પેટનો ખાડો પૂરવા માટે ખાડામાં પેટ-પૂજા
- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
એક મજેદાર કાર્ટૂન જોયું. ટાપટીપ કરી તૈયાર થયેલી મહિલા પોતાના ધણીના ખભા પર હાથ મૂકી સામે ઊભેલા ફોટોગ્રાફરને કહે છે, 'મારો પાડો.' ફોટોગ્રાફરે શું રિસ્પોન્સ આપ્યો ખબર છે? 'હા પાડી'.
પાડા-પાડીની આ રમૂજ પરથી ઘણા વખત પહેલાં મેં લખેલી વનલાઈનર યાદ આવી ગઈઃ મુંબઈમાં રહેવું હોય તો ત્રણથી બચવું - એક તો ખાડાથી, ઘરના વધતા ભાડાથી અન ે ગમે તે દિશામાંથી ધસી આવતા યમના અનબ્રેકેબલ (બ્રેક વગરના) પાડાથી.
મુંબઈમાં તો ખાડાની ખરી ખાડાયણ ચોમાસામાં ચાલુ થાય. કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરેલા રસ્તા બે-ચાર જોરદાર ઝાપટાં પડતાની સાથે ખાડામય બનવા માંડે.
ક્યારેક આડોશીપાડોશી નડે એમ મુંબઈમાં એક ખાણની બાજુમાં આવેલા ખાડા એટલે કે 'ખાડોશી' નડે, ક-નડે અન ે ધ્યાન ન રાખો તો ભલભલા પડે. મુંબઈની આવી દશા જોઈને આપણા પથુકાકા કાયમ છણકો કરીને એક વાક્ય અચૂક સંભળાવે કે, 'શહેરમાં રસ્તા જાય ખાડે અને રાજકારણના રસ્તામાં કાયમ નેતા જાય અ-ખાડે હવે ક્યાં પહેલાં જેવા ખાંડાના ખેલ જોવા મળે છે, અત્યારે તો ખાડાના ખેલ જોઈને બેસી રહેવું પડે છે.'
મેં કાકાને કહ્યું, 'જુઓ, હજી તો ચોમાસાને ચારેક મહિનાની વાર છે ત્યાં ખાડા પૂરવા અને રસ્તાના સમારકામના કોન્ટ્રેકટ આપવા માટેની હિલચાલ શરૂ થઈ ગઈ છે. કેટલાય ઠેકેદારો ટેન્ડરો મેળવે અને પછી સાવ તકલાદી કામ કરીને પોતાના ખિસ્સાં ભરે, બીજું શું?'
મારી વાત સાંભળી ઘૂંધવાયેલા કાકા તાડૂક્યા, 'મુંબઈમાં જ નહીં, પણ મોટા ભાગનાં ગામોમાં ખાઈકી કરવાવાળા બાબુઓ ખિસ્સાં ભરીને પછી ઠેકેદારોને રસ્તાના સમારકામના ઠેકા આપે, અને ઠેકેદારો થૂંકપટ્ટી લગાડી તકલાદી કામ કરે એટલે પછી ઠેર ઠેર પડતા ખાડાને લીધે આપણે ઠેકી ઠેકીને ચાલવું પડે. આમ ઠેકેદારો જ આપણને પણ ઠેકે-દાર બનાવી દે છે. કેવી દુર્દશા કહેવાય!'
મેં કહ્યું, 'કાકા, આ ખાઈકીબાજોને પાપે જ આપણે સહન કરવું પડે છેને!' પથુકાકા કહે, 'ખાવામાં અને ખાઈકીમાં ક્યાં શરમ રાખે છે એટલે જ કહેવું પડે કે-
જરા ભી શર્મ નહીં કરતે
રઘુરાઈ કી,
બાત નહીં માનતે બાપ
યા ભાઈ કી,
દોનોં હાથ સે કરતે
હૈં યે ખાઈકી.'
મેં કાકાને જરા ટાઢા પાડવા કહ્યું, 'કાકા, પહેલાં કહેવાતું કે સાચને ન આવે આંચ, જ્યારે હવે લાંચરૂશ્વતના જમાનામાં કહેવું પડે કે લાંચને ન આવે આંચ. ઠીક છે સહુને પેટનો ખાડો પૂરવાનો હોય છે. કોઈ સાચે રસ્તે કમાય તો કોઈ ખોટે રસ્તે કમાય. બાકી તમારી વાત સો ટકા સાચી કે ખાઈકી કોઈથી ના ખમાય.'
પેટનો ખાડો પૂરવા માટે પણ ખાઈકી કરવી પડે? એવો સવાલ કરતા પથુકાકા ઉકળી ઉઠયા અને બોલી ઉઠયા, 'બેઈમાનીની બદામ ખાવા કરતાં ઈમાનદારીથી અનશન કરીને પડયા રહેવું સારૂં. પગારવધારાની માગણી કે અન્યાયના વિરોધનું પાટિયું લગાડીને પડયા રહેવાનું. જોજો તો ખરા, બે દિવસમાં સામેથી ખવડાવવાવાળા અને પેટનો ખાડો પૂરવાવાળાની અવરજવર શરૂ થઈ જશે.'
મેં પૂછ્યું, 'કાકા, આપણે પેટનો ખાડો પૂરવાની અનેે ખાઈકીની વાત તો કરી, પણ ખાડામાં ખાઈકી તમે જોઈ છે?'
કાકાને સમજાયું નહીં એટલે માથું ધુણાવી ના પાડતા બોલ્યા, 'મને કાંઈ ખબર ન પડી કે આ ખાડાને ખાઈકીની શું શબ્દરમત કરે છે?'
મેં કહ્યું, 'પહેરો ચપ્પલ અને મારી સાથે બહાર ચાલો એટલે નજરોનજર દેખાડું કે ખાઈકી અને ખાડાની શું રમત છે!'
અમે દક્ષિણ મુંબઈમાં હોટેલની બહાર આવ્યા ત્યાં મોટા પાયે સિમેન્ટ રોડ બાંધવા માટે ખાડા ગાળવામાં આવ્યા હતા. સાંજના સમયે ઓફિસો છૂટવા માંડી અને લોકો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (જૂુનું વિકટોરિયા ટર્મિનસ) તરફ જાણે પગ માથે લઈને દોડવા માંડયા. એમાંથી કેટલાય જણ ટપોટપ ખાડામાં ઉતરવા માંડયા. આ જોઈ કાકાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને રાડ પાડી ઉઠયા, 'અરે... અરે... અરે... આ બધા ખાડામાં કેમ કૂદવા માંડયા?'
કાકાનો સવાલ સાંભળી હું એમને વધુ નજીક લઈ ગયો અને પહેલી જ નજરે કાકા આખી પરિસ્થિતિ પામી ગયા. એમાં એવું હતું કે રસ્તાની બાજુની ફૂટપાથ ઉપર પાવ-ભાજી, વડા-પાંવ, ભેળ અને રગડા-પેટીસ વેચવાવાળા લારીઓ લઈને ઊભા હતા. આ લારીવાળાએ પોતપોતાના કસ્ટમરો માટે સિમેન્ટ રોડ માટે ખોદવામાં આવેલા ખાડામાં પ્લાસ્ટિકનાં નાનાં-નાનાં ખુરશી- ટેબલ ગોઠવ્યા હતા. ઓર્ડર પ્રમાણે એ લારીવાળાના વેઈટરો પીરસતા જતા હતા. દૂરથી કોઈને ખબર પણ ન પડે કે ખાડામાં શું ચાલી રહ્યું છે. કાકા આ જોઈને રીતસર છક્ક થઈ ગયા. મેં એમને હલબલાવીને કહ્યું, 'જોયુંને કાકા? ચારે તરફથી સલોકો પેટનો ખાડો પૂરવા મુંબઈમાં આવે અને અહીં આવ્યા પછી પેટનો ખાડો પૂરવા માટે ખાડામાં ઉતરીને આ રીતે 'ખાઈકી' કરવી પડે. બોલો -
જય જય રઘુરાઈ કી
ખાડે ખાડે 'ખાઈકી'
અંત-વાણી
સઃ ખોરાકી ઝેરને એક શબ્દમાં શું કહેવાય?
જઃ ખાના-ખરાબી.
** ** **
ગાલમાં પડે ખાડા તો
કહેવાય ખંજન,
હાલતા ખાડામાં પડે માણસ
તો જોનારાને મનોરંજન?
** ** **
સવાલઃ ખાઉ ગલ્લીમાં જઈ બે હાથે ખાવા મંડી પડતા માણસને ઈંગ્લિશમાં શું કહેવાય?
જવાબઃ મેન-ઈટર.
** ** **
આ ગઠબંધનના મિલાવટી રાજમાં
જ્યાં જુઓ ત્યાં ભેળસેળ છે
થાણામાં, અથાણામાં, ગાણામાં
ને ખાણામાંં બધે ભેળસેળનો
ખેલ છે.