના બાબા થેલારામના જાણે ચેલારામ હોય એમ થેલા વિના કાકા ઉંબરાની બહાર પગ જ  ન મૂકે.

(હો)બાળાકાકી મેલા-ઘેલા થેલા ખભે લટકાવવાની કાકાની ટેવ જોઈને ઠેકડી ઉડાડતા કહે પણ ખરા કે, 'કાકાના  મેલા- ઘેલા થેલા એટલે થેલા મેલા અને કાકા કાઢે ગાંડા- ઘેલા.'

રવિવારે રજાના દિવસે પણ કાકાને શાંતિ નહીં. થેલો લઈને નીકળી જ પડે. ગયા રવિવારે કાકાના ઘરે પાર્સલ આપવા ગયો ત્યારે પણ કાકા થેલો ખભે લટકાવી બહાર નીકળવાની તૈયારી કરતા હતા. આ જોઈને કાકીએ લટકો કરી છેલાજી રે... એ ગીતના રાગમાં લલકાર્યું.

થેલાજી રે...

મારે હાટુ મારકેટથી

ટીંડોરા મોંઘા લાવજો...

પથુકાકા  બોલ્યા, 'વહુરાણી, પાંખા પેન્શનમાં મોંઘા ટીંડોરા ક્યાંથી લાવું?' મેં કાકાને કહ્યું , 'કાકા, મોંઘા ટીંડારો ન લાવો તો કાંઈ નહીં, પણ જૂનો થેલો તો બદલો! થેલો લઈને આવતા ટપાલીઓ પણ વર્ષમાં ત્રણ- ચાર થેલા બદલે છે, અને તમે એક જ થેલો કેમ વાપરો છો?' કાકા બોલ્યા, 'ટપાલીઓને સરકાર થેલા આપે છે અને આપણી જેવાને સરકાર ઠેલા આપે છે પછી શું થાય?'

મેં કહ્યું, 'કાકા, ટપાલીના થેલા પરથી મને નીદા ફાઝલી સાહેબનો અફલાતૂન શેર  યાદ આવ્યો. સાંભળો:

સીધા સાદા ડાકિયા 

જાદુ કરે મહાન,

એક હી થૈલે મેં લાયે, 

આંસુ ઔર મુસ્કાન.'

કાકાએ સવાલ કર્યો, 'ડાકિયા એટલે શું? કહે તો ખરો?' મેં કહ્યું, 'ડાકિયા એટલે ટપાલી. એટલીય ખબર નથી પડતી? ટપાલીના થેલામાં કોઈના પ્રેમપત્ર હોય તો કોઈના મરણના સમાચાર હોય કે ખુશખબર હોય. એટલે જ લખ્યું છે ને કે એક હી થેલે મેં લાયે આંસુ ઔર મુસ્કાન...'

પથુકાકા બોલ્યા, 'મારો થેલો પણ જાદુઈ જ કહેવાયને? એક જ થેલો છે જેમાં કારેલા લાવું તો કાકીનું મોઢું કડવું થાય અને કેરી લાવું તો કાકીનું મોઢું મીઠું થાય. આમને આમ અમારો સંસાર ચાલે છે. ક્યારેક કાકીનું મોઢું થાય કડવું તો ક્યારેક કાકીનું મોઢું થાય મીઠું, આમ છતાં ક્યારેય છૂટા પડવાનું ન દીઠું...'

મેં કાકાને કહ્યું, 'આપણે ત્રણ વર્ષ પહેલાં આફ્રિકાના એક દેશમાં ગયા હતા, યાદ છે? ત્યારે ગામમાં લેડી પોસ્ટમેન જોઈ હતી, ખભે થેલો લટકાવી કેવી અડેકધૂમ કરતી ટપાલ વહેંચવા નીકળતી!' પથુકાકા બોલ્યા 'હા, યાદ છેને! એ થેલાવાળી ડાકણ કેમ ભૂલાય?'

મેં કાકાને ટપાર્યા, 'આફ્રિકાની લેડી પોસ્ટમેનને તમે ડાકણ કેમ કીધી?' કાકા બોલ્યા, 'તે હમણાં જ કહ્યું કે પોસ્ટમેનને હિન્દીમાં ડાકિયા કહેવાય, એટલે મેં લેડી પોસ્ટમેનને ડાકણ કીધી. બરાબરને?'

મેં કાકાને સવાલ કર્યો, 'તમને ખબર છે, વસમા પાડોશી દેશમાં ઘણાં વર્ષો પહેલાં ગામે ગામ ટપાલ પહોંચાડવા જતાં કેટલાંય દિલફેંક ડાકિયા થેલામાં ટપાલ સાથે લાલી, લિપસ્ટીક, પાવડર અને ઈમિટેશન જ્વેલરી પણ લઈ જતા?'

પથુકાકાએ નવાઈ પામીને પૂછયું,  'ટપાલીઓ પોસ્ટ પહોંચતી કરવાની સાથે કોસ્મેટિક્સના સેલ્સમેનનું પણ કામ કરતા હતા?' મેં કહ્યું, 'ના ભાઈ ના, વર્ષો પહેલાં કેટલાય પુરુષો કમાવા માટે મોટેભાગે અખાતના દેશોમાં જતા હતા. ત્યાંથી વહુ છોકરાવને મની- ઓર્ડરથી પૈસા મોકલે. આને મની ઓર્ડર ઈકોનોમી કહેતા. મની ઓર્ડર કે પરદેશ વસતા પતિના પ્રેમપત્રો આપવા માટે પોસ્ટમેન ગામડે જાય ત્યારે એકલવાયું જીવન ગુજારતી કેટલીક મહિલાઓ ટપાલીને દિલ દઈ બેસતી. એટલે રંગીલા મિજાજના ટપાલીઓ ગિફટ આપવા માટે થેલામાં પોસ્ટની સાથે લાલી, લિપસ્ટીક, પાવડર વગેરે ચીજો લઈ જતા. ક્યારેક ગામડાની સ્ત્રીઓ ઈમિટેશન જ્વેલરી કે પછી બંગડીઓ જેવી ચીજો લઈ આવવાની ફરમાઈશ કરે તો એ ચીજો પણ પોસ્ટમેન લાવી દેતા. બસ, આમ જ કેટલાય કિસ્સામાં પ્રેમસંબંધ બંધાતા.'

આ સાંભળી તરત કાકાએ જોડકણું સંભળાવ્યું-

'ભલેને પિયુ મારો

વસે પરદેશ,

આપણે તો ટપાલી હારે

કરીએ એશ.

તેં વસમા પાડોશીની વાત કરીને એટલે કહું છું કે એશ કરવાવાળી મહિલાઓમાંથી અમુક તો અત્યારે પા-ડોશી કે પછી આખી- ડોશી બની ગઈ હશેને? બાકી અત્યારે તો ક્યાં ટપાલનું કે મની ઓર્ડરનું ચલણ રહ્યું છે? બધો વ્યવહાર ઈ-મેલથી  અને ડિજિટલ મનીથી જ ચાલે છે ને? એટલે જ કહેવું પડે કે-

હવે કોઈને રસ નથી

હાથે લખેલા 'મેલ'માં,

મેલ અને ફિમેલ લાગણીની

આપલે કરે છે ઈ-મેલમાં.'

મેં કાકાને કહ્યું, 'તમને આ થેલાનું ભારે વળગણ છે હો!' કાકા બોલ્યા, 'મને તો થેલાનું વળગણ છે, બાકી બીજા બધા તો જાત જાતના વળગણ સાથે ફરતા હોય છેને?'

કાકાને મેં કહ્યું, 'પોતાને માટે જ જીવવાને બદલે બીજા માટે પણ જીવતા શીખવું જોઈએ.આપણા ગામના સેવાભાવી સુખુકાકાની સેવાની કદર કરી સમાજે એક લાખની થેલી અર્પણ કરી એ સમાચાર વાંચ્યાને?'

કાકા બોલ્યા, 'તારી કાકી તો મને રોજ થેલી અર્પણ કરે છે, તને ખબર નથી? સેવાભાવી સુખુકાકાને લાખની થેલી અને મને શાકની થેલી અર્પણ કરે છે તારી કાકી. હું જેવો થેલો લઈને બહાર નીકળું ત્યારે ધરાર મારા હાથમાં થેલી વળગાડીને કહેશે કે બહાર જાવ છો તો એકાદ- બે શાક લઈ આવજો. એટલે હું કહું છું કે-

હાથે વળગાડી થેલી

શાક લેવા ધકેલે છે ઘેલી

દશા જુઓ 

થેલી-સેમિયાના દરદીની

ધૂળ કાઢે કાકી જો

જાઉં થેલી મેલી.'

મેં કહ્યું, 'કાકા, મુંબઈ જેવાં શહેરમાં પીઠ ઉપર થેલા લટકાવીને નીકળતા લોકો ટ્રેન કે બસની ભીડમાં બહુ નડે છે હો? જાણે મરેલું બકરું પીઠ પર ઉપાડી જતા હોય એવું લાગે.'

પથુકાકા તરત બોલ્યા, 'સાવ સાચી વાત છે હો! હમણાં હું લોકલની ભીડમાં ભીંસાતો જતો હતો ત્યારે સબર્બન સ્ટેશન પરથી ટ્રેનમાં પીઠ પર થેલા લઈને પાંચેક કોલેજિયનો ચડયા. વાતચીત પરથી ગુજરાતી લાગ્યા, પણ આવા રશમાં પણ એકબીજાની એવી ટીંગલ કરે અને ટપલા મારીને આઘાપાછા થાય એમાં આજુબાજુના પેસેન્જરોને એમનાં પીઠ પરના થેલાને લીધે એટલી તકલીફ થાય કે વાત ન પૂછો. મેં મોટા અવાજે કહ્યું કે અરે ભાઈ, સીધા ઊભા રહોને! ત્યારે એક વાયડો બોલ્યો કે ઈલેકશનમાં પણ ક્યાં કોઈ સીધા ઊભા રહે છે? તો પછી અમને શું કામ સીધા ઊભા રહેવાનું કહો છો?'

મેં કહ્યું, 'ખરા વાયડા કહેવાય. પછી તમે એને વધુ કાંઈ કહ્યું કે નહીં?' પથુકાકા કહે, 'મેં એમને પૂછયું કે પીઠ પર થેલાનો ભાર વેંઢારીને ક્યાં જાવ છો?' મારો સવાલ સાંભળી એક ગુજરાતી સ્ટુડન્ટે ચાવળાઈથી કહ્યું, 'કાકા, અમે વિદ્યાપીઠમાં જઈએ છીએ વિદ્યાપીઠમાં. આ સાંભળી મેં ચાવળા સ્ટુડન્ટને કહ્યું કે તમારી વિદ્યા-પીઠમાં જ અટકી જાય છે, મગજ સુધી પહોંચતી જ નથી. જેની વિદ્યા- પીઠમાં જતી હોય એ જ વડીલો સામે આવી વાઈડાઈ કરેને!'

અંત- વાણી

સ: દૂરદર્શનને ટેલીવિઝન કહેવાય તો કહ્યાગરા ને દુખિયા પતિદેવો થેલી લઈ શાક લેવા નીકળે એને શું કહેવાય?

જ: થેલી- વિઝન.


Google NewsGoogle News