ઘોડે ચડશે પોલીસોઃ પરણવા નહીં, પહેરો ભરવા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઘોડે ચડશે પોલીસોઃ પરણવા નહીં, પહેરો ભરવા 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

જોડે રે'જો રાજ... જોડે રે'જો રાજ... એ ગીત ફેરવીને ઘોડે રે'જો રાજ... ઘોડે રે'જો રાજ... ઘોડે રે'જો રાજ... એમ ગાતાં ગાતાં અને ઘોડીને ટેકે ઠચુક ઠચુક લંગડાઈને ચાલતા પથુકાકા ઘરે આવ્યા. શારીરિક સજાને પણ મજામાં બદલી શકે એવું કાકા સિવાય બીજું કોણ હોય? 

મેં ઊભા થઈને કાકાને આરામ-ખુરશીમાં બેસાડતા પૂછ્યું , 'આ શું થયું? ક્યા પડયા?' પથુકાકા હસીને બોલ્યા, 'તું આમ આકળો  થા મા.  હું આ ઉંમરે પ્રેમમાં કે પોલિટિક્સમાં નથી પડયો... તું ચિંતા ન કર...'

મેં અધીરાઈથી પૂછ્યું, 'ઝટ કહો તો ખરા? કયાં પડયા? આ કાખઘોડી  લઈ ચાલવાનો વારો કેમ આવ્યો?' સવાલ સાંભળી કાકાએ માર્મિક ઉત્તર આપ્યો,  'ઘોડાને કારણે ઘોડી મળી... મને તો જાતી જિંદગીએ લાભ જ થયોને!'

મેં કપાળ કૂટતા ફરી પૂછ્યું, 'કંઈ સમજાય એવું તો બોલો!' કાકા કહે, 'ઘોડાને લીધે ઘોડી મળી એટલે શું ખબર છે? અમારી સિનિયર સિટીઝન કલબના મેમ્બરો માથેરાન ફરવા ગયા હતા. માથેરાન જઈએ અને ઘોડસવારી ન કરીએ તો તો ધોળામાં ધૂળ જ પડે ને! એટલે અમે ઘોડા ભાડે કરીને જુદા જુદા પોઈન્ટ જોવા નીકળ્યા. રસ્તામાં મારો ઘોડો તો બરાબર ચાલતો હતો. ત્યાં સામેથી કોઈ ટુરિસ્ટને બેસાડી આવતી એક ઘોડી મમતાભરી નજર નાખવાને બદલે વિપક્ષી નેતાની જેમ જોરથી હણહણી અને મારા ઘોડાને ઢીંક મારી. આથી મારો ઘોડો વિફર્યો અને બે પગે ઊંચો થયો એટલે હું ભફાંગ કરતો પડયો અને જમણાં પગનું હાડકું ભાંગી ગયું. માથેરાનમાં માથે-હેરાન થઈ તાબડતોબ મને મુંબઈ પહોંચાડવામાં આવ્યો. પગે પ્લાસ્ટર આવ્યું એટલે પછી કાખધોડીને ટેકે ચાલવાનું ટાણું આવ્યું. આમેય આજના ગઠબંધનના રાજકારણમાં બધા પક્ષો કાખઘોડીને ટેકે જ ચાલે છેને? એટલે મેં તને કહ્યું કે ઘોડાને પ્રતાપે મને ઘોડી મળી...'

પથુકાકા અંગ્રેજી અને ગુજરાતી ભાષાની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં અવનવા શબ્દો બનાવીને વહેતા મૂકતા હોય છે. હમણાં જ ઘરે આવતાંની સાથે મને મીઠું મોઢું કરાવી ખુશખબર આપતા બોલ્યા, 'મારા ભારેખમ ભાણેજની માંડ માંડ સગાઈ થઈ એટલે મીઠું મોઢું કર. ભાણેજના અને ટનબદન કન્યાના ઘોડાક્ષર મળી ગયા એટલે સંબંધ જોડાયો, બીજું શું?'

મેં નવાઈ પામી પૂછ્યું, 'મુરતિયા અને ક્ન્યાના જન્માક્ષર મેચ કરવામાં આવતા હોય છે, પણ આ ઘોડાક્ષર એટલે શું?' કાકાએ હસીને જવાબ આપ્યો ,  'જન્માક્ષરને હોર્સ-સ્કોપ કહે છે એનું મેં ગુજરાતી કર્યું ઘોડાક્ષર... બરાબરને?' મેં કપાળ કૂટી કહ્યું, 'કાકા  એને હોરોસ્કોપ કહેવાય, હોર્સ-સ્કોપ નહીં, પડી સમજ?'

કાકાએ પોતાનો કક્કો ખરો કરવા કહ્યું, 'ભારેખમ ભાણિયો હવે ઘોડે ચડશે એટલે એને ઘોડાક્ષર જ કહેવાય.પડી સમજ?' 

મેં કાકાને કહ્યું, 'હવે તો તમારા ભાણિયાની જેમ મુંબઈના પોલીસો પણ ઘોડે ચડશે, જોજો તો ખરા!' 

નવાઈ પામી કાકાએ પૂછ્યું, 'શું વાત કરે છે! પોલીસોને સરકાર સમૂહલગ્નમાં પરણાવીને ઘોડે ચડાવવાની છે? પોલીસની જોડી કોઈ 'પોલિસી' સાથે જમાવવાની છે? જરા ફોડ પાડીને કહે  તો ખરો?'

મેં ખડખડાટ હસીને કહ્યું, 'પોલીસને પરણાવવાના કે  ઘોડે ચડાવવાના નથી, પણ મુંબઈ પોલીસે અશ્વદળ ઊભું કરવાની તૈયારી કરી છે. એટલે હવે માઉન્ટેડ પોલીસના અશ્વસવાર જવાનો ઘોડે ચડીને પેટ્રોલિંગ કરશે.' 

પથુકાકા ચિંતાતુર  સ્વરમાં પૂછી બેઠા, 'શું પોલીસ જ ઘોડા ઉપર બેસી પેટ્રોલ છાંટશે?' 

મેં કાકાને અધવચ્ચેથી કાપતા કહ્યું,  'અરે ભાઈ, પેટ્રોલિંગ એટલે પહેરેદારી કરશે, મુંબઈના સી-બીચ પર ફરીને જાપ્તો રાખશે.'

પથુકાકા જૂની વાત યાદ કરતા બોલ્યા, ' આઝાદી પહેલાં ગોરાના રાજમાં મુંબઈમાં પોલીસોની ટુકડી ઘોડા ઉપર બેસીને જ બજાવતી હતી ને? હવે આટલા વખતે ફરી હોર્સ-ફોર્સ જોવા મળશે, બરાબરને? પોલીસે બાઈક કે જીપમાં પેટ્રોલ ભરાવવાનો ખર્ચ કર્યા વિના ઘોડાને ચણા ખવડાવી 'પેટ્રોલિંગ'નો નવો નુસ્ખો સારો શોધી કાઢયો. પણ મને વિચાર આવે છે કે આ ચણાખાઉ ઘોડા ઓન-ડયુટી ફરતાં ફરતાં બીચ પર કે રસ્તા ઉપર પોતાના અવશેષો મૂકતા જશે અને ગંદકી કરશે તો મુંબઈની બ્યુટી નહીં ખરડાય? નહીંતર પેલું જૂની ફિલ્મનું ગીત જરા ફેરવીને ગાવું પડશેઃ ઓ-લાદવાલો  ફૂલોફલો... ઓ-લાદવાલો...

મેં કહ્યું, 'કાકા, વિદેશમાં મેં જોયું  છે કે ઘોડા રસ્તા ન બગાડે માટે એમને પાછળના ભાગમાં ખાસ જાતના ચડ્ડા  પહેરાવવામાં આવે છે. એટલે મોટા લીડરનો પડયો બોલ જેમ ચમચાઓ ઝીલે એમ ઘોડાનો પડયો મળ (જેને મૂઠિયા નહીં પણ પૂંઠિયા કહી શકાય) ચડ્ડા ઝીલે છે.'

કાકા હસીને બોલ્યા, 'અરે મારા ભાઈ, એક જમાનામાં મુંબઈના પોલીસ ચડ્ડી અને ચડ્ડા પહેરતા હતા, હવે એ પણ પેન્ટ પહેરતા થઈ ગયા છે ત્યારે પોલીસ ફોર્સના ઘોડાને ચડ્ડી કોણ પહેરાવશે?'

મેં હસીને કાકાને કહ્યું ,'મેં ઘોડાને  ચડ્ડી નહીં, બર્મુડા પહેરીને મુંબઈમાં દોડતા જોયા છે, બોલો!' 

આશ્ચર્ય વ્યકત કરતા કાકા બોલ્યા, 'તેં વળી ઘોડાને ચડ્ડી પહેરી દોડતા ક્યાં જોયા. જરા કહે તો  ખરો?'

મેં કહ્યું, 'તમનેે યાદ છે, વર્ષો પહેલાં હું મહાલક્ષ્મી રેસકોર્સ નજીક હાજીઅલી  એરિયામાં રહેતો? એ વખતે અમારા ફેમિલી ડોકટર નાગરબંધુ હતા, એમની અટક ઘોડા હતી. એકવાર સવારમાં ઘરમાં મેડિકલ ઈમરજન્સી ઊભી થઈ. તરત ડોકટરના ઘરે ફોન કર્યો. મેં પૂછ્યું  'ઘોડા સાહેબ છે?' ડોકટરની પત્નીએ નાગરી રમૂજની ઝલક દેખાડતા જવાબ આપ્યો કે 'ઘોડા તો મહાલક્ષ્મી રેસકોર્સમાં દોડવા ગયા છે...'  આ સાંભળી ખડખડાટ દાંત કાઢતા મેં  કહ્યું કે, 'હં... હવે સમજાયું કે તે ઘોડાને ચડ્ડીને બદલે બર્મુડા પહેરી દોડતા ક્યાં જોયા?' મહાલક્ષ્મી રેસકોર્સમાં આજે પણ ચરબી વધી ગઈ  હોય એ ચરબી ઉતારવા માટે દોડવા આવે જ છે. એટલે હું તો કહું છું કે રેસકોર્સમાં ડરબીમાં ઘોડા દોડે અને ચરબીમાં માણસ દોડે.'

કાકાની રમૂજી વાત સાંભળી દાંત કાઢતાં કાઢતાં  (હો)બાળાકાકી બોલ્યા, 'તારાં કાકા તો ગજબના જોકી છે હો?' 

મેં કાકા તરફ ફરીને પૂછ્યું, 'શું વાત છે? તમે રેસકોર્સની વાત કરો છો ને કહેતા પણ નથી કે તમે જોકી છો?'

પથુકાકા છણકો કરી બોલ્યા, 'આ તારી કાકી મને જોકી શું કામ કહે છે, ખબર છે? હું કાયમ નવી નવી જોક્સ સંભળાવું છું એટલે એ મને કહે છે જોકી. બાકી તો પરણતી વખતે હોંશે હોંશે પહેલી વાર ઘોડા પર બેસી વરરાજા  બનવાની ભૂલ કરી બેઠો. ત્યાર પછી આખી જિંદગી ગધ્ધાવૈતરૃં કરવામાં વીતી. ગધેડાને ખર પણ કહેવાય બરાબર? વર-રાજા વખત વિતતા ખર-રાજા બને ત્યારે કહેવું પડે કે-

સંસાર-સાગરમાં

ડૂબ કે તર-રાજા

ઘોડાના પ્રતાપે કોઈ

વર-રાજા તો કોઈ ખર-રાજા.'

અંત-વાણી

સઃ ઘોડાને રાખવાની જગ્યાને ઘોડાર કહેવાય તો જોડા રાખવાની જગ્યાને શું કહેવાય?

જઃ જોડાર.

**  **  **

ઘટમાં ઘોડા થનગને

વધ-ઘટમાં થોડા થનગને?

**  **  **

સઃ દોડી દોડી પરસેવે રેબઝેબ થયેલા ઘોડાના શરીરમાંથી આવતી વાસને લીધે કંઈ આયુર્વેદિક દવા યાદ આવે?

જઃ અશ્વ-ગંધા.

**  **  **

સઃ કોઈ અશ્વપ્રેમી  અશ્વને પ્રેમથી જાંબુ ખવડાવે ત્યારે ગુજરાતના કયા ગામનું નામ યાદ આવે?

જઃ જાંબુઘોડા.


Google NewsGoogle News