આવે નહીં આપઘાતની વેળા જો રોજ ખાવ કેળાં
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
વધતા ભાવથી ભડકતા કાકા કોઈ પણ ચીજનો ભાવ સાંભળીને ભાવ... ભાવ...ભાવ કરતા રીતસર ભસાભસ કરવા માંડતા. આપણે માર્કેટમાં એની ભેગા ગયા હોઈએ તો કાકાની ભાવ-ભક્તિ નહીં પણ 'ભાવ-ભડકતી' જોઈને શરમાવું પડે.
આજે સવારની જ વાત કરૃં. શાક-માર્કેટમાં જતી વખતે કાકા મને ધરાર ભેગો લઈ ગયા. માર્કેટની બહાર કેળા વેચવા બેઠેલા ભૈયાજીને કાકાએ પૂછ્યું, 'કેલે કા ક્યા દામ હૈ?' ભૈયાજીએ જવાબ આપ્યો કે ચાચા, ૬૦ રૂપિયે દર્જન. ભાવ સાંભળી કાકા તાડૂક્યા, 'કેલા સોનેકા હૈ ક્યા? ૬૦ રૂપિયે દર્જન દામ બહોત હૈ... કુછ કમ કરો.' ભૈયાજી પણ માથાનો નીકળ્યો. એણે જવાબ આપ્યો , 'અચ્છા ચાચાજી, આપ કમ કરને કા બોલતે હૈ બરાબર? તો આપ ૬૦ રૂપિયે કા ૧૦ કેલા લેકે જાઈએ બસ? કમ કર દિયા...' આ સાંભળી કાકા એવા સમસમી ગયાી કે ચૂપચાપ ચાલતી પકડી.
મેં કહ્યું, 'પથુકાકા, કેળાવાળો ભૈયો ગજબનો ચાલાક નીકળ્યો, કેળાનો ભાવ ઓછો કરવાનું કહ્યું તો બેટમજીએ નંગ ઓછા કરવાની ઓફર કરી!' કાકા બોલ્યા, 'ભૈયો જ નંગ નીકળ્યો.'
મેં કાકાને કહ્યું, 'વધતા ભાવ સામે જનતા હો-હા કરે ત્યારે સરકારો આવી જ ચાલાકી કરીને ઘણીવાર અમુક ચીજના ભાવ ઘટાડી બીજી ચીજોના ભાવ વધારીને બનાવટ કરતી જ હોય છેને?' મારી વાત સાંભળીને પથુકાકાએ સિક્સર મારી, 'કેળાને ઈંગ્લિશમાં બનાના કહે છે, બરાબર? પણ આપણે બનાનાનો હિન્દી અર્થ કાઢવાનો. બનાના એટલે કોઈની સાથે બનાવટ કરવી. એટલે ચૂંટણી વખતે ઉમેદવારો મત માગવા આવી ચડે ત્યારે એને એક જ સલાહ આપું છું કે: સબ કો અપના બનાના... પર અપનોં કો ના બનાના...'
મેં કહ્યું, 'કોઈ નઠારા નેતા નજરે ચડે ત્યારે કવ્વાલ યુસુફ આઝાદની મશહૂર કવ્વાલી જરા ફેરવીને ફફડાવવાની: બડે બેશર્મ લીડર (આશિક) હૈ યે આજ કે ઈનકો અપના બનાના ગજબ હો ગયા...'
કેળા અને બનાનાની વાતે ચડી ગયા પછી કાકાને યાદ આવ્યું કે કેળાં લીધા વિના ઘરે જઈશ તો કાકી કકળાટ કરી મૂકશે. એટલે સાવ કાચા કેળા વેચતા એક જણ પાસેથી ત્રણ કેળા લઈ લીઘધાં. મેં કહ્યું, 'કાકા, કેળાં સાવ કાચાં છે.' કાકા બોલ્યા, 'કેળાં ભલે કાચાં છે, પણ તારાં (હો)બાળાકાકી તો પાકાં છેને? કકળાટ કરીને મારૃં માથું પકાવે છે એમ કેળાં નહીં પકાવે?કેમિકલથી પકાવેલાં કેળા ખાવા એના કરતાં કકળાટથી પકાવેલાં કેળા ખાવામાં શું ખોટું છે?'
મેં કહ્યું, 'કાકા, તમારી સહનશક્તિને ખરેખર દાદ દેવી જોઈએ. કહે છેને કે નારી એ શક્તિનું પ્રતીક છે, જ્યારે નર સહનશક્તિનું...' કાકા બોલ્યા, 'પણ હવે તો કાયમી કકળાટથી કંટાળી ગયો છું. કાળી ચૌદસ વખતે કકળાટ કાઢવા બધા ચોકમાં વડા મૂકી આવે, ત્યારે હું વડા બનાવનારી તારી કાકીને જ આખેઆખી મૂકી આવ્યો, તોય કકળાટ ઓછો ન થયો. કકળાટ સાભાર (ભાર સાથે) પરત થયો. ક્યારેક તો આપઘાત કરવાનો વિચાર આવે છે, હો!'
મેં કહ્યું, 'કાકા, કાકા... કકળાટથી ત્રાસી આપઘાત ન કરાય, કેળા ખવાય કેળા, સમજાયું?'
મેં વાક્ય પૂરૃં કરતાંની સાથે જ કાકાએ મને જોરદાર ધબ્બો માર્યો અને કેળાની થેલી દેખાડી કહ્યું, 'કેળાં જેવી બાબતમાંય ઘરમાં કકળાટ થાય છે અને આપઘાત કરવાનો વિચાર આવે છે ત્યારે તું વળી કેળા ખાવાની કેમ સલાહ આપે છે?'
મેં કાકાને જરા ટાઢા પાડતા કહ્યું, 'પથુકાકા, જર્મનીના પ્રોફેસર જેમ્સ પુડેલે એવું સંશોધન કર્યું છે કે કેળાં ખાવાથી માનસિક તાણ દૂર થાય છે, કારણ કેળામાં મેગ્નેશિયન ઉપરાંત સેરોટોનિન હોય છે. આ સેરોટોનિન મગજમાં એવી જાદુઈ અસર કરે છે કે હતાશા, નિરાશા કે તમારી જેમ કકળાટથી ત્રાસીને કોઈ આત્મહત્યાનો વિચાર કરે તેને ઝટપટ પાંચ-છ કેળા ખવડાવી દેવાના એટલે માનસિક તનાવ દૂર થતાં તે આપઘાત કરવાનું માંડી વાળે (અથવા પોસ્ટપોન કરે) એવું બને. આ હું કાંઈ ગપગોળા નથી હાંકતો ,'નેચર' મેગેઝિનમાં કેળાની કમાલના ગુણગાન ગવાયા છે, સમજાયું કે નહીં?'
પથુકાકાએ મારી વાત સાંભળતાની સાથે જ થેલીમાંથી એક કેળું કાઢીને ખાઈ લીધું અને છાલ પાછી થેલીમાં નાખીને બોલ્યા, 'કેળાની આવી જાદુઈ અસર થાય! એ તો કમાલ કહેવાય હો! સરકારે શું કરવું જોઈએ ,ખબર છે? હિલ-સ્ટેશનના અમુક પોઈન્ટ ઉપરથી ઝંપલાવીને ઘણા લોકો આપઘાત કરતા હોય એવાં સ્યુઈસાઈડ પોઈન્ટ નજીક કેળાંનો સ્ટોલ ખોલીને મફત વેચાણ કરવું જોઈએ .આપઘાત કરવા આવ્યા હોય કે ન આવ્યા હોય, મરવાવાળાને અને ફરવાવાળાને પરાણે કેળાં ખવડાવી દેવાના. હિલ સ્ટેશન પર ફરવા આવતા લોકો વાંદરાને કેળા ખવડાવે છે એમ સરકાર માણસોને કેળા ખવડાવશે. સ્ટોલ ઉપર બોર્ડ મારવાનું : તનાવ કો ભગાના હૈ ઔર બનાના સે જીવન બનાના હૈ...
કેળાની કરામત અને મનની મરમ્મતની વાત સાંભળી કાકાએ થેલીમાંથી વધુ એક કેળું ખાધું અને પછી છાલ થેલીમાં નાખવાને બદલે રસ્તા પર ફેંકતાની સાથે પાલિકાના માર્શલે સીસોટી વગાડી અને કાકા પાસે દોડીને આવ્યો અને દંડ વસૂલવા પાવતી ફાડી. પછી કાકાને ધમકાવતા બોલ્યો, 'ચાચા, રાસ્તે પે કેલે કા છીલકા મત ફેંકો, કોઈ ફિસલ કે ગીરેગા તો ટાંગ તૂટ જાયેગી સમજે..?' કાકાએ ક-મને ૫૦ રૂપિયા દંડ ચૂકવ્યો પછી નારાજીના સૂરમાં મને કહ્યું, 'કેળા કમાલનું ફળ છે હોં! ખાવાથી હાડકાં મજબૂત થાય અને છાલ પર લપસી પડો તો એ જ હાડકા ભાંગે. જે પાછા વાળે આપઘાતથી એ જ બચાવી ન શકે લપસી પડવાની ઘાતથી. મને વિચાર આવે છે કે આશ્રમોમાં, ધર્મસ્થાનોમાં અને બની બેઠેલા આશ્રમોમાં કેળા ંખાવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.'
મેં સવાલ કર્યો ,'કેમ, પથુકાકા?' કાકાએ હસીને જવાબ આપ્યો, 'બની બેઠેલા બાપુઓ કે (તક)સાધુઓ લપસી ન પડે એટલે. કેળાની છાલ અને 'કામ'ની ચાલ કયારે તપસ્યાને લપસ્યામાં ફેરવી નાખે એ કહેવાય નહીં!'
અંત-વાણી
કેલે કે આગે એક અક્ષર જોડને સે કિતને નયે શબ્દ બનતે હૈ દેખો:
અ-કેલે
પ-કેલે
થ-કેલે.